ક્રિમિયા : કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સના યુરોપીય વિભાગમાં દક્ષિણ દિશામાં આવેલો 25,000 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતો દ્વીપકલ્પ. તે 44° 30′ ઉ. અ.થી 46° ઉ. અ. અને 33° પૂ. રે.થી 36° 40′ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. ક્રિમિયા યુક્રેન સહિતની મુખ્ય ભૂમિ સાથે પેરેકોપ નામની સાંકડી સંયોગીભૂમિથી જોડાયેલો છે. તેની પશ્ચિમ તથા દક્ષિણમાં કાળો સમુદ્ર અને પૂર્વમાં આઝોવ સમુદ્ર અને કર્ચની સામુદ્રધુની આવેલાં છે. ઉત્તર તરફનો ભાગ સપાટ અને અર્ધશુષ્ક છે અને તે કુલ ભૂમિના 75% જેટલો વિસ્તાર ધરાવે છે. અગ્નિખૂણા તરફના સમુદ્રકિનારાની નજીક ત્રણ સમાંતર પર્વતમાળા (ઊંચાઈ 600થી 1500 મીટર) આવેલી છે. પૂર્વ તરફના ભાગમાં કર્ચ દ્વીપકલ્પની નજીક આ પર્વતમાળા પ્રમાણમાં નીચી છે. પર્વતમાળાના કારણે ક્રિમિયાની આબોહવાના બે સ્પષ્ટ ભાગ પડે છે. ઉત્તર બાજુના ભાગમાં તાપમાન જાન્યુઆરીમાં 2°થી જુલાઈમાં 24° અને દક્ષિણ બાજુના ભાગમાં જાન્યુઆરીમાં 4°થી જુલાઈમાં 24° સે. રહે છે. ઉત્તર ભાગમાં શિયાળામાં બરફવર્ષા અને ઉનાળામાં વરસાદ પડે છે, પરંતુ દક્ષિણ ભાગમાં શિયાળામાં વરસાદ થાય છે અને ઉનાળો સૂકો તથા ગરમ હોય છે. આમ ઉત્તર ભાગની આબોહવા વિષમ અને દક્ષિણ ભાગની આબોહવા ભૂમધ્ય સમુદ્રીય પ્રકારની આહલાદક હોય છે, ત્યાં હવા ખાવાનાં અસંખ્ય સ્થળ અને આરોગ્યધામ આવેલાં છે. ઉત્તર ભાગમાં યુક્રેન જેવી કાળી માટીની જમીન છે. તેમાં ઘઉં અને મકાઈના પાક થાય છે અને દક્ષિણ ભાગમાં સમુદ્રકિનારા નજીકના પટ્ટામાં ભૂમધ્ય સમુદ્રીય પ્રકારની લાલ માટીની જમીન છે તેમાં દ્રાક્ષના બગીચા અને બારે માસ લીલાંછમ રહેતાં વૃક્ષો અને વનરાજિ આવેલાં છે. વચ્ચેના ભાગમાં પર્વતમાળા ઉપર ઓક, બીચ અને પાઇન જેવાં પર્ણપાતી (deciduous) વૃક્ષો અને ઘાસ વિપુલ પ્રમાણમાં ઊગે છે. આ ભાગમાંથી ટૂંકી અને છીછરી નદીઓ નીકળે છે તે ઉનાળામાં સુકાઈ જાય છે. સમગ્ર ક્રિમિયામાં ઘેટાંઉછેરનું કાર્ય ચાલે છે. ખાણોમાંથી કાચું લોખંડ, ચૂનાના પથ્થર તથા ચિરોડી ખોદવાનો, આઝોવ સમુદ્રકિનારે મીઠું પકવવાનો ઉદ્યોગ, ખેતીવાડીનાં યંત્રો, સિમેન્ટ, ઈંટો અને દારૂ બનાવવાના, ચર્મઉદ્યોગ અને મત્સ્યોદ્યોગ ક્રિમિયાના મુખ્ય ઉદ્યોગો છે. રેલમાર્ગ અને હવાઈ માર્ગ વડે ક્રિમિયા મુખ્ય ભૂમિ સાથે અને નૌકાવ્યવહાર વડે તે કૉકેસસ સાથે જોડાયેલું છે. સીમફેરપોલ તેનું વહીવટી અને સૌથી મોટું ઔદ્યોગિક શહેર, સેવાસ્ટોપોલ કાળા સમુદ્ર ઉપરનું મુખ્ય નૌસેનામથક અને કર્ચ, યાલ્ટા વગેરે તેનાં અગત્યનાં બંદરો છે. ક્રિમિયામાં રશિયન અને યુક્રેનિયન લોકોની વસ્તી વધારે છે. આ દ્વીપકલ્પની વસ્તી 24,16,856 (2021) જેટલી હતી.

