ક્યુરારી (curare) : દક્ષિણ અમેરિકાનાં કેટલાંક વૃક્ષોમાંથી મળતું 40 જેટલાં આલ્કેલૉઇડનું અત્યંત વિષાળુ મિશ્રણ. સાપના ઝેરમાં પણ તે હોય છે. તે પેશીને શિથિલ કરનાર (muscle relaxant) છે. ઍમેઝોન અને ઓરિનોકો નદીના પ્રદેશના ઇન્ડિયનો જંગલી પ્રાણીઓના શિકાર માટે તીરના ફળાને વિષાળુ બનાવવા તેનો ઉપયોગ કરતા. તેમની ભાષામાંના ‘વૂરારી’ (woorari) એટલે વિષ ઉપરથી ‘ક્યુરારી’ શબ્દ ઊતરી આવ્યો છે. અપરિષ્કૃત ક્યુરારી કાળો, ડામર જેવી વાસવાળો, ચોંટી જાય તેવો અથવા સખત પદાર્થ છે. વાપરતાં પહેલાં તેને ત્રણ પ્રકારનાં પાત્રોમાં ભરી રાખવામાં આવે છે : માટીના પાત્રમાં રાખેલ ક્યુરારીને પૉટ ક્યુરારી, વાંસની નળીમાં રાખેલને ટ્યૂબ ક્યુરારી અને કોળામાં રાખેલને કેલાબેશ ક્યુરારી કહે છે. સ્ટ્રિકનેસ ટૉક્સિફેરા કુળની વનસ્પતિમાંથી મળતા ક્યુરારી આલ્કેલૉઇડ સૌથી વધુ શક્તિશાળી હોય છે. કોન્ડોડેન્ડ્રોન ટોમેન્ટોસમ વૃક્ષમાંથી d-ટ્યૂબોક્યુરારિન મળે છે.

શરીર ક્રિયાત્મક અસર ધરાવતા ક્યુરારીનું બંધારણ 1935માં નક્કી કરવામાં આવ્યું હતું. તેનું અર્ધસંશ્લેષિત ડાઇમિથાઇલ વ્યુત્પન્ન વધુ અસરકારક છે.

ટ્યૂબ-ક્યુરારીમાં આઇસોક્વિનોલીન સંરચના ધરાવતા જ્યારે કેલાબેશ ક્યુરારીમાં ઇન્ડોલ સંરચના ધરાવતા આલ્કૅલોઇડ હોય છે. આ આલ્કેલૉઇડની સક્રિયતા માટે તેમાં રહેલ ચતુર્થક એમોનિયમ-સંરચના કારણભૂત ગણાય છે.

ક્યુરારી મોં વાટે લેવામાં હાનિ નથી, પણ જો લોહીના ભ્રમણમાં દાખલ થાય તો બોલી શકાય નહિ તથા સંપૂર્ણ સભાન સ્થિતિમાં પેશીના ઘાતને કારણે શ્વસનપાનથી મૃત્યુ થાય છે. ક્યુરારીને અંત:શિરા દ્વારા (intravenously) શરીરમાં દાખલ કરવામાં આવે ત્યારે તે એસેટાઇલ કોલિનનો સ્રાવ અટકાવી ચેતાતંત્ર અને પેશી વચ્ચેનો આવેગ (impulse) અટકાવે છે અને આ રીતે પેશીને શિથિલ કરવાનું કાર્ય કરે છે. ક્યુરારીનો મુખ્ય ઔષધીય ઉપયોગ વાઢકાપ દરમિયાન નિશ્ચેતકના સહાયક (adjuvant) તરીકે થાય છે. ત્યાં તે પેશીઓને શિથિલ કરવાનો ગુણધર્મ પણ ધરાવે છે; તેથી તે લેરિંગોસ્કોપી અને એન્ડોસ્કોપીમાં વપરાય છે.

પ્રવીણસાગર સત્યપંથી