ક્ષેત્રપાલ : ગામ કે શહેરના રક્ષક દેવતા. ગામ અને શહેરના રક્ષણ માટે દુષ્ટ જીવો અને દુષ્ટ આત્માઓને દૂર રાખવા માટે ક્ષેત્રપાલનું મંદિર ઈશાન ખૂણામાં કરવામાં આવે છે. જો મંદિર પશ્ચિમાભિમુખ હોય તો ઉત્તમ ગણાય છે, દક્ષિણાભિમુખ હોય તો મધ્યમ અને પૂર્વાભિમુખ હોય તો અધમ પ્રકારનું ગણાય છે.

ક્ષેત્રપાલની મૂર્તિ ઊભેલી અને નગ્ન હોય છે. તેને ત્રણ આંખો, બે, ચાર, છ કે આઠ હાથ હોય છે. સાત્વિક મૂર્તિને બે કે ચાર હાથ, રાજસને છ અને તામસને આઠ હાથ હોય છે. સાત્વિક મૂર્તિને સાધારણ રીતે બે હાથ હોય છે જેમાં ત્રિશૂળ અને કપાલ ધારણ કરેલાં હોય છે. રાજસ મૂર્તિના જમણા ત્રણ હાથમાં ત્રિશૂળ, ખડગ અને ઘંટ અન ડાબા ત્રણ હાથમાં ખેટક, કપાલ અને નાગપાશ હોય છે. તામસ મૂર્તિમાં ઉપરની છ ઉપરાંત ધનુષ્ય અને બાણ વધારામાં હોય છે. ક્ષેત્રપાલની મૂર્તિમાં નાગનું યજ્ઞોપવીત અને મસ્તક પર મુંડમાલા ધારણ કરાવેલી હોય છે. ક્ષેત્રપાલનું વાહન શ્વાન છે. પિંગલનિઘંટુ ગ્રંથ પ્રમાણે ક્ષેત્રપાલ એ ભૈરવનું જ સ્વરૂપ છે.

પ્રવીણચંદ્ર પરીખ