ક્ષય, મૂત્રમાર્ગ અને જનનમાર્ગનો : મૂત્રપિંડ તથા મૂત્રમાર્ગના અન્ય અવયવો તથા જનનમાર્ગમાં ક્ષયનો રોગ થવો તે. ફેફસાં પછી ક્ષય રોગથી અસર પામતો બીજો મહત્વનો અવયવ મૂત્રપિંડ છે. ઘણી વખત પ્રાથમિક ચેપ સમયે જ મૂત્રપિંડ અસરગ્રસ્ત થાય છે. મૂત્રપિંડમાં ચેપજન્ય વિસ્તાર (infective focus) લાંબા સમય સુધી સુષુપ્ત (dormant) રહે છે. તે પુન: સક્રિય થાય ત્યારે મૂત્રપિંડમાં એક કે વધુ ગૂમડાં થાય છે અને પછી ચેપ મૂત્રમાર્ગમાં ફેલાય છે. તેને કારણે મૂત્રપિંડનળી(ureter)માં વ્યાપક તંતુતા થાય છે જે મૂત્રમાર્ગમાં અવરોધ પેદા કરે છે. તેને કારણે અવરોધજન્ય મૂત્રપિંડી શોથ (obstructive hydronephrosis) થાય છે. આ ઉપરાંત મૂત્રપિંડમાં ચેપજન્ય મલાઈકરણ (caseation) પણ થાય છે. આ બંને પ્રક્રિયા મૂત્રપિંડને નુકસાન કરે છે. મૂત્રનળી ઉપરાંત ચેપ મૂત્રાશય(urinary bladder)માં પણ ફેલાય છે. પેશાબમાં લોહી સાથે પરુ પડે, આલ્બ્યુમિન (પ્રોટીન) વહી જાય, બળતરા થાય વગેરે વિકારો ઉદભવે છે. પરુવાળા પેશાબમાં કોઈ અન્ય જીવાણુનું સંવર્ધન કરી શકાતું નથી. નિદાન માટે અલ્ટ્રાસોનોગ્રાફી, મૂત્રાશય-અંત:દર્શન (cystoscopy), શક્ય હોય ત્યાં નસમાર્ગી મૂત્રમાર્ગ-ચિત્રણ (intravenous pyelography, IVP) કરાય છે. મૂત્રાશયના ક્ષયરોગને કારણે મૂત્રાશય સંકોચાઈ જાય છે. ક્ષયવિરોધી દવાઓ વડે સારવાર અપાય છે. જરૂર પડ્યે શસ્ત્રક્રિયા કરાય છે.

પુરુષોના જનનમાર્ગમાં પુર:સ્થ (prostate) ગ્રંથિ, વીર્યસંગ્રાહિકા (seminal vesicles) અને અધિકશુક્રપિંડ(epididymis)નો ક્ષય થાય છે. તેને કારણે સોજો, તંતુતા, માર્ગમાં અવરોધ, કૅલ્સીકરણ, અફલિતતા (infertility) અને શુક્રગ્રંથિ-કોશા(scrotum)માં પરુવાળાં ચાંદાં થાય છે. સ્ત્રીઓમાં અંડનળીનો ક્ષય સૌથી વધુ જોવા મળે છે. ક્યારેક ગર્ભાશય અને અંડપિંડ પણ અસરગ્રસ્ત થાય છે. તેને કારણે વંધ્યત્વ (sterility) થાય છે. ઋતુસ્રાવ અનિયમિત બને છે. ક્ષયવિરોધી દવાઓથી અને ક્યારેક શસ્ત્રક્રિયા વડે તેની સારવાર થાય છે.

હરગોવિંદ ત્રિવેદી