ક્રૉંક્વિસ્ટ, આર્થર

January, 2010

ક્રૉંક્વિસ્ટ, આર્થર (Cronquist Arthur) (જ. 19 માર્ચ 1919, સાન જોસ, કૅલિફૉર્નિયા; અ. 22 માર્ચ 1992, ઉટાહ) : વિખ્યાત અમેરિકન વર્ગીકરણશાસ્ત્રી. તેમણે ઉટાહ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક અને અનુસ્નાતક ઉપાધિઓ મેળવી. વનસ્પતિઓની ઓળખ, ચાવીઓ અને આંતરસંબંધો વિશે કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવીને ત્યાં જ પ્રાધ્યાપક તરીકે જોડાયા. વનસ્પતિના બાહ્ય આકારના અભ્યાસ અને સતેજ શક્તિને કારણે વિદ્યાર્થીઓમાં તે પ્રિય થઈ પડ્યા હતા. તેમણે વર્ગીકરણશાસ્ત્રમાં વર્તુળો રચ્યાં. 1962માં તેઓ વિદ્યાશાખાના પ્રમુખ થયા અને તેની કાઉન્સિલના કાર્યકારી મંત્રી થયા. ત્યાંથી જ્યૉર્જિયા અને વૉશિંગ્ટનમાં શિક્ષણકાર્ય કરીને ન્યૂયૉર્કના વાનસ્પતિક ઉદ્યાનના ક્યુરેટર તરીકે જોડાયા. પગે ચાલીને વનસ્પતિઓ એકત્ર કરવા જેટલી ખડતલતા ને નિષ્ઠાએ તેમને મોટી સફળતા અપાવી.

આર્થર ક્રૉંક્વિસ્ટ

તે સમયે સમકાલીન રશિયન વનસ્પતિશાસ્ત્રી આર્મેન તખ્તાજાને એકદળી વનસ્પતિઓ નિમ્ફેએસી કુળમાંથી ઉત્પન્ન થઈ છે તેમ પુરવાર કર્યું અને તેમને સમર્થન આપ્યું. સપુષ્પ વનસ્પતિઓનું વર્ગીકરણ જાતિવિકાસના સંબંધો ઉપર રચવા માટે ક્રૉંક્વિસ્ટે અથાક મહેનત કરીને નવી વર્ગીકરણપદ્ધતિ શોધી. તેનો પરિચય તેમણે ‘ધ ઇવૉલ્યૂશન ઍન્ડ ક્લાસિફિકેશન ઑવ્ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ’ (1968) નામના ગ્રંથમાં આપ્યો છે. ઉપરાંત તેમણે પોતાની પદ્ધતિ તખ્તાજાનથી ક્યાં અને કેવી રીતે જુદી પડે છે તે દર્શાવ્યું. તેનાથી સંતોષ ન થતાં 1981માં ‘ઍન ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ઑવ્ ક્લાસિફિકેશન ઑવ્ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ’ એ પુસ્તક પ્રસિદ્ધ કરીને વનસ્પતિઓનો જાતિગત ઇતિહાસ વંશાવળી રૂપે દર્શાવ્યો.

વનસ્પતિની સપુષ્પ સૃષ્ટિના તેમણે 2 વિભાગો, 2 વર્ગો અને 11 ઉપવર્ગો કર્યા છે. વર્ગ Iમાં 56 ગોત્ર અને 293 કુળ તથા વર્ગ IIમાં 18 ગોત્ર અને 50 કુળોનો સમાવેશ કર્યો છે. તેમણે રજૂ કરેલું સપુષ્પ વનસ્પતિ-વર્ગીકરણ (1981) ટૂંકમાં નીચે મુજબ છે :

વિભાગ (Divisoin) : Magnoliophyta

(or Angiospermae  સપુષ્પી)

વર્ગ (class) I :

 

ઉપવર્ગો (Subclasses) :

કુલ 6

 

 

 

 

વર્ગ II :

 

 

ઉપવર્ગો :

કુલ 5

 

Magnoliopsida

(Dicotyle-donae  દ્વિદળી વનસ્પતિ)

1. Magnoliidae

2. Hamamelidue

3. Caryophyllidae

4. Dillenidae

5. Rosidae

6. Asteridae

Liliopsida

(Monocotyledonae – એકદળી

વનસ્પતિ)

1. Alismatidae

2. Arecidae

3. Commelinidae

4. Zingiberidae

5. Liliidae

ડેહલગ્રીને પોતાના ગ્રંથમાં એકરાર કર્યો છે કે એકલે હાથે અને એકીસાથે 343 કુળોને એકઠાં કરી તેમને જાતિવિકાસની ર્દષ્ટિએ ગોઠવી વૃક્ષ-વંશાવળી રચવી એ ભગીરથ કાર્ય છે.

સુરેન્દ્ર મ. પંડ્યા