ક્ષત્રપ સ્થાપત્ય : ગુજરાતના સૌપ્રથમ સ્વતંત્ર ક્ષત્રપ રાજ્યની સ્થાપત્ય-કલા. ઈશુની પ્રથમ ચાર સદી ચાલેલા આ રાજ્યે સ્થાપત્ય-કલાના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરેલું છે અને પ્રાગ્-ગુપ્તકાલીન શૈલી વિકસાવેલી છે. ક્ષત્રપ-સ્થાપત્ય શૈલોત્કીર્ણ અને ઈંટેરી છે. તેમાં બાવા-પ્યારા, ઉપરકોટ, ખાપરા-કોડિયા (ત્રણેય જૂનાગઢમાં), તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુ, રીઝર, ખંભાલીડા અને કડિયા ડુંગરની ગુફાઓનો સમાવેશ થાય છે. ઈંટેરી સ્થાપત્યમાં બોરિયાનો સ્તૂપ, ઈંટવાનો વિહાર, દેવની મોરીના મહાસ્તૂપ – મહાવિહારને પણ ગણાવી શકાય.

જૂનાગઢ(ગુજરાત)માં આવેલ ઉપરકોટ કિલ્લામાંનું સ્થાપત્ય

ઈશુની બીજી-ત્રીજી સદી દરમિયાન કંડારાયેલી બાવા-પ્યારાની ગુફાઓ ત્રણ હરોળમાં છે. સ્તંભો મુખ્યત્વે ચોરસ છે. અલંકૃત ચૈત્યવાતાયનો છે, ચૈત્યગૃહ છે. એક ઓરડીના પ્રવેશદ્વાર ઉપર માંગલિક પ્રતીકો કોતરેલાં છે. આ ગુફાઓ જૈનધર્મી છે. બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ દરમિયાન કોતરાયેલી ઉપરકોટની ગુફા બે મજલાની છે અને બૌદ્ધ છે. ઉપલા માળે ખુલ્લો કુંડ છે. અહીંના સ્તંભ ગોળ અને ત્રાંસા પટ્ટાથી યુક્ત છે. સ્તંભશીર્ષ ઉપર પશુ-આકૃતિઓ છે. દીવાલોની બેઠકો ચૈત્યવાતાયનો અને ચોકઠા પ્રકારનાં સુશોભનો ધરાવે છે. નીચલા મજલાનાં વાતાયનોમાંની માનવાકૃતિઓ ધ્યાનાર્હ છે. નીચલા મજલે ખુલ્લો ચોક છે. ખાપરા-કોડિયાની ગુફાઓ ભવ્ય અને સાદી છે. આ ગુફાઓમાં ઘણી જગ્યાએ શંખલિપિમાં અક્ષરો કોતરેલા છે. તળાજાનાં શૈલગૃહોમાંની એભલમંડપ અને ચૈત્યગૃહ ગુફા આકર્ષક છે. નિવાસખંડનો અહીં અભાવ છે. આ ગુફા ત્રીજી સદીની છે. સાણામાં 62 ગુફાઓ છે. કડિયા ડુંગરમાં 7 ગુફાઓ છે. અહીં તળેટીમાંથી ત્રણ મીટર ઊંચો સિંહસ્તંભ મળ્યો છે. આ બધી ગુફાઓમાં ચૈત્યવાતાયનો અને સ્તંભો અલંકરણની ર્દષ્ટિએ ધ્યાન ખેંચે છે. માનવપ્રાણીની આકૃતિઓ નોંધપાત્ર છે.

ઈંટેરી સ્થાપત્યમાં સૌથી મહત્વનું સ્થાન દેવની મોરીનું છે. અહીંથી પ્રાપ્ત મહાસ્તૂપ અને મહાવિહાર સ્થાપત્યશૈલીની ર્દષ્ટિએ બેનમૂન છે. મધ્યમાં ખુલ્લા ઈંટેરી ચોકની ચોપાસ બત્રીસ ઓરડીઓ છે, જેમાં 29 નિવાસ માટે છે, બાકીની બેમાં એક મંદિર અને એકમાં કોઠાર છે. ચોકને ફરતી ઓસરી છે. બહારની બાજુ ચોપાસ ફરતો ઓટલો છે. મહાવિહારની બાજુમાં અગિયાર મીટર ઊંચો મહાસ્તૂપ હતો, જે નીચલી પીઠિકા, ઉપલી પીઠિકા અને અંડાકાર ભાગનો બનેલો હતો. બંને પીઠિકાના ઉપરના ભાગે પ્રદક્ષિણાપથ છે. પ્રત્યેક બાજુની દીવાલ ઉપર ઉપસાવેલા બાર અને દશ અર્ધસ્તંભોથી બનેલા અગિયાર અને નવ ગોખ હતા. અર્ધ સ્તંભોના ટેકારૂપ દીવાલનાં સુશોભનો મનોહર છે. મહાવિહાર ને મહાસ્તૂપ ઈશુની ચોથી સદીના છે. અહીંથી પ્રાપ્ત ઈંટો 41 x 27 x 6 મીટરની છે.

દેવની મોરી(ગુજરાત)માં આવેલ ક્ષત્રપકાલની બુદ્ધની આવક્ષ-મૂર્તિ (bust)

બોરિયાનો સ્તૂપ અકબંધ નથી. સત્તાવીસ મીટર ઊંચો આ સ્તૂપ ઈશુની બીજી સદીનો હોવાનો સંભવ છે. ત્રીજી સદીના ઈંટવાના વિહારમાં અલિન્દયુક્ત છ ઓરડીઓ છે. આ બંને સ્થળોની ઈંટો 46 x 31 x 8 મીટરની છે.

આમ ક્ષત્રપ-સ્થાપત્ય પશ્ચિમ ભારતની સ્થાપત્યશૈલીનો વિશિષ્ટ નમૂનો પૂરો પાડે છે.

રસેશ જમીનદાર