ક્વિનિડીન : હૃદયના ધબકારાની અનિયમિતતાની સારવાર માટે વપરાતું ઔષધ. ક્વિનિડીન સિંકોનાની છાલમાંથી મળતું ક્વિનીન જેવું એક આલ્કેલૉઇડ છે. તે હૃદયની તાલબદ્ધતા(rhythm)ના વિકારોમાં વપરાતાં ઔષધોના IA જૂથનું છે. આ જૂથનાં ઔષધો કોષપટલ પર આવેલા સોડિયમ-માર્ગ(sodium-channel)ને અવરોધે છે અને તેથી હૃદયના સ્નાયુને જ્યારે ઉત્તેજિત કરવામાં આવે ત્યારે તેના ક્રિયાવિભવ (action potential)ના ‘O’ તબક્કાનું અવદાબન (depression) થાય છે. આવેગ(impulse)નું વહન ધીમું થાય છે અને પુન- ર્ધ્રુવીકરણ(repolarization)નો સમય લંબાય છે. આ જૂથમાં ક્વિનીડિન ઉપરાંત પ્રૉકેનેમાઇડ, ડાયસોપાયરેમાઇડ વગેરે ઔષધો પણ છે.

અગાઉ મલેરિયાની સારવારમાં સિંકોનાની છાલ અપાતી હતી ત્યારે હૃદયની તાલબદ્ધતાનો વિકાર પણ ઘણી વખતે કાબૂમાં આવતો તેવું નોંધાયું છે. જાં-બેપ્તિસ્તે-દ’ સેનાકે સૌપ્રથમ 1749માં આ નોંધ્યું હતું. 1914માં વેન્કે મેકે ક્વિનીનના આલ્કેલૉઇડનો આ માટે ઉપયોગ કર્યો અને 1918માં ફ્રેએ કર્ણક(atrium)ની તાલબદ્ધતાના વિકારની સારવારમાં ક્વિનિડીન વાપર્યું.

ક્વિનિડીન કર્ણકમાં આવેલી પ્રમુખ આવેગ-સર્જક ગંડિકા(sinus node)ની સ્વયંસંચાલિતા(automaticity)ને તથા હૃદયના સ્નાયુઓની ઉત્તેજનશીલતા(excitability), પ્રતિભાવકારિતા (responsiveness) તથા વહનક્ષમતા(conduction)ને ઘટાડે છે. તેના કારણે હૃદયના સ્નાયુને ઉત્તેજિત કરવાથી થતો ક્રિયાવિભવ વધુ સમય લે છે. આ બધી પ્રક્રિયાઓને કારણે પુન:પ્રવેશી આવેગ(re-entrant impulse)નો અવરોધ થાય છે અને તેને કારણે કર્ણક અને ક્ષેપકની ઝડપી અતાલબદ્ધતા (tachy-arrhythmia) દબાય છે અને હૃદયના ધબકારા નિયમિત થાય છે.

ક્વિનિડીનની ઍટ્રોપિન જેવી તથા આલ્ફા-ઍડ્રિનર્જિક અવરોધક જેવી પણ અસરો છે. તેને કારણે તે થોડા પ્રમાણમાં પ્રમુખ આવેગ-સર્જકનું આવેગજનન (impulse formation) અને હૃદયના સ્નાયુઓની આવેગ-વહનક્ષમતા (conduction) વધારે છે. જોકે તેની આ અસરો મંદ છે અને તેની સીધી અસરો કરતાં વિપરીત હોવાને કારણે સામાન્યપણે નજરે ચડતી નથી.

મોં વાટે લીધા પછી તે ઝડપથી લોહીમાં પ્રવેશે છે અને 3થી 4 કલાકમાં લોહીમાં તેનું મહત્તમ પ્રમાણ જોવા મળે છે. સ્નાયુમાં તેનું ઇન્જેક્શન પીડાકારક હોય છે. તે સામાન્ય રીતે મોં વાટે જ અપાય છે. તેનો યકૃતમાં ચયાપચય થાય છે (80 %) અને પાંચમા ભાગની દવા પેશાબ વાટે શરીરમાંથી નીકળે છે.

ઉપચારલક્ષી ઉપયોગો અને આડઅસરો : ક્વિનિડીન હૃદયના ઝડપી અને અનિયમિત ધબકારાના વિવિધ વિકારોમાં ઉપયોગી છે. લગભગ ત્રીજા ભાગના દર્દીઓમાં આડઅસરોને કારણે ક્વિનિડીનનો ઉપચારલક્ષી ઉપયોગ બંધ કરવો પડે છે. તેની ઝેરી અસરને કારણે હૃદયના ધબકારામાં અનિયમિતતા આવે છે. ક્યારેક ટૂંક સમય માટે ધબકારા બંધ થાય છે. લોહીનું દબાણ ઘટે છે તથા ‘સિંકોનિઝમ’ તરીકે ઓળખાતો વિષજન્ય વિકાર પણ થાય છે. ક્યારેક ઝાડા, ઊલટી થાય છે અને ક્યારેક ઍલર્જીજન્ય વિકારો પણ જોવા મળે છે.

વિપુલ યાજ્ઞિક

શિલીન નં. શુક્લ