ક્વિડ, લુડવિગ (Quidde Ludwig) (જ. 23 માર્ચ 1858, બ્રેમન; અ. 4 માર્ચ 1941, જિનીવા) : જર્મન ઇતિહાસકાર, રાજનીતિજ્ઞ, પ્રખર શાંતિવાદી તથા 1927ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તે 1889-96 દરમિયાન પત્રકાર હતા. 1890માં રોમ ખાતેના પ્રશિયન હિસ્ટૉરિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર તથા સેક્રેટરી તરીકે જોડાયા. 1892માં મ્યૂનિક પાછા ફર્યા અને જર્મન પીસ સોસાયટીમાં જોડાયા. જર્મનીમાં ચાલતા લશ્કરીકરણ સામે શાંતિની તરફેણમાં 1893થી ગુપ્ત રાહે પ્રચાર શરૂ કર્યો. 1894માં ‘કલિગ્યુલા’ નામની કટાક્ષપત્રિકામાં કૈસર-વિલ્હેમ બીજા તથા તેની ટોળકીની ટીકા કરી. પત્રિકાને વ્યાપક આવકાર મળ્યો પણ તે માટે ક્વિડને ત્રણ માસના કારાવાસની સજા થઈ. તે જ વર્ષે મ્યૂનિકમાં શાંતિ સંસ્થાની સ્થાપના કરી અને તે પછીના ગાળામાં આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદોમાં સક્રિય ભાગ લીધો. 1907-1919 દરમિયાન બવેરિયાની ધારાસભામાં ઉદારમતવાદીઓનું પ્રતિનિધિત્વ કર્યું. 1914-1929 દરમિયાન જર્મન

લુડવિગ ક્વિડ

પીસ સોસાયટીના ચૅરમૅન રહ્યા. પ્રથમ વિશ્વયુદ્ધનો તાકીદે અંત લાવવાના હેતુથી યુદ્ધમાં જોડાયેલાં તટસ્થ રાષ્ટ્રોના શાંતિવાદીઓનો તેમણે સંપર્ક સાધ્યો હતો. 1915માં હેગ ખાતે મળેલ પરિષદમાં તેમણે જર્મનીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1919માં ડેમોક્રૅટિક પક્ષમાં જોડાયા તથા રાષ્ટ્રની ધારાસભામાં પ્રમાણસર પ્રતિનિધિત્વ પર આધારિત પદ્ધતિની તરફેણમાં તથા વર્સાઈની સંધિના વિરોધમાં ઝુંબેશ ઉપાડી. યુદ્ધ માટે માત્ર જર્મની જવાબદાર છે એ દલીલના તેઓ સખત વિરોધી હતા. 1919-1932 દરમિયાન ધારાસભાના સભ્ય રહ્યા. 1921-1929 દરમિયાન દેશના જમણેરી શાંતિવાદીઓના સંગઠન જર્મન પીસ કાર્ટેલના અધ્યક્ષ રહ્યા. જર્મનીને લીગ ઑવ્ નેશન્સમાં સ્થાન મળે તે માટે તેમણે પ્રયાસ કર્યા. વર્સાઈની સંધિનું ઉલ્લંઘન કરીને જર્મનીમાં ગુપ્ત રાહે લશ્કરી તાલીમ આપવા માટે ચાલતી પ્રવૃત્તિનો તેમણે સામયિકોના માધ્યમથી સખત વિરોધ કર્યો હતો. તે માટે 1924માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. 1933માં તે સ્વદેશ છોડીને જિનીવા જતા રહ્યા હતા, જ્યાં તેમણે જિંદગીનાં બાકીનાં વર્ષો નિર્વાસિત તરીકે પસાર કર્યાં હતાં.

વિશ્વશાંતિ માટે ક્વિડે જોખમ ખેડીને જે કાર્ય કર્યું તેની કદરરૂપે તેમને 1927નું શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર ફ્રાન્સના ફર્દિનંદ બ્યૂસ સાથે સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે જર્મન ભાષામાં ઘણાં પુસ્તકો લખ્યાં છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે