ખંડોબા : મહારાષ્ટ્ર તથા કર્ણાટકના બહુજનસમાજના અત્યંત લોકપ્રિય કુળદેવ. તેમને મલ્લારિ, મલ્લારિ-માર્તંડ, મ્હાળસાકાન્ત, મૈલાર, મૈરાળ આદિ નામોથી ઓળખવામાં આવે છે. આ બંને રાજ્યોની લગભગ બધી ન્યાતોમાં તેમના ઉપાસકો સાંપડે છે. મુસલમાનોમાં પણ તેમના પૂજકો છે અને તે મલ્લુખાન નામથી ઓળખાય છે. ઔરંગઝેબે તેને અજમતખાન એટલે કે અત્યંત પવિત્ર પુરુષના નામથી બિરદાવ્યા હતા એવું કહેવાય છે. મૂળ કર્ણાટકના આ દેવ ત્યાં મૈલાર દેવ નામથી ઓળખાય છે. ચૌદમી સદી પૂર્વેથી આ દેવની વિવિધ સ્વરૂપની મૂર્તિઓ સાંપડે છે. તેમાં કેટલીક અશ્વારૂઢ, કેટલીક ઊભી અને કેટલીક આસનસ્થ છે. ચાર ભુજા ધરાવતી આ મૂર્તિઓના કપાળ પર ભંડાર (હળદર અર્ચન), એક હાથમાં ડમરુ, બીજામાં ત્રિશૂળ, ત્રીજામાં ખડ્ગ અને ચોથામાં પાનપાત્ર જોવા મળે છે. ઘોડો તેમનું વાહન છે; તેમની બે પત્નીઓ મ્હાળસા અને બાણાઈ છે. મ્હાળસા ઉચ્ચ ન્યાતિમાં જન્મેલી અને તેથી ખંડોબાના મંદિરમાં તેની મૂર્તિ હોય છે. બાણાઈ નીચી જાતિમાં જન્મેલી અને તેથી તેની મૂર્તિ મંદિરના વિસ્તારની બહાર હોય છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટક બંનેમાં મળીને ખંડોબાનાં કુલ બાર યાત્રાધામો છે; જેમાંથી જેજુરી (જિ. પુણે), પાલી (જિ. સાતારા), મૈલારલિંગ (જિ. ધારવાડ), મૈલાર (જિ. બેલ્લારી) તથા મંગસૂળી (જિ. બેલગામ) વિશેષ જાણીતાં છે. દરેક યાત્રાસ્થળે દર વર્ષે મેળો ભરાય છે. મદ્રાસ શહેરનું હાલનું ઉપનગર મૈલાપુર મૂળ મૈલારપુરના નામે જાણીતું હતું.
ખંડોબા મ્હાળસાકાન્ત છે. મ્હાળસાને કર્ણાટકમાં માળજ, માળવી, માળમ્બ આદિ નામોથી ઓળખવામાં આવે છે. મ્હાળસા મોહિનીસ્વરૂપ ગણાય છે અને ખંડોબા સાથેની તેમની લગ્નતિથિનો ઉત્સવ પોષી પૂર્ણિમાને દિવસે ઊજવવામાં આવે છે.
ખંડોબાનાં દ્વિતીય પત્ની બાણાઈ માલધારી ધનગરાકન્યા છે. મરાઠીમાં મ્હાળસા તથા બાણાઈનાં શોકગીતો પણ પ્રચારમાં છે. કર્ણાટકમાં બાણાઈની પ્રતિષ્ઠા ઓછી છે.
ખંડોબાના નામ પરથી તેમનું સ્વરૂપ સ્કંદકાર્તિકેયનું હોવાનો મત, મલ્લારિ-માહાત્મ્યની આખ્યાયિકાઓ પરથી નિરાધાર જણાય છે. ખંડોબા શિવના ભૈરવ-સ્વરૂપ પરથી વિકસિત દેવ હોવાની માન્યતા તેમની આખ્યાયિકાઓ પરથી ર્દઢ થાય છે. તેમનું નામ તેમના આયુધ ખડ્ગ કે ખાંડા પરથી ખંડોબા પડ્યું હોવાનો વિશેષ સંભવ છે. વળી ખડ્ગ અને ડમરુ ભૈરવ, નિર્ઋત આદિ દેવોનાં આયુધો છે. વળી ખંડોબા સાથે તેમનું વાહન શ્વાન પણ જોવામાં આવતાં તેઓ શિવના ઘોર સ્વરૂપ સાથે સંબંધ ધરાવતા લાગે છે.
‘મલ્લારિ-માહાત્મ્યમ્’ નામના સંસ્કૃત ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે મણિ અને મલ્લ આ બે રાક્ષસોના સંહાર માટે શંકર ભગવાને માર્તંડ ભૈરવનો અવતાર ધારણ કર્યો હતો. આમ ખંડોબા શિવના અવતાર હોવાથી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેમને વિશેષ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે. ખંડોબા કોઈ ઐતિહાસિક વીર પુરુષ થયા હોય અને તેમને દેવનું સ્વરૂપ આપવામાં આવ્યું હોય એવી શક્યતા પણ છે. સંતતિ માટે ખંડોબાની માનતા મનાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ર. ના. મહેતા