ક્યુરાઇલ પ્રવાહો : ઉત્તર ધ્રુવ મહાસાગરનો પૅસિફિક મહાસાગર તરફ વહેતો ઠંડો પ્રવાહ. તેને કામચાટકા પ્રવાહ કે ઓખોટ્સ્કનો પ્રવાહ પણ કહે છે. ઉત્તર ધ્રુવ મહાસાગરમાંથી બેરિંગની સામુદ્રધુની મારફતે એક ઠંડો પ્રવાહ કામચાટકા દ્વીપકલ્પ પાસે થઈને દક્ષિણ તરફ વહે છે, પણ ભૂમિનો આકાર જેમ લાબ્રાડોર પ્રવાહને અટકાવે છે તેવું અહીં થતું નથી. આ પ્રવાહ ઓખોટ્સ્કનો સમુદ્ર અને જાપાની સમુદ્રની અંદર થઈને દક્ષિણે આવતાં ધીરે ધીરે અર્દશ્ય થાય છે. આથી આ સમુદ્રો પ્રમાણમાં વધુ ઠંડા રહે છે. આ ઠંડા પ્રવાહનો વિસ્તાર સમૃદ્ધ મત્સ્યક્ષેત્ર છે. રશિયા અને જાપાનની આબોહવા ઉપર આ પ્રવાહની અસરને કારણે તાપમાનમાં સામાન્ય ઘટાડો થાય છે.
શિવપ્રસાદ રાજગોર