કોલક (મગનભાઈ લાલભાઈ દેસાઈ) (જ. 30 મે 1914, સોનવાડા) : ગુજરાતી કવિ અને નવલકથાકાર. વતન ટુકવાડા. જાતે અનાવિલ બ્રાહ્મણ. માતા તાપીબહેન. લગ્ન 1929માં. પત્નીનું નામ મણિબહેન. મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાંથી 1933માં મૅટ્રિક. કૉલેજમાં અભ્યાસ એક જ વર્ષ કરેલો.

વૅન્ગાર્ડ સ્ટુડિયોના જાહેરખબર વિભાગમાં કામ કરેલું. દર્શનિકા, ઇનમેમૉરિયમ, મેઘદૂત અને ગાંધીજીની આત્મકથા જેવાં એમનાં પ્રિય પુસ્તકો હતાં. આત્મકથા, ઇતિહાસ અને કાવ્યશાસ્ત્રના વિષયોમાં વિશેષ રસ હતો. ‘વિલેપાર્લે સાહિત્ય સભા’ અને ‘લેખકમિલન’માં કાર્યવાહક સમિતિના સભ્ય હતા. નાની વયથી કાવ્યરચનાનો શોખ હતો. પરિણામે ગુજરાતી સાહિત્યને તેમણે ચાર કાવ્યસંગ્રહો આપ્યા : (1) પ્રિયા- આગમન ખંડકાવ્ય (1937), (2) સાંધ્ય ગીત (1938), (3) સ્વાતિ (1940) અને (4) પ્રેમધનુષ્ય (1942). કોલકની કવિતામાં પ્રેમીના ભગ્ન હૃદયનો પ્રલાપ પ્રગટ થયેલો છે. તરંગલીલા, ભાષાલાલિત્ય ઇત્યાદિ બાબતોમાં ખબરદારની નીતિરીતિનું પ્રતિબિંબ જોવા મળે છે. છંદો પરનો તેમનો કાબૂ પ્રશસ્ય છે.

તેમણે 1946માં કમળાશંકર ત્રિવેદી વ્યાખ્યાનમાળામાં ‘કવિતા’ એ વિષય ઉપર વ્યાખ્યાન આપેલું. ‘કવિતા’ માસિક અને ‘માધુરી’ ત્રૈમાસિકના તંત્રી હતા તે અરસામાં બ. ક. ઠાકોરના અગેય પદ્યરચનાના સિદ્ધાન્ત સામે કવિ ખબરદારે ગેય પદ્યરચનાની હિમાયત કરેલી તેને પરિણામે ગુજરાતી સાહિત્યવર્તુળમાં વિવાદ ચાલેલો અને ખબરદારનો પક્ષ લઈ કોલકે ઉગ્ર ચર્ચા ચલાવેલી. સુન્દરમે અગેય કવિતાના બચાવમાં લખેલું. આ વિવાદનું પ્રતિબિંબ તે સમયના ‘માધુરી’ અને ‘પ્રસ્થાન’ના અંકોમાં પડેલું છે.

કોલકની સર્જકશક્તિનું લોકપ્રિય નીવડેલું અન્ય પાસું નવલકથાકાર તરીકેનું છે. ‘બંકિમા’ (1965), ‘વૈશાખી વાયરા’ (1969), ‘સંસારયાત્રા’ (1970), ‘પ્રેમની પાવક જ્વાળા’ (1970), ‘ફાગણ આયો’ (1973), ‘કુમુદ અને કુસુમ’ (1975), ‘ઘર ભણી’ (1975), ‘અંતરનાં અંતર’ (1976), ‘સાત પેઢીનો સંબંધ’ (1976), ‘રાધિકા’ (1976), ‘ગંગાજમના’ (1978) ઇત્યાદિ પચાસ જેટલી નવલકથાઓને બહોળો વાચકવર્ગ મળેલો. ઉપરાંત તેમના ‘સમીસાંજ’ અને ‘હનીમૂન’ એ બે વાર્તાસંગ્રહો પણ 1968માં પ્રસિદ્ધ થયેલા.

રમણિકભાઈ જાની