ક્રિમિયા

ઇતિહાસ : ક્રિમિયા કાળા સમુદ્રમાં મહત્વનું ભૌગોલિક સ્થાન ધરાવે છે તેથી તેનો ઇતિહાસ વૈવિધ્યસભર છે. ઈ. સ. પૂ.ની સાતમી સદીમાં કેલ્ટિક જાતિના મૂળ ક્રિમિયનોને સીથિયનોએ ભગાડી મૂક્યા ત્યારે મૂળ ક્રિમિયનોમાંના થોડા પર્વતમાળાના ઊંડાણમાં ભરાઈ ગયા. ત્યારપછી તરત જ ગ્રીકોએ વસાહતો સ્થાપી, પરંતુ સીથિયનોનો વસવાટ ચાલુ રહ્યો. હજારેક વર્ષ વીત્યાં પછી ગૉથ, હૂણ, કઝાર અને મૉંગોલોનાં એક પછી એક આક્રમણ થયાં અને તેરમી સદીમાં તાર્તરોએ ક્રિમિયાના ઉત્તર અને મધ્યભાગમાં કબજો જમાવી દીધો. 1475માં તુર્કોએ તાર્તરોને હરાવ્યા અને તેમની પાસેથી ખંડણી લેવાનું શરૂ કર્યું. 1783માં રશિયાની મહાન રાણી કૅથેરાઈને ક્રિમિયા કબજે કર્યું. કાળા સમુદ્ર માર્ગે ઑટોમન સામ્રાજ્ય ઉપર રશિયાની અસર વધે તે બ્રિટિશ અને ફ્રેન્ચ શાસનકર્તાઓને પસંદ ન આવ્યું તેથી તેમણે તુર્કીનો પક્ષ લઈને 1854થી 1856ના ક્રિમિયન યુદ્ધમાં બ્રિટિશ અને ફ્રેન્ચ સૈનિકો મોકલીને ક્રિમિયાનાં કેટલાંક બંદર થોડા સમય માટે કબજે કર્યાં હતાં. બૉલ્શેવિક ક્રાંતિ પછી 1920માં સોવિયેત લશ્કરે ઝારતરફી લશ્કરને હાંકી કાઢીને ક્રિમિયાનો કબજો લીધો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1941માં નાઝી જર્મનીએ લગભગ આખું ક્રિમિયા જીતી લીધું હતું; પરંતુ 1944માં સોવિયેત લશ્કરે નાઝી લશ્કરને હાર આપીને ક્રિમિયા પાછું જીતી લીધું. બીજા વિશ્વયુદ્ધનો અંત લાવવાની યોજના ઘડવા માટે ફેબ્રુઆરી, 1945માં અમેરિકન, બ્રિટિશ અને સોવિયેત નેતાઓની ક્રિમિયાના સહેલગાહ-નગર યાલ્ટામાં શિખરમંત્રણા યોજાઈ હતી. 1921માં બૉલ્શેવિક શાસનતંત્ર સ્થિર થયું ત્યારથી ક્રિમિયાને સ્વાયત્ત પ્રજાસત્તાકનો દરજ્જો મળ્યો હતો; પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ક્રિમિયાની તાર્તર લઘુમતીએ જર્મનોને મદદ કરી હતી તેવા આક્ષેપસર તાર્તરોને મધ્ય એશિયામાં અને સાઇબીરિયામાં હાંકી કાઢવામાં આવ્યા અને ક્રિમિયન ગણતંત્રને નાબૂદ કરીને તેને યુક્રેનનો ભાગ બનાવવામાં આવ્યું. સોવિયેત યુનિયનના વિઘટન અને કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સના ઉદભવ પછી રશિયન પ્રજાતંત્રે યુક્રેન પ્રજાતંત્ર સમક્ષ માગણી કરી છે કે ક્રિમિયામાં રશિયનોની બહુમતી હોવાથી યુક્રેને ક્રિમિયા રશિયાને સોંપવું જોઈએ. આ મડાગાંઠ હજુ ઊકલી નથી.

જયન્તિલાલ પો. જાની