ક્રૉસ : ખ્રિસ્તી ધર્મનું ખાસ ચિહ્ન. ખ્રિસ્તી દેવળો, નિવાસસ્થાનો, કબ્રસ્તાનો વગેરેમાં જાતજાતના ક્રૉસ જોવા મળે છે. ખ્રિસ્તી પ્રાર્થનાઓ અને અન્ય ધર્મવિધિઓ ક્રૉસની નિશાનીથી શરૂ થાય છે. ભૂતપ્રેતની બીકથી બચવા, જોખમોનો સામનો કરવા, શુભ શુકનો દર્શાવવા વગેરે માટે ઘણા ઈસુપંથીઓ ગળે ક્રૉસ પહેરે છે. આવી ક્રૂસભક્તિ અને આસ્થાનું કારણ એ છે કે ભગવાન ઈસુએ માનવી માટેના પ્રેમને લીધે ક્રૂસનું મરણ વહોરી લીધું હતું.

ક્રૉસની વિવિધતાઓ : ઈસુને જે ક્રૉસની શિક્ષા થઈ તેનો આડો સ્તંભ ન્યાયાધીશનું લખાણ ચોડવા માટે થોડી જગ્યા પછી ઊભા સ્તંભની ટોચમાં જ લગાડવામાં આવેલો. આવો ક્રૉસ લૅટિન ક્રૉસને નામે ઓળખાય છે. સમકોણ ચોકડીવાળો રેડક્રૉસના ચિહન જેવો ક્રૉસ ગ્રીક ક્રૉસને + નામે જાણીતો છે. આવા ક્રૉસ બ્રહ્માંડની ચારે દિશાઓના પ્રતીક રૂપે ઈસુ પૂર્વેની ઘણી બધી સંસ્કૃતિઓમાં પ્રચલિત હતા. ભગવાન વિષ્ણુના ચિહનરૂપ અને સૂર્યભ્રમણના પ્રતીકરૂપ  સ્વસ્તિકનો ભાવાર્થ પણ આને મળતો આવે છે. ભારત સિવાયની પુરાણી મેસોપોટેમિયન, જર્મન, ફ્રેન્ચ વગેરે સંસ્કૃતિઓ પણ સ્વસ્તિકને શુભ અને પવિત્ર ગણતી.

ઇજિપ્તના કોપ્ટિક ખ્રિસ્તીઓના ક્રૂસને આડો સ્તંભ ઊભા સ્તંભની ટોચ ઉપર મુકાય છે અને એના ઉપર ગાળિયા જેવી નિશાની લગાડવામાં આવે છે.  ઈસુ પૂર્વેની મિસરી સંસ્કૃતિમાં આ અનંત જીવનનું ચિહન હતું. મિસરી ખ્રિસ્તીઓએ આ પ્રતીકમાં નવો અર્થ ઉમેરીને એને ક્રૉસ તરીકે સ્વીકારી લીધો. અંગ્રેજી  ચોકડી આકારનો ક્રૉસ સંત અન્દ્રિયાના ક્રૉસને નામે ઓળખાય છે. ખ્રિસ્તીવિરોધી રોમન ન્યાયાધીશે ઈસુના શિષ્ય અન્દ્રિયાને આવા એક ક્રૂસ ઉપર મારી નાખવા ફરમાવ્યું ત્યારે તેમણે આ કઠોર પીડાના ઉપકરણને આનંદથી ભેટીને એવો ઉદગાર કર્યો : ‘‘વંદન હો, હે પવિત્ર ક્રૂસ ! મારા પ્રભુ ઈસુના સ્પર્શથી તું પાવન થયેલો છે. તારા બાહુઓમાં મને આનંદથી સમાવી લે.’’

ક્રૉસનો મર્મ : જે સંસ્કૃતિમાં ખ્રિસ્તી ધર્મનું બીજ વાવવામાં આવ્યું હતું તે યહૂદી, ગ્રીક અને રોમન સંસ્કૃતિઓનું મિશ્રણ હતું. એ કારણે જ ન્યાયાધીશે જે લખાણ લખાવી ઈસુના ક્રૉસ ઉપર ચોડાવી દીધું એ હિબ્રૂ, ગ્રીક અને લૅટિનમાં હતું. આ ત્રણેય સંસ્કૃતિઓ ક્રૉસમાં અશુભ અને અમાનવતા સિવાય બીજું કંઈ જોઈ નહોતી શકતી.

રોમનોની વાત લઈએ તો કોઈ પણ રોમન નાગરિકને ક્રૉસની શિક્ષા ન આપવી એવો નિયમ હતો. અધમાધમ ગણાતા ગુલામોને તથા દેશદ્રોહીઓને આ શિક્ષા આપવામાં આવતી.

આવી વિરોધી પરિસ્થિતિમાં કેવી રીતે ક્રૂસ આરાધ્ય બન્યો ? ઈસુના મહિમાવંત પુનરુત્થાને આ પાશવી ક્રૂરતાના ઘૃણાસ્પદ પ્રતીકને પવિત્ર અને પૂજનીય બનાવ્યું. પ્રેમ અને સત્ય માટેના ઈસુના ક્રૉસ પરના આત્મસમર્પણને લીધે આ શાપિત ગણાતું ચિહન આશીર્વાદરૂપ બન્યું. એ છે ક્રૉસનો મર્મ.

ક્રૉસની સાધના : ઈસુએ કહ્યું : ‘‘જો કોઈ મારો અનુયાયી થવા માગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને દરરોજ પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે.’’ (લૂક. 9 : 23). અહીંયાં ક્રૂસનો અર્થ દુ:ખ અને પીડા એવો થાય છે. ઈસુનું જીવન એટલે સત્ય અને પ્રેમની પરાકાષ્ઠાનું જીવન. આવું જીવન અહમનો સંપૂર્ણ ત્યાગ અને ગમે તે દુ:ખ અને ત્રાસ વેઠવાની તૈયારી માગી લે છે. ઈસુના પરમ ભક્ત શિષ્ય પાઉલના નીચેના ઉદગાર આ અર્થ જ પ્રગટ કરે છે :

‘‘મને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ સિવાય બીજા કશાનો ગર્વ કરવામાંથી ભગવાન બચાવો !’’ (ગલાત, 6 : 14). ખ્રિસ્તીઓની શ્રદ્ધા છે કે ઈસુના ક્રૉસમાં પુનરુત્થાનનો મહિમા છુપાયેલો છે. ખ્રિસ્તીઓ આ અર્થમાં ઈસુની નીચેની વાણી સમજે છે : ‘‘હું તમને સાચેસાચ કહું છું કે જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી ત્યાં સુધી એકલો જ રહે છે; પણ જો તે મરી જાય તો મબલક પાક પેદા થાય છે.’’ (યોહાન, 12 : 24).

ઈશાનંદ