ક્ષત્રપ શિલ્પકલા : ઈ. સ. 1થી ઈ. સ. 400 દરમિયાન પશ્ચિમી ક્ષત્રપોના અમલ દરમિયાન ગુજરાતમાં પણ ક્ષત્રપ શિલ્પકલાનો વિકાસ થયો, જેમાં ખડકોમાં કંડારેલી ગુફાઓમાં તથા ઈંટેરી સ્તૂપો પર કરેલાં અર્ધશિલ્પ રૂપાંકનો તેમજ દેવતાઓનાં પૂર્ણમૂર્ત શિલ્પોનો સમાવેશ થાય છે. જૂનાગઢની બાવાપ્યારાની અને ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ તથા સાણા અને તળાજાની બૌદ્ધ ગુફાઓ તેમજ ઢાંકની જૈન ગુફાઓમાં ગુજરાતનાં પ્રાચીન શૈલોત્કીર્ણ શિલ્પો, અલંકરણો અને રૂપાંકનોના અવશેષો સચવાયા છે. આ શિલ્પોમાં સ્વસ્તિક, પૂર્ણઘટ, કલશ, ભદ્રાસન, શ્રીવત્સ, મીનયુગલ વગેરે માંગલિક આકૃતિઓ, નાશિક-જુન્નરની ગુફાઓના સ્તંભોના ઘાટને અનુસરતા સ્તંભો, વેદિકાયુક્ત ચૈત્યગવાક્ષો, નરનારીયુગ્મો, વિવિધ અંગભંગીમાં ઊભેલાં નારીવૃંદોથી યુક્ત કમલદલની પાંખડીઓના આકારની સ્તંભ-શિરાવટીઓ, ઊડતા ગંધર્વો વગેરેનો સમાવેશ થાય છે. ગોંડલ નજીક આવેલી ખંભાલીડાની મહાકાયા બૌદ્ધ ગુફા આ સમયના અંતની છે. એના ગુફાદ્વારમાં બંને બાજુ કંડારેલા વજ્રપાણિ અને પદ્મપાણિ બોધિસત્વોનાં મોટા કદનાં શિલ્પો ગુજરાતનાં ક્ષત્રપકાલીન શિલ્પોના ઉત્તમ નમૂના છે. બંને તરફ વૃક્ષોની છાયામાં ઊભેલા સેવક-સેવિકાવૃંદની સાથે કંડારેલા ભરાવદાર અને કદાવર દેહ, અંગ-ઉપાંગની વળાંક રેખાઓ, મસ્તક પરનું વેષ્ટન, મુખ પરના ભાવ વગેરે આ શિલ્પોને ક્ષત્રપ અને ગુપ્તકાલની સંક્રાંતિની અવસ્થા સૂચવે છે. ઈ. સ.ની 4થી સદીના ઉત્તરાર્ધની દેવની મોરીના સ્તૂપ પરનાં ટેરાકોટનાં શિલ્પો ક્ષત્રપકાલીન શિલ્પકલાનાં શિરમોર સમાં છે. આ સ્તૂપની પીઠિકા પરના કલાત્મક ચૈત્ય ગવાક્ષોમાં ગોઠવેલી ધ્યાનસ્થ બુદ્ધની વિવિધ મૂર્તિઓએ ભારતની પ્રાચીન બુદ્ધ-પ્રતિમાઓમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્તૂપના ગર્ભમાંથી પણ એક બુદ્ધ-પ્રતિમા પ્રાપ્ત થઈ છે.

ગુજરાતમાંથી અમરેલી, શામળાજી, દેવની મોરી, વડનગર, ખેડબ્રહ્મા, કડિયા ડુંગર, વલભી વગેરે સ્થળોએ પણ  ક્ષત્રપકાલનાં છૂટાં શૈવ અને વૈષ્ણવ ધર્મને લગતાં કલાત્મક શિલ્પોના અનેક નમૂના પ્રાપ્ત થયા છે. આ શિલ્પોમાં સપ્રમાણ નૈસર્ગિક દેહ, ભારે અંગ-ઉપાંગ, સંપૂર્ણપણે ખૂલેલી આંખો, મોટા જઘન કલાત્મક દેહ વળાંક, મૂર્તિને અનુરૂપ ભાવ-વ્યંજના, અધોવસ્ત્રની કલાત્મક વલ્લીઓ અને એનો ગોમૂત્રિકા ઘાટ, આછાં અલંકરણો વગેરે લક્ષણો જોવા મળે છે. શામળાજીમાંથી મળેલ અને વડોદરા સંગ્રહાલયમાં સુરક્ષિત રખાયેલાં શિલ્પોમાં ચામુંડાદેવી, ભીલડી વેશે પાર્વતી, ખેડબ્રહ્માનું એકમુખ-શિવલિંગ વગેરે ખાસ ઉલ્લેખનીય છે. આ વિશિષ્ટ પરંપરાનાં શિલ્પો દક્ષિણ રાજસ્થાનમાં છેક ડુંગરપુર સુધીના વિસ્તારમાં મળી આવે છે. ક્ષત્રપકાલના માટીકામના શિલ્પકલાના અનેક નમૂના પણ જૂનાગઢ અને અમરેલીના ખોદકામમાંથી મળી આવ્યા છે.

પ્રવીણચંદ્ર પરીખ