ક્ષેત્રનું આકાશી અભિલેખન

January, 2010

ક્ષેત્રનું આકાશી અભિલેખન (aerial mapping) : ભૂભાગના નકશાના આલેખન, અભિલેખન તથા પુનરાવર્તન(revision)ની અદ્યતન તકનીક. આકાશમાંથી લીધેલાં છાયાચિત્રોને આધારે તે કરવામાં આવે છે. ફોટો-સર્વેક્ષણવિજ્ઞાન(photogrammetry)ના ક્ષેત્રમાં થયેલા વિકાસને લીધે આકાશમાંથી કરવામાં આવતી સર્વેક્ષણની પદ્ધતિના ઉપયોગ દ્વારા નકશા તૈયાર કરવા અને જરૂર પડે ત્યારે તેમાં સુધારાવધારા કરવાની પ્રક્રિયા વધુ સરળ અને વિશ્વસનીય બની છે. આકાશમાંથી લીધેલાં છાયાચિત્રોને આધારે તૈયાર કરવામાં આવતું અભિલેખન વધુ વિગતપૂર્ણ, અદ્યતન અને પ્રમાણભૂત હોય છે. વિવિધ પરિબળોના પ્રભાવને કારણે ભૌગોલિક કે જળ-સ્થળપરિવર્તનો થયાં કરતાં હોય છે, જેનું અદ્યતન આલેખન અને અભિલેખન જરૂરી બને છે. નકશા બનાવવાની પ્રણાલીગત પદ્ધતિ સામાન્ય રીતે વધુ ખર્ચાળ અને સમયનો ભોગ માગી લે તેવી હોય છે. અને તેથી કોઈ પ્રદેશના ભૌગોલિક નકશાઓમાં અવારનવાર સુધારાવધારા કરવાનું શક્ય હોતું નથી; પરંતુ વિમાનમાંથી કરેલા છાયાંકનને આધારે તૈયાર કરવામાં આવતા નકશા વધુ સુલભ અને આધારભૂત હોય છે. કારણ કે તેમાં જે તે ભૂભાગનાં અદ્યતન લક્ષણો અને વિશિષ્ટતાઓ આપોઆપ આવરી લેવાતાં હોય છે. આકાશમાંથી વિમાનમાર્ગે લેવાયેલાં છાયાચિત્રોનાં સૂક્ષ્મ અધ્યયન, અર્થઘટન અને પરામર્શન દ્વારા ભૂગોળને લગતા દરેક પાસા અંગે નવો ર્દષ્ટિકોણ, નવો અભિગમ, નવી પદ્ધતિઓ અને નવી ચિત્રાકૃતિઓ અપનાવી શકાય છે.

જે ભૌગોલિક પ્રદેશના નકશા તૈયાર કરવાના હોય તેનું ભૌગોલિક સર્વેક્ષણ આકાશમાર્ગે કરવામાં આવે છે અને તે હેતુથી વિમાનમાંથી છબી લેવામાં આવે છે તેને આધારે જે તે પ્રદેશના નકશા તૈયાર કરવામાં આવે છે. પહોંચવું લગભગ અશક્ય હોય તેવા દુર્ગમ પ્રદેશના નકશા તૈયાર કરવા માટે આકાશમાંથી છબી લેવાની પદ્ધતિ વધુ સુગમ અને સચોટ હોય છે. આ તકનીકને વધુ ને વધુ પરિપૂર્ણ બનાવવા માટે અદ્યતન કૅમેરા તથા આકાશમાં ઉડાન કરવા માટેનાં જરૂરી સાધનોનું આધુનિકીકરણ અત્યંત જરૂરી હોય છે. તો જ ઊંચી ગુણવત્તા ધરાવતું છાયાંક્ધા કરી શકાય.

વિશિષ્ટ સ્થળને લગતી ભૌતિક વિગતો દર્શાવવા માટે આકાશમાંથી વિમાન દ્વારા કરવામાં આવેલા છાયાંકનની મૂળ પ્રતની સીધેસીધી નકલ ઉતારવામાં આવે છે; જેથી નદીઓના વળાંકો, કળણભૂમિની સીમાઓ, વહાણ લાંગરવાની જગ્યા અને કિનારા જેવી ભૌગોલિક વિશિષ્ટતાઓ નકશા પર આબેહૂબ દર્શાવી શકાય.

આકૃતિવિજ્ઞાન(geomorphology)માં વિમાનમાંથી કરવામાં આવેલું છાયાંકન વિશેષ ઉપયોગી હોય છે; કારણ કે તેની દ્વારા નદીઓનું ધોવાણ, સૂકા પ્રદેશો તથા દરિયા કે નદીકિનારાના પ્રદેશોનું ધોવાણ, વૃક્ષોનાં પ્રકાર અને કદ, પાકની વહેંચણી, જમીનના પ્રકારો, પૂર દ્વારા થતો પાણીનો ભરાવો, મકાનોના પ્રકારો, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, રસ્તાના આકાર અને અન્ય લક્ષણો વગેરેનો સ્પષ્ટ ખ્યાલ આપી શકાય છે. ભૂસ્તરશાસ્ત્ર અને વનસંવર્ધનવિદ્યા જેવાં ક્ષેત્રોમાં પણ તે ખૂબ ઉપયોગી થાય છે.

પ્રાકૃતિક પરિબળો તથા માનવીની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે રહેલા સંબંધનો સ્પષ્ટ તર્કસંગત ખ્યાલ પણ આકાશમાંથી વિમાન દ્વારા કરવામાં આવેલા છાયાંકનની મદદથી તૈયાર કરવામાં આવતા નકશા પરથી તરત મળી શકે છે.

કૃષ્ણમૂર્તિ કુલકર્ણી

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે