ક્ષય, લસિકાગ્રંથિઓનો : ગળા અને અન્ય ભાગની લસિકાગ્રંથિઓ(lymph nodes)ના ક્ષયનો રોગ. ગળામાં તે સૌથી વધુ જોવા મળે છે અને તેને ગુજરાતીમાં કંઠમાળ પણ કહે છે, જ્યારે અંગ્રેજીમાં તેને scrofula અથવા King’s evil કહે છે. એમ. બોવાઇન તથા એમ. ટ્યૂબર્ક્યુલૉસિસ પ્રકારના જીવાણુથી તે થાય છે અને તેનું મહત્ત્વનું કારણ પાસ્ચ્યુરાઇઝ્ડ ન કરેલું દૂધ ગણાય છે (એમ. બોવાઇન પ્રકાર). હાલ ઇંગ્લૅન્ડમાં બાળકોમાં ક્ષયના અસામાન્ય (atypical) જીવાણુઓથી આ રોગ થાય છે. છાતીમાંનો ક્ષયનો રોગ ક્યારેક હાંસડી પરની લસિકાગ્રંથિઓને અસરગ્રસ્ત કરે છે. ક્યારેક લોહી દ્વારા ફેલાવો થયેલો હોય છે. એઇડ્ઝના દર્દીમાં છાતીમાંની અને બહારની લસિકાગ્રંથિઓમાં તે જોવા મળે છે. ગાંઠો મોટી થયેલી હોય છે અને તેમાં દુખાવો હોતો નથી. ઝડપથી મોટી થતી ગાંઠમાં ક્યારેક સ્પર્શવેદના (tenderness) થાય છે. અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ એકબીજીની સાથે ચોંટી જાય છે (matted together) અને તે સમય જતાં પોચી પડે છે અને તેમાંનું પરુ જેવું મલાઈકૃત દ્રવ્ય (caseated material) ન રુઝાતા માર્ગ વડે બહાર આવે છે. આ પરુની જીવાણુલક્ષી તપાસ કરતાં તેમાંથી કોઈ જીવાણુ સંવર્ધિત (cultured) કરી શકાતા નથી. લાંબા સમયે તેમાં રૂઝ આવે છે ત્યારે કૅલ્સીકરણ થાય છે. તે આપોઆપ પૂરેપૂરા રુઝાતા નથી અને વારંવાર ઊથલા મારે છે. ક્ષયવિરોધી દવાઓ અસરકારક રહે છે. મલાઈકૃત મોટી ગાંઠોને શસ્ત્રક્રિયાથી દૂર કરાય છે.

શિલીન નં. શુક્લ