કોસંબી, ધર્માનંદ (જ. 9 ઑક્ટોબર 1876, સાખવાળ, ગોવા; અ. 4 જૂન 1947, સેવાગ્રામ, વર્ધા) : બૌદ્ધ ધર્મના પ્રખર અભ્યાસી અને પ્રકાંડ પંડિત. તેમણે સાખવાળમાં મરાઠીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1897માં એક મરાઠી માસિકમાં ગૌતમ બુદ્ધ ઉપરનો લેખ વાંચીને બૌદ્ધ ધર્મ વિશે વધારે જાણવાની તેમને ઇચ્છા થઈ. તે માટે સંસ્કૃતનો અભ્યાસ કરવા તેમણે 1899માં ગૃહત્યાગ કર્યો અને પુણે, ગ્વાલિયર, કાશી વગેરે સ્થળોએ જઈને અન્નક્ષેત્રમાં રહીને એક વખત ભોજન કરીને સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કર્યો. તે વધુ અભ્યાસ માટે નેપાળ ગયા પણ ત્યાં બૌદ્ધ ધર્મની અવનતિ જોઈને તેમને ગ્લાનિ ઊપજી અને તે ગયા આવ્યા. ત્યાં એક બૌદ્ધ સાધુ પાસેથી પાલિ ભાષાના અભ્યાસ માટે પ્રેરણા મળી. તે બ્રહ્મદેશ અને શ્રીલંકા ગયા. ત્યાં બૌદ્ધ વિહારમાં રહીને બૌદ્ધ ભિક્ષુ તરીકે દીક્ષા લીધી. પાલિ ભાષા અને સાહિત્યનો વધુ અભ્યાસ કર્યો. તબિયત બગડતાં તે ભારત પાછા આવ્યા અને ફરી ગૃહસ્થી બન્યા. યુ.એસ.ની હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક જે. એચ. વુડ્ઝના આમંત્રણથી ચાર વખત તે અમેરિકા ગયા અને ત્યાં રહીને તેમણે બુદ્ધઘોષના પાલિ પુસ્તક ‘વિસુદ્ધિમગ્ગ’(વિશુદ્ધિમાર્ગ)નું સંપાદનકાર્ય સંભાળ્યું. તેમણે કૉલકાતા યુનિવર્સિટી, ફર્ગ્યુસન કૉલેજ, પૂણે અને મુંબઈ યુનિવર્સિટીમાં તથા રશિયાની લૅનિનગ્રાડ યુનિવર્સિટીમાં પાલિનું અધ્યાપનકાર્ય કર્યું.
ગાંધીજીની વિચારસરણીની અસર નીચે તેમણે સત્યાગ્રહમાં ભાગ લીધો હતો અને સેવાગ્રામમાં રહીને શિક્ષણકાર્ય કર્યું હતું. ત્યાં જ તેમનું અવસાન થયું.
બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાનને લગતાં અનેક પુસ્તકો તેમણે મરાઠીમાં લખ્યાં છે. મુંબઈમાં ‘આનંદવિહાર’ અને ‘બહુજનવિહાર’ સંસ્થાની તેમણે સ્થાપના કરી હતી. 1927માં રોમન લિપિમાં તૈયાર કરેલ ‘વિસુદ્ધિમગ્ગ’ ગ્રંથ 1950માં પ્રસિદ્ધ થયો, પણ દેવનાગરીમાં તે ગ્રંથ 1940માં છપાયો હતો. ‘બુદ્ધલીલાસારસંગ્રહ’ (1914), ‘બુદ્ધધર્મ આણિ સંઘ’ (1924), ‘નિવેદન’ (1924), ‘સમાધિમાર્ગ’ (1925), ‘બૌદ્ધ સંઘાચા પરિચય’ (1926) ‘ભગવાન બુદ્ધ’ (1934), ‘બોધિસત્વ’ (1949), ‘સુત્તનિપાતાચે મરાઠી ભાષાંતર’ (1955), ‘પાર્શ્વનાથાચા ચાતુર્યામ ધર્મ’ (1949) વગેરે તેમના નોંધપાત્ર ગ્રંથો છે. અભિધર્મસંગ્રહ ઉપરની નવનીત ટીકા (1941) અને ‘વિસુદ્ધિમગ્ગ-દીપિકા’ (1943) તેમના વિશિષ્ટ ગ્રંથો છે. તેમની આત્મકથા ‘આપવીતી’ પ્રેરણાદાયી છે.
શિવપ્રસાદ રાજગોર