ક્રિયાશીલ રંગકો : કાપડના રેસા સાથે પ્રક્રિયા કરી, સહસંયોજક બંધ બનાવી કાપડને રંગે તેવા રંગો. વૅટ અને ઍઝોઇક રંગકો સુતરાઉ કાપડને અવશોષણ(absorption)થી રંગે છે તેના કરતાં આ રંગકો વધુ સારી રીતે પ્રક્રિયા કરીને ધોલાઈ સામે ટકાઉપણું (wash fastness) અને ચમક (brilliance) દર્શાવે છે. 1955માં તે ઉપયોગમાં લેવામાં આવ્યા અને હાલમાં રંગકોમાંથી ગમે તે ક્રોમોફોર પસંદ કરી સેલ્યુલોઝના તાંતણા પર જોઈએ તેવો રંગ ચડાવી શકાય છે.
સલ્ફેટોઇથાઇલ સલ્ફોન
બંધારણ : તે સેલ્યુલોઝ, ઊન, રેશમ અને અન્ય કાપડની જાતોના હાઇડ્રૉક્સિલ કે ઍમિનોસમૂહ સાથે પ્રક્રિયા કરી શકે તેવા સમૂહવાળા પાણીમાં દ્રાવ્ય રંગકો છે. પ્રક્રિયા ઝડપી બનાવવા ઍસિડ-સ્વીકારકો (acid acceptors) અને ઉષ્માનો ઉપયોગ કરવામાં આવે છે. કાપડ રંગવાની તેમની ક્ષમતા 60 %થી 95 % હોય છે. બાકીનો રંગ નિર્ઘર્ષણ(scouring)થી દૂર કરવામાં આવે છે જેથી કાપડને ધોતી વખતે તેના પરનો રંગ ટકી રહે. સક્રિય હેલોજનયુક્ત અને વાઇનલ સલ્ફોન સમૂહ ધરાવતા રંગો વધુ સારું કામ આપે છે. આવા કેટલાક રંગોનાં સૂત્રો નીચે આપેલાં છે :
વિનિયોગ (application) : ક્રિયાશીલ રંગકો દ્વારા કાપડ રંગવા સતત પદ્ધતિ અને ઘાણ (batch) પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. સતત પદ્ધતિ સામેની આકૃતિમાં દર્શાવેલી છે.
ઘાણ-પદ્ધતિમાં પ્રથમ રંગનો લવણ વડે નિષ્કાસ (exhaust) કરી અને ઍસિડ-સ્વીકારક દ્વારા સક્રિય કરીને કાપડ પર લગાડવામાં આવે છે. આમ છતાં ક્રિયાશીલ રંગકોના સક્રિય સમૂહ પર આ બેમાંથી ગમે તે એક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નાઇટ્રોજનયુક્ત તાંતણા માટે તટસ્થ અથવા થોડી ઍસિડયુક્ત સ્થિતિમાં રંગ ચડાવવામાં આવે છે જ્યારે હાઇડ્રૉક્સિલ સમૂહ માટે આલ્કલી દ્વારા પ્રક્રિયા સક્રિય કરી શકાય છે. ક્રિયાશીલ સમૂહ સામાન્ય તાપમાને ઍસિડ બંધક(acid binder)ની હાજરીમાં સ્થાયી હોય ત્યારે તેમાં પૅડિંગ, ઉષ્મા અને નિર્ઘર્ષણ-પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણમાં સરળ હોય છે.
ઉપયોગ : સ્વત: રંગકો(direct dyes)ના પ્રમાણમાં તે ધોલાઈ સામે મજબૂત ટકાઉપણું ધરાવે છે. વૅટ રંગકોના પ્રમાણમાં તે સારી ચમક ધરાવે છે અને ઍઝોઇક રંગકોની સામે સારું ઘર્ષણ અને ટકાઉપણું ધરાવે છે. જુદા જુદા રંગના શેડ ધરાવતા હોવાને લીધે તેમનો વધુ ને વધુ ઉપયોગ થવા પામ્યો છે. તે મોટે ભાગે સેલ્યુલોઝી તાંતણા પર વધુ કાર્યક્ષમ છે. પૉલિએમાઇડ તાંતણાને રંગવા કેટલાક ક્રિયાશીલ રંગકો વાપરી શકાય છે.
તેમને સરળ અને સતત પ્રક્રિયા દ્વારા કાપડ પર ચડાવી શકાતા હોવાને લીધે તાંતણાના રંગકામમાં અને છાપકામમાં તે ઉપયોગમાં લેવામાં આવે છે.
પ્રવીણસાગર સત્યપંથી