ક્વિનીન (રસાયણ) : દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયામાં થતા સિંકોના વૃક્ષની છાલમાંથી છૂટું પાડવામાં આવેલું અગત્યનું આલ્કેલૉઇડ. તે મલેરિયા અને અન્ય પ્રકારના તાવ અને દુખાવો દૂર કરવા તેમજ હૃદયનો તાલભંગ (arrhythmia) દૂર કરવા માટે ઔષધ તરીકે વપરાતું. તેનું સાચું સંરચના-સૂત્ર રજૂ કરવાનું માન પી. રેબેને ફાળે જાય છે. સૂત્ર નીચે મુજબ છે :

લગભગ બે સૈકા સુધી સિંકોના વૃક્ષની છાલનો ભૂકો અથવા નિષ્કર્ષ મલેરિયામાં ઔષધ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો. 1820માં પી. પેલેટિયર અને જે. કૅવેન્ટાઉએ સિંકોના વૃક્ષની છાલમાંથી ક્વિનીન અને અન્ય સંબંધિત આલ્કેલૉઇડ સંયોજનો છૂટાં પાડ્યાં. 1944માં વુડવર્ડ અને ડોરિંગે તેને સંશ્લેષણથી મેળવ્યું પણ ખર્ચાળ હોવાથી આ રીતે તેનું ઔદ્યોગિક ઉત્પાદન વ્યવહારુ ગણાતું નથી. ક્વિનીનની વિષાળુ અસર હોવાથી અને તેના કરતાં વધુ અસરકારક અને ઓછાં વિષાળુ સંશ્લેષિત સંયોજનો જેવાં કે પ્રિમાક્વિન, ક્લૉરોક્વિન, ક્લૉરોગ્વાનાઇડ વગેરેની શોધ પછી ઔષધ તરીકે તેનો ઉપયોગ ઘટ્યો છે. તેમ છતાં પ્લાસ્મોડિયમ ફાલ્સિપેરમથી થતા મલેરિયા સામે તે ઉપયોગી ઔષધ ગણાય છે.

પ્રવીણસાગર સત્યપંથી