ક્રિમિયાનું યુદ્ધ

January, 2008

ક્રિમિયાનું યુદ્ધ (1854-1856) : ઓગણીસમી સદીનું એકમાત્ર મોટું યુદ્ધ. તે યુરોપનું પહેલું એવું યુદ્ધ હતું જેમાં સ્ટીમર, રેલવે, તાર તથા રિવૉલ્વર જેવાં યાંત્રિક સાધનોનો ઉપયોગ થયો હતો. તેમાં એક પક્ષે રશિયા અને બીજે પક્ષે ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ તથા તુર્કી હતાં. વાસ્તવમાં તે રશિયાના ઝાર નિકોલસ પહેલા અને ફ્રાન્સના શહેનશાહ નેપોલિયન ત્રીજાની તુર્કીના વિશાળ પરંતુ ખખડી ગયેલા સામ્રાજ્યના ભોગે પ્રદેશવિસ્તાર કરવાની લાલચનું સીધું પરિણામ હતું.

છેક 1535થી તુર્કીના સુલતાને પોતાના સામ્રાજ્યમાં આવેલાં ખ્રિસ્તી ધર્મસ્થાનો તથા પાદરીઓના રક્ષણના અધિકારો ફ્રાન્સને સોંપેલા; પરંતુ ફ્રાન્સની મહાન ક્રાન્તિ (1789) પછીની ફ્રેન્ચ સરકારોને આ ધર્મસ્થાનોના રક્ષણમાં રસ રહ્યો નહિ, તેથી રશિયાએ તે અધિકારો પડાવી લીધેલા; પરંતુ 1852માં ફ્રાન્સમાં લૂઈ નેપોલિયન ત્રીજો (નેપોલિયન બોનાપાર્ટનો ભત્રીજો) શહેનશાહ બન્યો ત્યારે તેણે તુર્કીના સુલતાન પાસે ફ્રાન્સના આ પુરાણા હકો પાછા માગ્યા અને સુલતાને થોડી આનાકાની પછી તે માન્ય પણ રાખ્યા; પરંતુ રશિયાના ઝાર નિકોલસ પહેલાએ તેનો વિરોધ કર્યો; એટલું જ નહિ, પરંતુ તુર્કી સામ્રાજ્યમાં આવેલાં માત્ર ખ્રિસ્તી ધર્મસ્થાનો કે પાદરીઓના જ નહિ, પરંતુ બધા જ ખ્રિસ્તીઓના સંરક્ષક તરીકે પણ પોતાને માન્ય કરવાની માગણી કરી.

તુર્કીના સુલતાને તે માગણી ફગાવી દીધી. આથી રશિયાએ તુર્કીના મોલ્ડેવિયા અને વોલેશિયા પ્રદેશોમાં લશ્કરો મોકલ્યાં અને કાળા સમુદ્રમાં પડેલા તુર્કીના નૌકા-કાફલાનો નાશ કર્યો. પરિણામે ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સે તુર્કીનો પક્ષ લઈને રશિયા સામે યુદ્ધ જાહેર કર્યું (માર્ચ, 1854). તેમણે કાળા સમુદ્રમાં આવેલા રશિયાના ક્રિમિયા નામના દ્વીપકલ્પ ઉપર આક્રમણ કર્યું. લગભગ બે વર્ષ સુધી આ યુદ્ધ ક્રિમિયામાં જ કેન્દ્રિત રહ્યું; તેથી તે ‘ક્રિમિયાનું યુદ્ધ’ તરીકે પ્રસિદ્ધ થયું.

યુદ્ધના શરૂઆતના તબક્કામાં ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સનાં સૈન્યોને ભૂખમરો, રોગચાળો વગેરેને કારણે ભારે હાનિ વેઠવી પડી. તેમની ખુવારીના સમાચારો ઇંગ્લૅન્ડનાં વર્તમાનપત્રોમાં છપાતાં ફ્લૉરેન્સ નાઇટિંગેલ નામની દયાળુ મહિલા સ્વયંસેવિકાઓની ટુકડીઓ એકઠી કરી ઘાયલ સૈનિકોની સારવાર માટે ક્રિમિયા પહોંચી ગઈ. પાછળથી 1864માં આંતરરાષ્ટ્રીય રેડક્રૉસ સંસ્થાની સ્થાપનામાં ફ્લૉરેન્સ નાઇટિંગેલના આ કાર્યે પ્રેરણા આપી હતી.

આખરે આ યુદ્ધમાં રશિયાનો પરાજય થયો અને તેને માર્ચ, 1856માં પૅરિસની સંધિ સ્વીકારવી પડી. યુદ્ધમાં રશિયાના પરાજયથી તેની બાલ્કન(દક્ષિણ યુરોપ)માં આગળ વધવાની મહત્વાકાંક્ષા ઉપર ભારે ફટકો પડ્યો. વળી યુદ્ધ દરમિયાન ઝાર નિકોલસ પહેલાનું અવસાન થતાં તેની પછી ગાદીએ આવેલા ઝાર ઍલેક્ઝાન્ડર ત્રીજાને યુદ્ધમાં મળેલા કારમા પરાજયને કારણે ઘરઆંગણે સુધારા દાખલ કરવા પડ્યા. આ યુદ્ધમાં બંને પક્ષે મળીને લગભગ સાડાસાત લાખ માનવીનો ભોગ લેવાયો હતો તથા બે અબજ જેટલા ડૉલરનો ખર્ચ થયો હતો. તેના પ્રમાણમાં વિજયી મહાસત્તાઓ(ઇંગ્લૅન્ડ કે ફ્રાન્સ)ને તેનાથી બહુ ફાયદો થયો નહિ. તેથી કેટલાક વિવેચકો ક્રિમિયાના યુદ્ધને ‘ઓગણીસમી સદીનું સૌથી નાદાનિયતભર્યું યુદ્ધ’ ગણે છે.

દેવેન્દ્ર ભટ્ટ