ક્રૉસ પર્પઝ (‘લા મલેન્તેન્દ’; 1944) : ફ્રેન્ચ નાટ્યકાર આલ્બેર કૅમ્યૂ(1913-1960)નું નાટક. કિશોર-અવસ્થામાં જ સુખની શોધમાં વિધવા મા અને નાની બહેનને છોડીને નાસી ગયેલ જેન વર્ષો પછી ખૂબ સમૃદ્ધ થઈને, પોતાની પત્ની મારિયા સાથે, વૃદ્ધ મા અને હવે ત્રીસે પહોંચી ગયેલી બહેન માર્યાને સુખી કરવા ઘેર પાછો ફરે છે. ‘‘હું તમારો દીકરો’’ એમ કહેવાને બદલે, મા અને બહેનને ખરેખર શેમાં સુખ દેખાય છે એ શોધવા અજાણ્યા મુસાફર તરીકે મા અને બહેનની વીશીમાં રાતવાસો કરે છે. અહીં ઊતરતા ધનવાન પ્રવાસીઓને મા અને બહેન ઝેર પાઈને લૂંટી લેતાં; પરંતુ આ જુવાનનો એવો ઘાત ન કરવાના માના નિર્ણય છતાં, જુવાનની વાતોથી જ વધુ દોરવાઈને દીકરીના આગ્રહે મા પુત્રનું કાસળ કાઢી પાણીમાં ઊંડે તળિયે ભંડારી દે છે. બીજે દિવસે સવારે પુત્રવધૂની પૃચ્છા પછી મા અને દીકરીને રાતના કુકર્મનું ભાન થાય છે અને બંને આપઘાત કરે છે. બહેરો વૃદ્ધ નોકર નિરાધાર પુત્રવધૂની મદદની ચીસને નકારે છે. નોબેલ પુરસ્કાર વિજેતા અલ્જિરિયાના આ નવલકથાકાર-વિચારક અને નાટ્યકારનું ફ્રેન્ચમાં લખાયેલું ઉદભટ (absurd) પ્રણાલીનું મહત્ત્વનું નાટક ગણાય છે. ખુદ કૅમ્યૂ-સ્થાપિત થિયેટર દ’ મેથુરિનમાં એની પ્રથમ રજૂઆત નિષ્ફળ નીવડી હતી. કૅમ્યૂની નવલકથા ‘ધ સ્ટ્રેન્જર’(લા’ ઇતરાંજે)ના બીજા ભાગમાં નાયક મેયુરસોલને કેદખાનાના પાથરણા નીચેથી મળેલા અખબારના પીળા પડી ગયેલા ટુકડામાં આ નાટકના પ્રાથમિક (વાર્તા જેવા) સમાચારનો ઉલ્લેખ છે. આધુનિક માનવની પ્રત્યાયનની અક્ષમતા, સુખની પ્રત્યક્ષ અને સરળ ઝંખનાને નડતા અવરોધો અને એકલા અટવાતા માણસની યાતનાનું નાટકમાં ચિત્રણ છે. સુખ ઝંખતાં મા અને બહેનને, એવું જ સુખ આપી શકે એવા પુત્રની સુખ આપવાની તમન્ના ને સુખ આપવા-પામવાની બંનેની ચેષ્ટા જ કેવી યાતનામય બની જાય એ આ નાટકનો પાયો છે. માનવકૃત્ય કશું ન બદલી શકે એ જાણે આ નાટકનો સંદેશ છે અને છતાં પ્રામાણિકપણે અને સ્પષ્ટ ભાષામાં પ્રત્યાયન કરી માણસ મુક્તિ મેળવી શકે, એવું આ નાટકનું અંતિમ કથન હોવાનું આલ્બેર કૅમ્યૂએ પોતાના નાટક વિશે નોંધ્યું છે.

હસમુખ બારાડી