ક્વિનહાઇડ્રોન વીજધ્રુવ : સમઅણુ પ્રમાણમાં ક્વિનોન (Q) અને હાઇડ્રોક્વિનોન (QH2) (ક્વિનહાઇડ્રોન) ધરાવતો સંદર્ભ વીજધ્રુવ. 1921માં બિલમૅને દ્રાવણનાં pH મૂલ્યો (H+ આયન સાંદ્રતા) માપવા માટે તેનો ઉપયોગ સૂચવ્યો હતો. હાઇડ્રોક્વિનોન-ક્વિનોન એક અપચયન-ઉપચયન (reduction-oxidation) અથવા રેડૉક્સ પ્રણાલી છે જે નીચે પ્રમાણે દર્શાવી શકાય :
સમઅણુ (1:1) પ્રમાણમાં લીધેલા Q અને QH2 એકબીજા સાથે પ્રક્રિયા કરી અલ્પદ્રાવ્ય 1:1 આણ્વિક સંયોજન ક્વિનહાઇડ્રોન બનાવે છે. મિશ્રણના સંતૃપ્ત દ્રાવણમાં Pt અથવા Au જેવી નિષ્ક્રિય ધાતુનો તાર મૂકવાથી આ વીજધ્રુવ બને છે. વીજધ્રુવને ઇલેક્ટ્રૉન આપવામાં આવે કે તેમાંથી લઈ લેવામાં આવે તે પ્રમાણે ઉપરની પ્રક્રિયા ગમે તે તરફ થઈ શકે છે. આ માટે દ્રાવણ ક્વિનહાઇડ્રોન વડે સંતૃપ્ત હોવું જરૂરી છે. આવા અર્ધકોષનો પ્રમાણિત ઉપચયન-વિભવ (standard oxidation potential) Eoox, 25° સે. તાપમાને -0.6994 વોલ્ટ છે. વીજકોષ સંપૂર્ણ બનાવવા માટે તેને અન્ય અર્ધકોષ (દા.ત., કેલોમલ) સાથે જોડવામાં આવે છે; દા.ત., [Au/QH2,Q, (H+ = x)/KCl, Hg2 Cl2 / Hg(s)] આવા કોષનો ઈ.એમ.એફ. માપીને H+ આયન સાંદ્રતા જાણી શકાય, 8 pHથી ઓછી એટલે લગભગ તટસ્થથી ઍસિડિક દ્રાવણનું pH મૂલ્ય માપવા માટે તે વાપરી શકાય. હાઇડ્રોક્વિનોનનું બેઝિક માધ્યમમાં હવાના O2 વડે ઉપચયન થતાં અને QH2નું વિયોજન થતાં તે બિનઉપયોગી બની જાય છે. ક્વિનોન એમિનો સંયોજનો, એમોનિયા અને NA4+ આયનો સાથે પ્રક્રિયા કરતો હોવાથી આવાં સંયોજનો તેમજ પ્રોટીનનાં દ્રાવણોનું pH માપવા તે વાપરી શકાય નહિ. અજલીય દ્રાવકો માટે ટેટ્રાક્લૉરોક્વિનોન (ક્લૉરેનીલ) અને ક્લૉરોહાઇડ્રોક્વિનોનના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે.
ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