ક્રૉસવર્ડ પઝલ : બૌદ્ધિક આનંદ આપતી શબ્દગોઠવણીની રમત. વિશ્વના મોટા ભાગના લોકો ક્રૉસવર્ડ પઝલ ઉકેલવાનો આનંદ માણે છે. તેમાં ચોરસની નીચે આપવામાં આવેલી ચાવીઓ પરથી યોગ્ય શબ્દ શોધીને ઊભા-આડા ચોરસમાં મૂકવાનો હોય છે. 1913માં નાતાલની રજાઓમાં ‘ન્યૂયૉર્ક વર્લ્ડ’ વર્તમાનપત્રના સંપાદક આર્થર વેન રવિવારની પૂર્તિના મનોરંજન વિભાગ માટે કંઈક નવું શોધતા હતા અને તેમાંથી ક્રૉસવર્ડ પઝલનું સર્જન થયું. એ પછી દસ વર્ષ સુધી એકમાત્ર આર્થર વેનનું વર્તમાનપત્ર ક્રૉસવર્ડ પઝલ પ્રગટ કરતું હતું. 1924માં માર્ગારેટ પેથરબ્રિજે ‘ક્રૉસવર્ડ પઝલ બુક’ પ્રગટ કરી. આ પુસ્તક નિષ્ફળ જશે એમ માનીને એના પ્રકાશક રિચાર્ડ સાઇમન અને લિંકન શુષ્ટરે પોતાનું નામ મૂક્યું નહિ. એ પુસ્તક બેસ્ટ સેલર બન્યું. સાઇમન અને શુષ્ટરની સંસ્થા અગ્રણી પ્રકાશનસંસ્થા બની ગઈ. અમેરિકા, ઇંગ્લૅન્ડ અને અન્ય દેશોની ક્રૉસવર્ડ પઝલમાં તફાવત હોય છે. ગુજરાતનાં દૈનિકોમાં ત્રીસના દાયકામાં હરીફાઈ રૂપે ક્રૉસવર્ડ
પઝલ શરૂ થઈ. અંગ્રેજી દૈનિકોમાં માત્ર મનોરંજન ખાતર ક્રૉસવર્ડ પઝલ આપવામાં આવતી જ્યારે એ સમયે ગુજરાતી દૈનિકોમાં મોટાં ઇનામો જાહેર થતાં હતાં. એના નિર્ણાયક તરીકે કેટલાક સાહિત્યકારોને નીમવામાં આવતા હતા. ગુજરાતના સાહિત્યકારોનો એક વર્ગ આને જુગારની પ્રવૃત્તિ માનતો હતો અને તેથી સારો એવો ઊહાપોહ થયો હતો. આજે ગુજરાતી દૈનિકોમાં ક્રૉસવર્ડ પઝલ મનોરંજન માટે આવે છે. એક સમયે ‘મગજમારી’ અને ‘ટાઇમ પાસ’ જેવાં માત્ર ક્રૉસવર્ડ પઝલને લગતાં નાનાં કદના સામયિકો પ્રગટ થતાં હતાં.
પ્રીતિ શાહ