ક્લબ : સમાન અભિરુચિ કે હિતસંબંધ ધરાવતા લોકો દ્વારા વિશિષ્ટ હેતુ સિદ્ધ કરવા માટે સ્થપાયેલ સંસ્થા કે મંડળ. સામાન્ય માન્યતા મુજબ આવાં મંડળોમાં આનંદપ્રમોદ, આહારવિહાર, રમતગમત જેવી પ્રવૃત્તિઓને જ પ્રાધાન્ય આપવામાં આવે છે; પરંતુ કેટલાંક મંડળોમાં જુદા જુદા વિષયોને લગતી ચર્ચાસભાઓ પણ આયોજિત કરવામાં આવે છે. કેટલાંક મંડળો સામાજિક સેવાનાં કાર્યો પણ હાથ ધરે છે. મંડળની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માગતા લોકોને તેનું સભ્યપદ સ્વીકારવું પડે છે તથા મંડળના બંધારણ કે નીતિનિયમોને વફાદાર રહીને તેનું પાલન કરવાની બાંયધરી આપવી પડે છે. મંડળના સભ્યોને કેટલાક વિશેષાધિકાર પણ આપવામાં આવતા હોય છે. કોઈ વ્યક્તિ કોઈ મંડળનું સભ્યપદ સ્વીકારે ત્યારે તેનાં કેટલાંક કારણો હોઈ શકે : (1) મંડળની પ્રવૃત્તિઓમાં રસ, (2) મંડળનાં ધ્યેયો કે આદર્શોમાં વિશ્વાસ, (3) સમાનશીલ વ્યક્તિઓનો સહવાસ, (4) સામૂહિક જીવન પ્રત્યે આકર્ષણ, (5) અનુભવોની આપલે તથા (6) વ્યાવસાયિક લાભ મેળવવાની ઇચ્છા. કેટલીક વાર ધનિક વર્ગના માણસો, નિવૃત્ત થયેલા લોકો અથવા કામ વગરની વ્યક્તિઓ માત્ર સમય પસાર કરવાના હેતુથી પણ આવાં મંડળોનું સભ્યપદ સ્વીકારતાં હોય છે.

પ્રાચીન કાળથી આવી સંસ્થાઓના અસ્તિત્વના પુરાવા સાંપડે છે; જોકે સમય જતાં તેના સ્વરૂપમાં ફેરફાર થયેલો જોવા મળે છે તથા તેનાં ધ્યેયો વ્યાપક બન્યાના કે ફેરફાર પામ્યાના દાખલા પણ વિપુલ પ્રમાણમાં સાંપડે છે. પ્રાચીન કાળમાં વયજૂથોને ધોરણે આવાં મંડળો રચાતાં અને તે દરેક વયજૂથના લોકોની અભિરુચિ મુજબ તેનાં ધ્યેયો અને કાર્યો નક્કી થતાં. ગુપ્ત પ્રવૃત્તિઓ કરવા માટે પણ મંડળો રચાતાં. પ્રાચીન ગ્રીસમાં ગુપ્તદેવતાઓના ઉપાસકોનાં તથા વેપારીઓનાં મંડળો સ્થપાતાં. ભારતમાં પણ પ્રાચીન કાળમાં વ્યાપારી હેતુઓ માટે, બૌદ્ધિક ચર્ચાઓ માટે, પ્રવચનો કે વ્યાખ્યાનો આયોજિત કરવા માટે કે કથાવાર્તા દ્વારા સમાજના ચારિત્ર્યઘડતર માટે મંડળો સ્થપાતાં રહ્યાં છે. મધ્યયુગમાં યુરોપના લગભગ દરેક દેશમાં સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક કે વ્યાપારી પ્રવૃત્તિઓ હાથ ધરવાના હેતુથી મંડળોની રચના થતી. ઇંગ્લૅન્ડમાં પંદરમી સદીમાં આવાં મંડળોનું જે સ્વરૂપ હતું તેમાંથી આધુનિક મંડળો ઊપસી આવ્યાં એમ કહી શકાય. સર વૉલ્ટર રૅલે, શેક્સપિયર કે જ્હૉન ફ્લેચર જેવા મહાનુભાવો પણ અમુક મંડળોના સભ્ય હતા. આવાં મંડળોમાં આનંદપ્રમોદ કરતાં બૌદ્ધિક ચર્ચાને વિશેષ મહત્વ આપવામાં આવતું. જેમ્સ બીજાને રાજગાદી પરથી પદચ્યુત કરવાની યોજના રોઝ ક્લબ નામના મંડળના સભ્યોએ ઘડી કાઢી હતી અને તેમાંથી 1688માં ઇંગ્લૅન્ડમાં ક્રાન્તિ થઈ તેવી નોંધ ઇતિહાસમાં સાંપડે છે. ઇંગ્લૅન્ડના રાજકારણમાં વિગ અને ટોરી એવાં બે જૂથોની અનુક્રમે કિટકૅટ ક્લબ તથા સ્ટિક ક્લબ હતી જેમાં મુખ્યત્વે રાજકીય ચર્ચાઓ થતી. ડૉક્ટર જ્હૉન્સનની ક્લબમાં સાહિત્ય અંગે ચર્ચાઓ થતી. 1832માં ડ્યૂક ઑવ્ વેલિંગ્ટનના નેતૃત્વ હેઠળ રૂઢિચુસ્ત સભ્યોએ કાર્લટન ક્લબની સ્થાપના કરી હતી. તે જ અરસામાં પાર્લમેન્ટમાં સુધારા દાખલ કરવા ઇચ્છતા સભ્યોએ રિફૉર્મ ક્લબ નામથી સમાંતર મંડળની સ્થાપના કરી હતી. ઔદ્યોગિક ક્રાન્તિ (1760-1840) પછીના ગાળામાં વ્યાવસાયિક ક્લબોની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો.

