ક્વિનીન (આયુર્વિજ્ઞાન) : મલેરિયા(શીતજ્વર)ના રોગ સામે વપરાતું ઔષધ.

ક્વિનીન વિશાળ અને જટિલ આલ્કેલૉઇડનો અણુ છે. હવે તો તેનું પ્રયોગશાળામાં ક્વિનીન સલ્ફેટ તરીકે સંશ્લેષણ થાય છે અને ઇન્જેક્શન પણ બનાવવામાં આવે છે.

એકકોષી સૂક્ષ્મ જીવો પરની તેની અસરને કારણે ક્વિનીનને ‘સામાન્ય જીવરસીય (protoplasmic) ઝેર’ કહેવાય છે. તે જીવાણુઓ (bacteria), ટ્રિપેનોસોમા, યીસ્ટ, પ્લાઝમોડિયા (શીતજ્વર જંતુ) અને સ્પર્મેટોઝોઆ પર તેની જૈવિક અસરો દર્શાવે છે. જ્યારે ક્વિનીન સંવેદી ચેતાઓ (sensory nerve) પર લગાડવામાં આવે તો તેને પહેલાં ઉત્તેજિત કરે છે અને ત્યાર બાદ તેને લકવાગ્રસ્ત કરે છે. તેને ચામડી પર લગાડવામાં આવે તો તે સ્થાનિક ચચરાટ (irritation) ઉત્પન્ન કરે છે.

ક્વિનીન મલેરિયાના હુમલાને દબાવે છે અને મટાડે છે; પરંતુ તે ક્લૉરોક્વિન કરતાં ઓછું અસરકારક છે. 1960ના દાયકામાં કેટલાક પી. ફાલ્સિપેરમ સૂક્ષ્મ જીવો પર ક્લૉરોક્વિનની અસર થતી ન હોવાનું જોવા મળ્યું. આવા ઔષધ-અવરોધી (drug-resistant) મલેરિયાની સારવારમાં ક્વિનીન ઉપયોગી છે. ક્વિનીનની આવી ઉપયોગિતાએ તેને ઔષધ તરીકે સ્થાપિત કર્યું. જોકે તે મલેરિયાનો તાવ આવતો અટકાવવા માટે ખાસ ઉપયોગી નથી; પરંતુ તે તાવના હુમલાને દબાવવા માટે તથા ચેપને મટાડવા માટે ઉપયોગી છે. તેની મલેરિયા સામેની અસર ધીમી અને નરમ હોવાને કારણે તેની સાથે સામાન્ય રીતે બીજી એક મલેરિયા-વિરોધી દવા (દા. ત., ટ્રેટાસાઇક્લિન) અપાય છે તે પી. વાયવેક્સ અને પી. ફાલ્સિપેરમ પ્રકારના મલેરિયા કરતા સૂક્ષ્મ જીવોના અલૈંગિક (asexual) સ્વરૂપ તથા પી. વાયવેક્સના લૈંગિક સ્વરૂપ સામે અસરકારક છે.

ક્વિનીનની શારીરિક ક્રિયા પર પણ અસર છે. તે નરમ પીડાનાશક અને તાવ ઉતારનારી દવા છે. તેને નસ વાટે આપવામાં આવે ત્યારે તે ક્યારેક લોહીનું દબાણ ઘટાડે છે તથા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ પણ ઘટાડે છે. તે સ્નાયુઓને શિથિલ કરે છે. તેથી તે જન્મજાત સ્નાયુસજ્જી વિકાર(myotonia congenita)માં સારવાર માટે વપરાય છે. તે વધુ માત્રામાં મોં વાટે આપવામાં આવે ત્યારે તથા નસ વાટે અપાય ત્યારે ઊબકા, ઊલટી કરે છે. ક્યારેક ઝાડા પણ થાય છે.

તે મોં વાટે અપાય ત્યારે લગભગ સંપૂર્ણપણે લોહીમાં પ્રવેશે છે. ચામડી નીચે કે સ્નાયુમાં તેનાં ઇંજેક્શન આપવાથી તે સ્થાનિક કોષનાશ કરે છે અને તેથી તે મોં વાટે કે નસ વાટે દ્રાવણના રૂપે અપાય છે. તે શરીરમાંથી પેશાબ દ્વારા બહાર નીકળે છે.

તેની અસંખ્ય ઝેરી તથા આડઅસરો જોવા મળે છે. તેની ઝેરી અસરોને ‘સિંકોનિઝમ’ કહે છે. તેની ઝેરી અસરો રૂપે કાનમાં ઘંટડીઓ વાગવી, માથું દુખવું, ઊબકા આવવા, ર્દષ્ટિની ચોકસાઈમાં ખામી આવવી  થોડોક રંગ-અંધાપો થવો, આઠમી કર્પરી (cranial) ચેતાના કાર્યમાં વિક્ષેપ થવાથી ચક્કર આવવાં વગેરે થાય છે. ઝેરી અસર વધુ તીવ્ર હોય ત્યારે પ્રકાશ સહન ન કરી શકવો, બેવડું દેખાવું, રાત્રે ન દેખાવું, ર્દષ્ટિક્ષેત્ર સાંકડું થઈ જવું અને ર્દષ્ટિચેતામાં ક્ષીણતા આવવી વગેરે થઈ આવે છે. આંતરડાનું ક્ષોભન (irritation) અને કેન્દ્રીય ચેતાતંત્રના ઉત્તેજનને કારણે ઊબકા અને ઊલટીઓ થાય છે. ઊબકા, ઊલટી અને ઝાડાની તકલીફ મુખ્ય હોય છે. તીવ્ર ઝેરી અસર રૂપે તાવ, માથું દુખવું, ઊલટીઓ થવી, અમૂંઝણ થવી, ઉશ્કેરાટ થવો, માનસિક ગૂંચવાડો થવો, સન્નિપાત થવો, બેહોશ થઈ જવું વગેરે કેન્દ્રીય ચેતાતંત્રીય વિકારો થાય છે.

ક્યારેક લોહીના રક્તકોષો તૂટવાને કારણે ઉગ્ર પ્રકારની રક્તકોષલયી પાંડુતા (acute haemolytic anaemia) થાય છે. લોહીમાંનું પ્રોથ્રોમ્બિન નામનું દ્રવ્ય તથા લોહીના ગઠનકોષો (platelets) ઘટવાને કારણે લોહી વહેવાનો વિકાર થાય છે. વધુ માત્રામાં લેવામાં આવે ત્યારે ક્વિનીન ગર્ભપાત કરે છે. તેની તીવ્ર ઝેરી અસરો જોવા મળે તો ક્વિનીનનો ઉપયોગ બંધ કરવામાં આવે છે.

ઉપચારલક્ષી ઉપયોગો : હાલ તેનો ઉપયોગ મુખ્યત્વે ક્લૉરોક્વિનની અસર ન થતી હોય તેવા પી. ફાલ્સિપેરમ મલેરિયાની સારવારમાં થાય છે. તેનો એક અન્ય મર્યાદિત ઉપયોગ પગના સ્નાયુઓનાં પીડાકારક આકુંચનોને રોકવાનો પણ છે.

બળદેવભાઈ પટેલ

સંજીવ આનંદ

અનુ. શિલીન નં. શુક્લ