ક્લેમન્ટ 5 (જ. 1264, બોર્ડો પાસેના ગામમાં, ફ્રાન્સ; અ. 1314) : ખ્રિસ્તી ધર્મના રોમન કૅથલિક પંથના વડા ધર્માચાર્ય પોપ. મૂળ નામ બર્માન્દ દ ગો. પોપના સર્વોચ્ચ પદે પહોંચ્યા તે પહેલાં અંગ્રેજોના તાબાના બૉર્ડો શહેરના આર્ચબિશપ હતા. તે પેરુજિયામાં હતા ત્યારે 1305માં તેમની વરણી પોપ તરીકે થઈ હતી. પોપ બનવા આતુર છતાં ઇટાલી બહાર રહેવાની ઇચ્છાથી ફ્રેન્ચ કાર્ડિનલોની સંખ્યા વધારીને તેમના મતના ટેકાથી તેમણે તે માટેની વ્યવસ્થા પાકી કરી

ક્લેમન્ટ 5

અને એવિગ્નોનમાં નિવાસ કર્યો. ફ્રાન્સના રાજા ફિલિપ ધ ફૅર સામે તે રાજરમતમાં પહોંચી શકે તેમ ન હતા. ફિલિપે ક્લેમન્ટ પોપ સાથે શરૂઆતમાં સારો સંબંધ રાખ્યો હતો અને તેની પૂર્વેના પોપ બેનીફેસ આઠમાએ ફિલિપ સામે ફરમાવેલાં શિક્ષાત્મક પગલાં રદ કરીને ક્લેમન્ટે ફિલિપની ચાહના મેળવી હતી અને બેનીફેસની વિરુદ્ધ તેમને નાસ્તિક જાહેર કરવા સિવાય જે કોઈ કડક કારવાઈ કરવી પડે તે તેમણે કરી હતી. ટેમ્પલર્સની બાબત નબળાઈ બતાવવાથી ફિલિપે તેમને ચગદી નાખવા ક્રૂરતાથી પગલાં લીધાં ત્યારે તેમણે જાતે તેની વિરુદ્ધ કાંઈ પગલાં ન લેતાં વેનિસની કાઉન્સિલ બોલાવી (1311-12) તે બાબતની તપાસ તેને સોંપી હતી. રાજા ફિલિપના દબાણને કારણે કાઉન્સિલની બીજી બેઠકમાં તેમની સામેનો કેસ દ્બાઈ ગયો હતો. રાજા પ્રત્યક્ષ હાજર હોવાથી બધા સભ્યો તેમની શેહમાં દબાઈ ગયા હતા. શાસ્ત્રના નિયમો અને વિધિનિષેધોનું પોપ ક્લેમન્ટનું જ્ઞાન સારું હતું. તે માટે તેમણે નામના મેળવી હતી. પોપનો ધાર્મિક અને સાંસારિક બાબતો અંગેનો નિર્ણય અફર ગણાવો જોઈએ અને રાજાઓ પણ તેમના નિર્ણયને માન આપે અને તેમના આદેશનું પાલન કરે એવી પોપની માન્યતા હતી. પોપની નબળાઈને કારણે રાજાશાહી વકરી હતી. તેઓ ‘ટાઇગર ઑવ્ ફ્રાન્સ’ તરીકે જાણીતા હતા.

શિવપ્રસાદ રાજગોર