કોસંબી, દામોદર ધર્માનંદ (જ. 31 જુલાઈ 1907, કોસબેન, ગોવા; અ. 29 જૂન 1966, પુણે) : પ્રખ્યાત પ્રાચ્યવિદ્યાપંડિત અને ગણિતજ્ઞ. પ્રા. ધર્માનંદ કોસંબીના પુત્ર. નાનપણમાં જ તે પિતાની સાથે અમેરિકા ગયા અને ત્યાંની હાર્વર્ડ યુનિ.ની પદવી મેળવી (1929). વિદ્યાર્થી અવસ્થામાં પ્રક્ષેપણશાસ્ત્ર(ballistics)માં રસ પડ્યો અને તેનો ઊંડો અભ્યાસ કર્યો.
તેમણે ગણિતમાં 1934માં ‘રામાનુજ મેમૉરિયલ પારિતોષિક’ અને 1947માં ‘ભાભા પારિતોષિક’ મેળવ્યાં. કેટલોક સમય (1948–49) અમેરિકામાં અને 1949માં ઇંગ્લૅન્ડમાં ‘મેરિટ સ્કૉલર’ તરીકે કામ કર્યું. પાછળથી પ્રિન્સ્ટન અને શિકાગોમાં ઉચ્ચ અભ્યાસ માટે આમંત્રિત અધ્યાપક તરીકે ગયા. તે વખતે તેમણે આઇન્સ્ટાઇન અને વેબ્લેન જેવી પ્રસિદ્ધ વ્યક્તિઓ સાથે અનેક શાસ્ત્રીય વિષયો પર ચર્ચા કરી. ત્યાર પછી તેમને આમંત્રિત પ્રાધ્યાપક તરીકે પરદેશોમાંથી અનેક નિમંત્રણો મળ્યાં. તે પૈકી રશિયા અને ચીનનાં નિમંત્રણો તેમણે સ્વીકાર્યાં હતાં.
તેમણે વિવિધ વિષયોનો અભ્યાસ કર્યો. ‘અણુ ઊર્જાનો શાંતિ માટે ઉપયોગ’ એ વિષય ઉપર ‘સોવિયેટ એકૅડેમી ઑવ્ સાયન્સીસ’(રશિયા)માં તેમણે વ્યાખ્યાન આપ્યું. આનુવંશિકતામાં રંગસૂત્રમાં અંતરનું મહત્ત્વ તેમણે સ્પષ્ટ કર્યું. નાણાશાસ્ત્ર પણ અગત્યનું શાસ્ત્ર છે એવું અસંખ્ય પ્રકારનાં ચલણનો અભ્યાસ કરીને સિદ્ધ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો. તેમની પાસે સૂક્ષ્મ પાષાણ-આયુધોનો મોટો સંગ્રહ હતો.
કાર્લાની ગુફાઓમાં બ્રાહ્મી લિપિની શોધ તથા પૌરસ્ત્ય સંસ્કૃતિનાં અનેક પાસાંની તારવણી પુરાતત્ત્વવિદ્યામાંના તેમના ઊંડા રસની પ્રતીતિ કરાવે છે. સંસ્કૃત ભાષા અને ઇતિહાસનો પણ તેમણે અભ્યાસ કર્યો. ‘ભર્તૃહરિનાં શતકો’ અને ‘વિદ્યાકરના સુભાષિત રત્નકોશ’નું તેમણે સટીક સંપાદન કર્યું. છેવટના દિવસોમાં તેમણે કૌટિલ્યલિખિત અર્થશાસ્ત્રનો સાદ્યંત અનુવાદ કર્યો હતો. ‘ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઑવ્ ધ ઇન્ડિયન હિસ્ટરી’ (1956) અને ‘એન્શિયન્ટ ઇન્ડિયા – મિથ ઍન્ડ રિયાલિટી’ એ તેમના એ ક્ષેત્રના મહત્ત્વના પ્રદાનરૂપ ગ્રંથો છે. તેમના સમગ્ર લેખનકાર્યનાં સમીક્ષા તથા સંકલન કરવાના હેતુથી ભારતના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિના અધ્યક્ષપણા હેઠળ એક ખાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી.
રસેશ જમીનદાર
શિવપ્રસાદ મ. જાની