ક્ષય, હાડકાં અને સાંધાનો

January, 2010

ક્ષય, હાડકાં અને સાંધાનો : હાડકાં અને હાડકાંના સાંધાનો ક્ષય થવો તે. પ્રાગ્-ઐતિહાસિક સમયમાં પણ તેનું અસ્તિત્વ હતું. તે સમયે કરોડના મણકામાં પોટનો ક્ષય રોગ થવાથી પીઠમાં ઢેકો (gibbus) થતો હતો. હાલ પણ કરોડના મણકાનો ક્ષય (tuberculous spondylitis) જ હાડકાંમાં સૌથી વધુ થતો ક્ષયજન્ય વિકાર છે. પુખ્ત વયે પીઠ અને કમરના મણકામાં ક્ષયનો રોગ સક્રિય થાય ત્યારે તેનાં લક્ષણો ઉદભવે છે. તે ડોકના મણકાને પણ અસરગ્રસ્ત કરે છે (2 %). રોગની શરૂઆત બે મણકા વચ્ચેની આંતરમણકા ચક્તી (intervertebral disc)માં થાય છે. તેને કારણે બે મણકા વચ્ચેની જગ્યા ઘટે છે અને તેમની પાસપાસેની સપાટી ક્ષયથી અસરગ્રસ્ત થાય છે. ક્યારેક કરોડના મણકાની કાય(body of vertebra) પ્રથમ અસરગ્રસ્ત થાય છે. ત્યારબાદ આસપાસની પેશીમાં શોથ (inflammation) ફેલાય છે અને તેથી કરોડના મણકાની આજુબાજુ પરુ ભરેલું ગૂમડું થાય છે. તેને શીતગડ (cold abscess) કહે છે. તે તેનાં સ્થાન પ્રમાણે પરામેરુદંડી (paravertebral), સોઆસ-સ્નાયુની અથવા પશ્ચ-ગ્રસની(retropharyngeal) શીતગડ તરીકે ઓળખાય છે. કરોડરજ્જુ, ચેતામૂળ (nerve roots) કે ચેતાઓ (nerves) તે શોથને કારણે અથવા દબાણ કરીને અસરગ્રસ્ત થાય ત્યારે વિવિધ પ્રકારના ચેતાવિકારો થાય છે. તેને કારણે દુખાવો તથા ક્યારેક બંને પગનો લકવો થાય છે. મણકાનું એક્સ-રે ચિત્રણ, સીએટી-સ્કૅન અને એમ આર આઇ ચિત્રણો નિદાનસૂચક ગણાય છે. ક્યારેક શસ્ત્રક્રિયા કરીને બાયૉપ્સી કરાય છે. વગર સારવારે મણકા એકબીજાને ચોંટી જાય છે અને ક્યારેક રોગ આપોઆપ શમે છે. આધુનિક દવાની સારવાર કરવાથી વિકૃતિ અટકાવી શકાય છે. ચેતાવિકાર કે લકવાનો ભય હોય અથવા ડોક અને પીઠના ઉપલા મણકાનો ક્ષય રોગ હોય તો તેની સારવારમાં શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.

કેડ, ઢીંચણ તથા ક્યારેક કોણી, ખભા કે હાથપગના અન્ય સાંધામાં ક્ષયનો રોગ થાય તો તે લાંબા ગાળાના સંધિશોથ(arthritis)નાં લક્ષણો પેદા કરે છે. એકસ-રે ચિત્રણ અને જરૂર પડ્યે સંધિકલા(synovial membrane)ની બાયૉપ્સી વડે નિદાન કરાય છે. મોટા ભાગે ક્ષયવિરોધી દવાથી તે મટે છે. ક્યારેક અસરગ્રસ્ત સંધિકલાને કાપીને કાઢી નાખવાની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. સ્નાયુબંધ(tendon)ની આસપાસની સંધિકલાના ક્ષયરોગને સ્નાયુબંધ-સંધિકલાશોથ (tensinovitis) કહે છે અને તેમાં ક્ષય વિરોધી દવા ઉપરાંત શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.

શિલીન નં. શુકલ