ક્રોમોફોર (Colour bearer) : રંગધારકો, જેને લીધે કાર્બનિક પદાર્થ રંગીન દેખાય અથવા જે વર્ણપટના ર્દશ્ય અને પારજાંબલી વિભાગમાં પ્રકાશનું અવશોષણ દર્શાવે, તે રંગઘટકોનો સમૂહ. દા.ત., – C = C-, – C-NO2, – N = N- સમૂહ વગેરે. પદાર્થ રંગીન હોવાનું કારણ શોધવાનો પ્રયત્ન આશરે 1870માં થયેલો. ક્વિનોન, ઍરોમૅટિક નાઇટ્રો અને એઝો સંયોજનો રંગીન હોય છે તેમ જાણી શકાયું હતું. તેમનું હાઇડ્રોજન વડે અપચયન કરવામાં આવતાં આ રંગ દૂર થાય છે. આવા સમૂહમાં પરમાણુઓ એકબીજા સાથે દ્વિબંધથી જોડાયેલા હોય છે અને તેમાં બે પરમાણુઓ વચ્ચેના કેટલાક ઇલેક્ટ્રૉનની ઘનતા વધારે ક્ષેત્રફળમાં આચ્છાદિત થયેલી હોય છે. અર્થાત્, તેમના આણ્વીય કક્ષકો(molecular orbitals)માં π ઇલેક્ટ્રૉન હોય છે. આ દ્વિબંધ એકાંતરે (alternate) હોય અને તેમની સંખ્યા વધતી જાય તેમ તે સમૂહ અથવા સંયોજન વધુ ઘેરો રંગ ધારણ કરે છે. આ π ઇલેક્ટ્રૉન ર્દશ્ય વર્ણપટમાંના અમુક તરંગલંબાઈવાળા પ્રકાશનું અવશોષણ કરે છે. બાકીનો ભાગ પદાર્થને તેનો રંગ પ્રદાન કરે છે. સંયોજનમાં ક્રોમોફોરની સંખ્યા વધુ અથવા તેમાં ઑક્સોક્રોમ હોય તો પદાર્થ વધુ તીવ્ર રંગ ધારણ કરે છે. ખૂબ અગત્યના ક્રોમોફોર સમૂહ નીચે મુજબ છે :

પ્રવીણસાગર સત્યપંથી

જ. પો. ત્રિવેદી