ઇંગ્લૅન્ડમાં વિવિધ પ્રકારનાં મંડળોના નમૂનાના ધોરણે યુરોપ અને અમેરિકામાં મંડળોની સ્થાપના થતી ગઈ અને તેનું અનુસરણ વિશ્વના બીજા દેશોમાં પણ સમયાંતરે થતું ગયું. આજે વિશ્વના લગભગ બધા જ દેશોમાં ઓછાવત્તા પ્રમાણમાં વિવિધ ધ્યેયોને વરેલા કે જુદી જુદી પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા લોકોનાં મંડળો જોવા મળે છે અને તેનું સૂક્ષ્મતમ વિશિષ્ટીકરણ થતું જાય છે; દા.ત., સાઇકલપ્રવાસીઓનું મંડળ, રાજદૂતોનું મંડળ, નિવૃત્ત સૈનિકોનું મંડળ, પ્રવાસપ્રેમીઓનું મંડળ, પાનાં રમવામાં રસ ધરાવતા લોકોનું મંડળ, બહેનોનાં વિવિધ પ્રકારનાં મંડળો વગેરે. કામદારકલ્યાણ માટેનું પ્રથમ મંડળ 1862માં સ્થપાયું, બહેનોનું પ્રથમ મંડળ ‘અલેક્ઝાન્ડ્રા ક્લબ’ 1883માં સ્થપાયું. યુનિવર્સિટીની સ્નાતક પદવી ધરાવતી બહેનોનું ખાસ મંડળ 1877માં સ્થપાયું. ખ્રિસ્તી યુવાનોનું વિશ્વસ્તરનું મંડળ YMCA 1844માં તથા યુવતીઓનું મંડળ YWCA 1877માં સ્થપાયાં. ક્રિકેટની રમતના ક્ષેત્રે વિશ્વમાં ખ્યાતિ ધરાવતું મંડળ MCC 1787માં, સામાજિક સેવાના ક્ષેત્રે વૈશ્વિક સ્તર પર જાણીતી બનેલી રોટરી ક્લબ તથા લાયન્સ ક્લબની સ્થાપના અનુક્રમે 1905 તથા 1914માં થયેલી તથા પત્રકારત્વના ક્ષેત્રે પ્રસિદ્ધિ પામેલી પ્રેસ ક્લબની સ્થાપના 1944માં થઈ. પશ્ચિમના દેશો તથા જાપાન, હૉંગકૉંગ, ફિલિપાઇન્સ જેવા દેશોમાં રાત્રિના સમય દરમિયાન જુદા જુદા પ્રકારનું મનોરંજન પૂરું પાડતા ઘટકો ‘નાઇટ ક્લબ’ના નામથી ઓળખાય છે.

ભારતમાં પણ લગભગ દરેક મોટા શહેરમાં વિવિધ રુચિ અને સ્તરનાં મંડળો અસ્તિત્વ ધરાવે છે. આવાં મંડળો સંસ્કારિતાનાં પ્રતીક ગણાતાં હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે