ક્લાઇવ, રૉબર્ટ (જ. 29 સપ્ટેમ્બર 1725, સ્ટિચી, ડ્રાયટન, શ્રોપશાયર; અ. 22 નવેમ્બર 1774, લંડન) : ભારતમાં બ્રિટિશ રાજ્યનો પાયો નાખનાર કુશળ સેનાપતિ અને વહીવટકાર. તે ગામડાના જમીનદારના સૌથી મોટા પુત્ર હતા. તે તોફાની અને અલ્પશિક્ષિત હતા. 1743માં અઢાર વર્ષની વયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મદ્રાસ(ચેન્નાઈ)ની કોઠીમાં કારકુન તરીકે જોડાયા. કારકુનીના કામથી કંટાળીને તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો પણ બચી ગયા.

રૉબર્ટ ક્લાઇવ

કર્ણાટકના નવાબના મૃત્યુ બાદ ગાદી માટે ફ્રેન્ચોએ ચંદાસાહેબનો પક્ષ લીધો, જ્યારે અંગ્રેજોએ નવાબના પુત્ર મહંમદઅલીનો પક્ષ લીધો. ચંદાસાહેબે ત્રિચિનોપલ્લીના કિલ્લાને ઘેરો ઘાલ્યો હતો. તેમનું ધ્યાન બીજે દોરવા અંગ્રેજોએ 1751માં ક્લાઇવના નેતૃત્વ નીચે 200 યુરોપિયન અને 300 દેશી સૈનિકોની મદદથી આર્કટનો કબજો લીધો. આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ.

1755માં તેઓ ફૉર્ટ સેન્ટ ડેવિડના ગવર્નર તરીકે નિમાયા અને તેમને લેફ્ટનન્ટ કર્નલ તરીકે બઢતી મળી અને જૂન, 1756માં મદ્રાસ આવ્યા. અંગ્રેજોએ કૉલકાતા ફરતો કોટ બાંધતાં બંગાળના નવાબ સિરાજુદ્દૌલાએ કૉલકાતાની અંગ્રેજ વસાહત ઉપર હુમલો કર્યો અને કેટલાક વેપારીઓને કેદ પકડ્યા. આ ખબર મળતાં 900 યુરોપિયન અને 1500 ભારતીય સૈનિકો સાથે ક્લાઇવ કૉલકાતા ગયા. એડમિરલ વૉટ્સને નૌકાદળ સાથે તેમને મદદ કરી. સિરાજુદ્દૌલાના સેનાપતિ મિરજાફરને નવાબપદની લાલચ આપી અમીચંદની સહાયથી ફોડી નાખવામાં આવ્યા. 23-6-1757ના રોજ પ્લાસીના મેદાન ઉપર નવાબનું લશ્કર ખાસ લડાઈ વિના હાર્યું. પ્લાસીનું યુદ્ધ ભારતના અર્વાચીન ઇતિહાસનો મહત્વનો બનાવ છે. આ યુદ્ધથી ભારતમાં અંગ્રેજોના શાસનનો પાયો નખાયો. આ શકવર્તી બનાવ પાછળ ક્લાઇવની કપટી મુત્સદ્દીગીરીએ મોટો ભાગ ભજવ્યો હતો.

મિરજાફરે નવાબ બનતાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પુષ્કળ ધન આપ્યું અને ક્લાઇવને 2,30,000 પાઉન્ડ ભેટ તરીકે અને 30,000 પાઉન્ડની આવકવાળી જાગીર આપી. ત્યાર બાદ ક્લાઇવે અંગ્રેજોના કટ્ટર હરીફ ડચોને ચિનસુરા નજીક હાર આપી. આ ઉપરથી ઇંગ્લૅન્ડમાં મોટા પિટે ક્લાઇવની જન્મજાત સેનાપતિ (heaven born general) તરીકે પ્રશંસા કરી. 1761માં ક્લાઇવ ઇંગ્લૅન્ડ પાછા ફર્યા અને તેમણે જાગીર ખરીદી. તેમને ‘બૅરન ક્લાઇવ ઑવ્ પ્લાસી’નો ઇલકાબ આપવામાં આવ્યો અને તે પાર્લમેન્ટમાં શ્રુસ્બરીમાંથી ચૂંટાયા. તેમને 1764માં નાઇટનો ખિતાબ મળ્યો.

1765માં તેઓ બીજી વખત બંગાળના ગવર્નર તરીકે આવ્યા. કંપનીના નોકરોનો પગાર વધારીને અને તેમના ખાનગી વેપાર ઉપર પ્રતિબંધ લાદીને ભ્રષ્ટાચાર દૂર કરવા પ્રયત્ન કર્યો. મિરજાફર પાસેથી બંગાળનો દીવાની હક મેળવ્યો. ફોજદારી અને જાહેર વહીવટ નવાબ હસ્તક હતા. 1767માં તબિયત બગડતાં તેઓ ઇંગ્લૅન્ડ પાછા ફર્યા.

1772માં જનરલ જ્હૉન બર્ગોઇને ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટમાં તેમની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. ઉમરાવસભામાં તેમની ઉપર કામ ચાલ્યું પણ ભૂતકાળની તેમની રાજ્યની સેવા લક્ષમાં લઈને તેમના બચાવને માન્ય રાખી ભ્રષ્ટાચારના આરોપમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા; પણ આ મુકદ્દમાને કારણે તેમની પ્રતિષ્ઠા તૂટતાં તેમણે નિરાશામાં આપઘાત કરી જીવનનો અંત આણ્યો.

શિવપ્રસાદ રાજગોર