ક્યુરિયમ : આવર્તક કોષ્ટકના 3જા (અગાઉના III A) સમૂહમાં આપેલ ઍક્ટિનાઇડ શ્રેણીનું રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા : Cm. તે કુદરતમાં મળી આવતું નથી. 1944માં ગ્લેન ટી. સીબૉર્ગ, રાલ્ફ એ. જેમ્સ અને આલ્બર્ટ ઘિયોર્સોએ પ્લૂટોનિયમ પર 32 MeVના α-કણો નો મારો ચલાવી તેને મેળવ્યું હતું :

મેરી અને પિયેર ક્યુરીના નામ પરથી તેને ‘ક્યુરિયમ’ નામ આપવામાં આવ્યું હતું. તેના 14 સમસ્થાનિકો જાણીતા છે. આ પૈકી દળ-સંખ્યા 247 ધરાવતો સમસ્થાનિક સૌથી વધુ સ્થાયી (અર્ધ-આયુષ્ય 1.56 × 107 વર્ષ) છે. વધુ મળી આવતા સમસ્થાનિકો દળ-સંખ્યા 244 અને 248 ધરાવે છે.

ક્યુરિયમ ટ્રાઇફ્લોરાઇડનું બેરિયમની બાષ્પ વડે 1350° સે.એ અપચયન કરતાં ચાંદી જેવી ચળકતી ધાતુ પ્રાપ્ત થાય છે. તે સખત અને બરડ ધાતુ છે. તેના કેટલાક ગુણધર્મો આ પ્રમાણે છે : પરમાણુ ક્રમાંક 96; પરમાણુભાર 244.0627; અર્ધ-આયુષ્ય 18.1 વર્ષ; ઇલેક્ટ્ર્રૉનીય સંરચના [Rn]5f26d17S2; ગ.બિં. 1345° સે.; ઘનતા (25° સે.) 13.51 ગ્રા/ઘ.સેમી.

ક્યુરિયમનાં સંયોજનો સામાન્ય રીતે +3 ઉપચયન-આંક ધરાવે છે. ક્વચિત્ +4 આંક પણ જોવા મળે છે. Cm3+ આયન આછો પીળો રંગ ધરાવે છે. ધાતુ સાદા ખનિજ ઍસિડમાં ઓગળે છે.

આ સમયે 142 કિ કૅલરી/મોલ ઉષ્મા ઉત્પન્ન થાય છે.

ક્યુરિયમનાં નીચેનાં ઘન સંયોજનો બનાવાયાં છે : CmF4, CmX3 (X = F, Cl, Br. I), Cm2O3 અને CmO2.Cm2O3–ની HCl વાયુ સાથેની પ્રક્રિયા (500° સે.) દ્વારા CmCl3 મેળવી શકાય છે. CmO2 કાળો જ્યારે Cm2O3 સફેદ રંગનો હોય છે.

અવકાશયાનોમાં સઘન ઉષ્માવિદ્યુતીય (thermoelectric) ઊર્જા ઉત્પન્ન કરવા માટેના સ્રોત તરીકે 244Cm-નો ઉપયોગ થઈ શકે છે.

પ્રવીણસાગર સત્યપંથી