ક્લચ : સાધનસામગ્રી(equipment)ના ચાલક (drive) શાફ્ટનું સંયોજન (connection) અને વિયોજન (disconnection) કરવા માટે વપરાતા યંત્રભાગ (machine element). જો બંને સંયોજિત શાફ્ટની ગતિ અટકાવવામાં આવે અથવા બંને શાફ્ટ સાપેક્ષ રીતે ધીમે ગતિ કરતા હોય તો ર્દઢ (positive) પ્રકારની યાંત્રિક ક્લચ વાપરવામાં આવે છે. જો પ્રારંભિક સ્થિર શાફ્ટને ગતિ કરતા શાફ્ટની મદદથી ગતિમાં લાવવામાં આવે તો બંનેની ગતિ સમાન થાય તે માટે, ઘર્ષણ સપાટીઓવાળા ક્લચનો ઉપયોગ કરવામાં આવે છે.

જ્યારે એક શાફ્ટનું બીજા શાફ્ટ જોડે જોડાણ હોય ત્યારે ર્દઢ પ્રકારની ક્લચ વપરાય છે. આ ઘણી જ સાદી રચનાવાળી ક્લચ છે. આ જાતની ક્લચ સરકતી (slip થતી) નથી અને તેથી ઉષ્મા પેદા થતી નથી. વધુ ઊંચી ગતિએ આ ક્લચ માટે કાર્ય કરવાનું મુશ્કેલ બને છે. ઓછી ગતિએ જોડાણ થાય તો આંચકા(shock)વાળા ભારનું સંચારણ (transmission) થઈ શકે છે. ચોરસ જડબા(square jaw)વાળી ર્દઢ ક્લચ આકૃતિ 1માં દર્શાવી છે.

આકૃતિ 1 : સ્ક્વૅર-જૉ પ્રકારની ધનાત્મક-ક્લચ

જ્યારે અક્ષીય દબાણની મદદથી બળઆઘૂર્ણ(torque)નું સંચારણ કરવાનું હોય ત્યારે આવી ક્લચ ઘર્ષણની મદદથી કાર્ય કરે છે. ઘર્ષણ-ક્લચ સામાન્યત: એન્જિન અને ચલાવાતા ભારની વચ્ચે મૂકવામાં આવે છે. જ્યારે ક્લચની ઘર્ષણ-સપાટીઓ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે ચલાવતા ભારની ગતિ ધીમે ધીમે એન્જિનની ગતિની સમકક્ષ થવા જાય છે અને અંતે બંને ગતિ એકસરખી થઈ જાય છે. ઘર્ષણ-ક્લચ યંત્રના ગતિ કરતા શાફ્ટને સ્થિર શાફ્ટ સાથે જોડવા માટે વપરાય છે જેથી તે શાફ્ટ ગતિ કરતા શાફ્ટની ગતિ આંચકા વગર મેળવી શકે અને ઉપયોગી કાર્ય કરવા માટે જરૂરી બળઆઘૂર્ણનું પણ સંચારણ કરી શકે. સામાન્ય ઉપયોગમાં આવતી ત્રણ ઘર્ષણ-ક્લચ કોન-ક્લચ (આકૃતિ 2), ડિસ્ક-ક્લચ અને રીમ-ક્લચ છે.

આકૃતિ 2 : શંકુ પ્રકારની ઘર્ષણ-ક્લચ

કોન-ક્લચમાં બંને સપાટીઓ શંકુ(cone)ની જોડીની હોય છે. ડિસ્ક-ક્લચમાં મુખ્યત્વે એક કે તેથી વધુ ઘર્ષણસપાટીઓ ચાલિત (driven) શાફ્ટની સાથે સ્પ્લાઇનની મદદથી જોડાયેલી હોય છે. રીમ-ક્લચમાં દબાણ રીમ ઉપર લગાડવામાં આવે છે. આ દબાણ બાહ્ય અથવા આંતરિક હોય છે.

કેન્દ્રત્યાગી ક્લચ પરિભ્રમણ(rotation)ની ગતિને લીધે ઉત્પન્ન થતા કેન્દ્રત્યાગી બળ ઉપર કાર્ય કરે છે. આ ક્લચ સામાન્યત: ઉપયોગમાં નથી કારણ કે તેનું માપ વધતાં, તે બિનસલામત (unsafe) થઈ જાય છે. હાઇડ્રૉલિક કપલિંગની મદદથી પણ ક્લચનું કાર્ય થઈ શકે છે, પણ યાંત્રિક ક્લચ જેટલી સરળતા તેમાં પ્રાપ્ત થતી નથી.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