કોલ : વિંધ્યાચલ તથા કૈમુર પહાડોમાં તેમજ નર્મદા, શોણ, ગંગા અને ચંબલની ઉપત્યકામાં વસતી દ્રાવિડ આદિવાસી પ્રજા. તેમની વસ્તી મધ્ય પ્રદેશના ઉત્તર ભાગમાં, ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગમાં, ઓરિસા તથા છોટાનાગપુરના પ્રદેશમાં છે. ડુક્કરનો શિકાર કરનારા કોલ ‘ડુકરાલા’ તરીકે ઓળખાય છે. છોટાનાગપુરના કોલ લડાયક માનસવાળા છે. તે મુંડા જાતિના છે અને તેમની ભાષા મુંડારી ભાષાસમૂહની છે એવી માન્યતા શરૂઆતના નૃવંશશાસ્ત્રીઓ ધરાવતા હતા. ઉત્તર પ્રદેશમાં તેમની ગણના અનુસૂચિત જાતિમાં થાય છે.

સપ્તશતીમાં કોલ જાતિનો ઉલ્લેખ છે. કોલ લોકોની માન્યતા પ્રમાણે તેઓ ઓતેબોરામ અને સિંગાબોંગાના વંશજો છે. હરિવંશમાં ચંદ્રવંશી યયાતિથી દશમી પેઢીએ થઈ ગયેલ કોલ રાજાનો ઉલ્લેખ છે. કોલલોકો તેને તેમનો આદિ પુરુષ માને છે. નૃવંશશાસ્ત્રીઓ તેમને પ્રોટો-ઑસ્ટ્રોલૉઇડ જાતિના માને છે અને તે મોંગોલ અને મરાઠાની લાક્ષણિકતાઓ ધરાવે છે.

કોલલોકોએ તેમની મૂળ મુંડારી ભાષાને બદલે જે પ્રદેશમાં વસે છે તે પ્રદેશની સ્થાનિક ભાષાને ક્યાંક અપનાવી છે. હિંદુઓના સતત સંપર્કને કારણે તેમની ભાષા અને સામાજિક અને ધાર્મિક રિવાજો ઉપર હિંદુઓની ગાઢ અસર પડી છે. ભૂતકાળમાં તેમના શાસનવાળા નાશિક, પવનમાવળ, મુળશી વગેરેનો ડુંગરાળ પ્રદેશ ‘કોલવણ’ તરીકે ઓળખાતો હતો. ખુદ કોલ્હાપુરનું મૂળ નામ કોલાપુર છે. કોલલોકોના શૈતિયા, ઠાકરિયા, ખંગર, કથરિયા, ખૈરવાર વગેરે પેટાવિભાગ છે. શૈતિયા બધા કરતાં ઊંચા ગણાય છે. ઠાકુરિયા રજપૂતોમાંથી આવેલા મનાય છે. કોલલોકો મોટા ભાગે ખેતમજૂરો છે. કેટલાક લોકો જંગલ બાળીને ફરતી ખેતી (shifting cultivation) કરે છે.

તેઓ ચોખા, ઘઉં તથા ડુક્કર, સસલાં, બકરાંના માંસ તથા માછલીનો ભોજનમાં ઉપયોગ કરે છે. તહેવારો તથા ઉત્સવના પ્રસંગોમાં દારૂનો પણ ઉપયોગ કરે છે.

તેમનામાં પંચપ્રથા છે, જે વિવાદોનું નિરાકરણ કરે છે. પંચનો વડો ચૌધરી કહેવાય છે, જ્યારે ગ્રામ પ્રમુખ મહંત કહેવાય છે. તે ગામનો કારભાર કરે છે. ગુનેગારને જ્ઞાતિ બહાર મૂકે છે. બંને હોદ્દા વંશપરંપરાગત હોય છે.

નવરાત્રિ, ફાગુઆ, ખીચડી, નાગપંચમી, દશેરા, દિવાળી અને હોળી તેમના મુખ્ય તહેવારો છે. આ પ્રસંગે નાચગાન થાય છે. તેઓ સંગીતના શોખીન છે અને ઝાંઝ, પખવાજ, ઢોલ, નગારાં વગેરે સાથે નાચગાન કરે છે. ચૈત્ર અને કાર્તિક માસમાં ‘જ્વર’ નામનું વ્રત રાખે છે તે વખતે ખાણીપીણી તથા નાચગાન ચાલે છે.

શિવપ્રસાદ રાજગોર