ક્રિયાશીલ સમૂહો

January, 2010

ક્રિયાશીલ સમૂહો : રાસાયણિક સંયોજનના ભાગ રૂપે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે તેવા પરમાણુ યા પરમાણુ-સમૂહ. આ શબ્દો કાર્બનિક રસાયણના સંદર્ભમાં વપરાય છે, જે તેના વિભાગીકરણનો પાયો છે. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન સામાન્યત: ઓછાં સક્રિય સંયોજનો છે. તેમાં એક કે વધુ દ્વિબંધ અથવા ત્રિબંધ દાખલ કરાતાં તેના અણુની ક્રિયાશીલતા ખૂબ વધી જાય છે. આવા અસંતૃપ્ત અણુઓની પ્રક્રિયા તેમાંના ગુણિત (multiple) બંધને આભારી છે. આવો ગુણિત બંધ અણુઓમાંનો ક્રિયાશીલ સમૂહ કહેવાય છે. કાર્બનિક અણુઓની પ્રક્રિયાઓ, તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખાતા વિશિષ્ટ બંધારણ-સમૂહોને લીધે થાય છે. એકસરખા ક્રિયાશીલ સમૂહો ધરાવતાં કાર્બનિક સંયોજનો સમાન પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવે છે, પછી ભલે તે સંયોજન ઘણા નાના કે ખૂબ મોટા અણુઓવાળું હોય.

ગુણિત બંધ ઉપરાંત બીજા ઘણા સમૂહો છે જેમાં કાર્બન તથા હાઇડ્રોજન ઉપરાંત બીજા પરમાણુઓ હોય છે. આ રીતે

(i) કાર્બન, હાઇડ્રોજન તથા ઑક્સિજન ધરાવતા હાઇડ્રૉક્સિલ, ઈથર, કાર્બોનિલ, કાર્બૉક્સિલ સમૂહો છે.

(ii) કાર્બન, હાઇડ્રોજન, ઑક્સિજન, નાઇટ્રોજન ધરાવતા ઍમિનો, સાયનો, ઍમિડો, નાઇટ્રો, નાઇટ્રોસો, ઍઝો સમૂહો છે.

(iii) કાર્બન, હાઇડ્રોજન, ઑક્સિજન, સલ્ફર અને નાઇટ્રોજન ધરાવતા થાયૉલ, સલ્ફોન, સલ્ફોનેમિડો વગેરે સમૂહો છે.

ફૉસ્ફરસ પણ કેટલાક ક્રિયાશીલ સમૂહોમાં હોય છે.

આ રીતે કાર્બનિક રસાયણનો અભ્યાસ મુખ્યત્વે તેના વિવિધ ક્રિયાશીલ સમૂહોની પ્રક્રિયાઓનો અભ્યાસ છે. કાર્બનિક સંયોજનમાં જો એકથી વધુ ક્રિયાશીલ સમૂહ હોય તો તે પ્રત્યેક સમૂહની પ્રક્રિયાઓ આ સંયોજન દર્શાવે છે. ઉદાહરણ તરીકે ઍમિનોઍસિડ ઍમિનો(-NH2) તેમજ કાબૉર્ક્સિલ (-COOH) સમૂહની પ્રક્રિયા દર્શાવે છે; ઍમિનોઆલ્કોહૉલ ઍમિનો તેમજ હાઇડ્રૉક્સિલ (-OH) સમૂહની પ્રક્રિયા દર્શાવે છે.

આથી કાર્બનિક રસાયણની આધુનિક વ્યાખ્યા ‘ક્રિયાશીલ સમૂહોનો અભ્યાસ’ સ્વીકૃત બની છે.

જ. પો. ત્રિવેદી