ખંડેરિયા, મનોજ વ્રજલાલ

January, 2010

ખંડેરિયા, મનોજ વ્રજલાલ (જ. 6 જુલાઈ 1943, જૂનાગઢ; અ. 27 ઑક્ટોબર 2003) : સાંપ્રત ગુજરાતી કવિ. તેમણે 1961માં જૂનાગઢ હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી.ની અને 1965માં બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એસસી.ની પરીક્ષા પસાર કરી હતી. જામનગરની એમ. પી. શાહ કૉમર્સ અને લૉ કૉલેજમાં 1965થી 1967 સુધી એલએલ.બી.નો અભ્યાસ કરેલો. 1968થી તેમણે જૂનાગઢમાં જ વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો જે મૃત્યુ પર્યંત ચાલુ હતો. તેઓ સ્થાનિક કૉલેજોમાં વાણિજ્યકાયદાના અને કાયદાના ખંડસમયના અધ્યાપક તરીકે પણ સેવા આપતા હતા.

મનોજ વ્રજલાલ ખંડેરિયા

એમનો પ્રથમ સંગ્રહ ‘અચાનક’ 1970માં પ્રગટ થયેલો. એ પછી તેમનો બીજો સંગ્રહ ‘અટકળ’ પ્રગટ થયો. વિવેચકો અને કાવ્યરસિકોએ એને પ્રમાણ્યો અને ગુજરાતી કવિઓમાં તેમનું સ્થાન સુનિશ્ર્ચિત થયું. ‘અટકળ’માં ગઝલો, ગીતો અને ગદ્યકાવ્યો મૂક્યાં હોવા છતાં એમના કાવ્યત્વનો વિશેષ ગઝલોમાં પ્રગટ થયો છે. પરંપરાગત ગઝલને તેમણે આધુનિકતાના સંદર્ભે પ્રયોજી ગુજરાતી ગઝલને એક નવું પરિમાણ આપવામાં પોતાનો ફાળો નોંધાવ્યો છે. એમની શબ્દ સાથેની નિસબત – એટલે કે કવિતા સાથેની નિસબત – ચારુ અભિવ્યક્તિ પામે છે. તેમનો જાણીતો શેર છે :

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા

ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મનોજની વાસ્તવની સમજ કશી નિર્વેદના જગાવવાને બદલે વધુ વિધેયાત્મક રૂપે પ્રગટ થાય છે.

કાવ્યપદાવલિની ર્દષ્ટિએ મનોજનો આગવો અવાજ ગુજરાતી ભાષાના એક શક્તિશાળી કવિ તરીકે તેમને સ્થાપે છે. તેમના બે સંગ્રહો ‘હસ્તપ્રત’ અને ‘અંજની’ પ્રગટ થયા છે. નરસિંહરાવ મરાઠી અંજની ગુજરાતીમાં લઈ આવ્યા, ખંડેરિયાએ એનો અભિનવ રીતનો વિનિયોગ કર્યો તે નોંધપાત્ર છે.

રમણલાલ જોશી