ખંડોબાનું મંદિર, વડોદરા

January, 2010

ખંડોબાનું મંદિર, વડોદરા : વડોદરાના ગાયકવાડોના ઇષ્ટદેવ જેજુરીના ખંડોબાનું વડોદરામાં ર. વ. દેસાઈ માર્ગ પર આવેલું મંદિર.

વડોદરાનું ખંડોબા કે ખંડેરાવનું મંદિર બલાણકવાળા કમ્પાઉન્ડના મંદિરસમૂહનું મુખ્ય દેવસ્થાન છે. નીચી સાદી, ચાર સોપાનવાળી જગતી પર ગર્ભગૃહ, અંતરાલ અને બાર સ્તંભોવાળા મંડપનું તેનું તલદર્શન છે. મંદિરના બહારના પંચરથ થરો સાદા છે. તેનાં કુંભ, કળશ, ઉદગમ, ભરણી, કેવાલ આદિને ઘાટ આપેલા છે; પણ મંચિકાનો થરનો ભાગ સાદો અને ભદ્રગવાક્ષ પણ પ્રમાણમાં સાદો છે.

મંદિરનું શિખર ગુજરાતમાં જોવામાં આવતું મેરુછેદનું છે. મંડપ પર સાદો ગુંબજ છે. તેના અંદરના ભાગમાં ચિત્રો છે. મંડપ પર તપશ્ચર્યા કરતા સાધુઓનાં શિલ્પો છે. આ શિવાલય છે. તેના શિવલિંગની પાછળના ગોખમાં આરસની ખંડોબાની પ્રતિમા છે તેની સાથેની બીજી પ્રતિમાઓ મ્હાળસા અને બાણાઈની હોવાનો સંભવ છે. અંતરાલમાં ગણેશ તથા હનુમાન અને મંડપમાં નંદિ, અશ્વ અને કૂર્મની સ્થાપના છે.

આ મુખ્ય દેવસ્થાન ઉપરાંત બીજાં ત્રણ શિખરબંધી મંદિરો, તુલસી-ક્યારો અને ત્રણ દશનામીની સમાધિઓ પણ છે.

મંદિર ઈંટેરી છે; સ્તંભો પથ્થરના છે. શૈલીની ર્દષ્ટિએ આ મંદિર અઢારમી સદીના ઉત્તરાર્ધનું હોય એવું લાગે છે.

ર. ના. મહેતા