કોલિયસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી), કુળની શાકીય અને ક્ષુપ સ્વરૂપો ધરાવતી પ્રજાતિ. આ પ્રજાતિમાં લગભગ 200 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમનું વિતરણ એશિયા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને પૅસિફિક દ્વીપકલ્પોના ઉષ્ણ અને ઉપોષ્ણ કટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 8 જેટલી જાતિઓ નોંધાયેલી છે. મોટા ભાગની જાતિઓ ઉદ્યાનોમાં શોભન વનસ્પતિઓ તરીકે અને કેટલીક જાતિઓ ખાદ્ય કંદ (tuber) માટે ઉગાડવામાં આવે છે.
પાષાણભેદ (Coleus amboinicus Lour. Syn C. aromaticus Benth; કન્ટ્રી બૉરિજ, ઇન્ડિયન બૉરિજ) એક માંસલ શાકીય જાતિ છે. પર્ણો સુગંધિત, સાદાં અને સંમુખ હોય છે. નાનાં, આછાં જાંબલી અને દ્વિઓષ્ઠીય (bilabiate) પુષ્પો કુટચક્રક (verticillaster) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. આ જાતિ ઈસ્ટ ઇન્ડિઝની મૂલનિવાસી છે અને સમગ્ર ભારતમાં ઉદ્યાનોમાં વાવવામાં આવે છે.
તેનાં પર્ણો આનંદદાયી સુગંધ અને તીખો સ્વાદ ધરાવે છે અને માંસ તથા કચુંબરને સુગંધિત કરવામાં ઉપયોગી છે. દારૂને સુગંધિત કરવામાં વપરાતા બોરિજ (Borago officinalis Linn)ની અવેજીમાં તેનો ઉપયોગ થાય છે. સુગંધિત ગુણધર્મ કાર્વેક્રોલ ધરાવતા બાષ્પશીલ તેલને આભારી છે. છોડમાં તે અલ્પ પ્રમાણમાં હોય છે.
પર્ણો મૂત્રસંબંધી રોગોમાં ઉપયોગી છે. પર્ણોનો શર્કરા-મિશ્રિત રસ શક્તિશાળી સુગંધિત વાતહર (carminative) હોય છે. તે માદક ગુણધર્મ ધરાવતાં હોવા છતાં અર્જીણ (dyspepsia)માં આપવામાં આવે છે. પર્ણોના કવાથનો ઉપયોગ કફ અને દમમાં થાય છે.
આયુર્વેદ અનુસાર, તે શીતળ, મધુર અને કડવું હોય છે અને મેહ, તૃષા, દાહ, મૂત્રકૃચ્છ અને અશ્મરીનો નાશ કરે છે. તેનો શુક્રાશ્મરી અને દંતકૃમિ ઉપર ઉપયોગ થાય છે.
C. forskohlii Briq. Syn. C. barbatus Benth. બહુવર્ષાયુ, શાખિત, સુગંધિત, 30-60 સેમી. ઊંચી શાકીય જાતિ છે. તેનો પ્રકંદ (root stock) જાડો હોય છે.
C. parviflorus Benth. Syn. C. tuberosus Benth. (કન્ટ્રી પોટેટો) નાની શાકીય 30 સેમી.થી 60 સેમી. ઊંચી એકવર્ષાયુ જાતિ છે. તેનું પ્રકાંડ માંસલ અને પર્ણો સુગંધિત હોય છે. તે ઘેરાં બદામી રંગનાં કંદિલ મૂળનો ગુચ્છ ધરાવે છે.
આ છોડ ભારત, શ્રીલંકા, જાવા, હિંદી-ચીન અને ઉષ્ણકટિબંધીય આફ્રિકાના ભાગોમાં નાના, ખાદ્ય કંદો માટે વાવવામાં આવે છે, જે બટાટાની અવેજીમાં વપરાય છે.
તેનું વાવેતર મલબારમાં ચોમાસુ પાક તરીકે થાય છે. તેની વાવણી વરસાદની શરૂઆતમાં મે-જૂનમાં થાય છે અને ડિસેમ્બર-જાન્યુઆરીમાં લણણી થાય છે. તે સારા નિતારવાળી કંકરિત મૃદા (Laterite) અને રેતાળ મૃદામાં સારી રીતે થાય છે.
કંદ નાના, કાળા-બદામી, સ્ટાર્ચયુક્ત, સ્વાદે મીઠા અને સુગંધિત હોય છે. તેમનો ઉપયોગ બટાટાની જેમ કઢી અને અન્ય વાનગીઓમાં થાય છે. કંદનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 77.6 %, પ્રોટીન 1.3 %, કાર્બોદિતો 19.7 %, લિપિડ 0.1 %, રેસો 0.4 % અને ખનિજ-દ્રવ્ય 0.9 %.
C. vettiveroides K. C. Jacob (વેરીવર) નાની, માંસલ, 45-53 સેમી. ઊંચી જાતિ છે. તેનું પ્રકાંડ ભૂસર્પી (procumbent) હોય છે. પર્ણો જાડાં, જાંબલી રંગનાં અને રોમિલ હોય છે. તેનાં તંતુમય મૂળ 35-50 સેમી. લાંબાં અને તાજાં હોય ત્યારે ખૂબ સુગંધિત હોય છે.
તેનું પ્રસર્જન કટકારોપણ દ્વારા થાય છે. તેનું પુષ્પ-નિર્માણ થતું ક્યાંય જોવામાં આવ્યું નથી. તેને પિયત અને ખાતર આપવાં પડે છે. છોડ 4 માસનો થાય ત્યારે મૂળની લણણી કરવામાં આવે છે. તાજાં સુગંધિત મૂળનો ઉપયોગ મંદિરની મૂર્તિઓને શણગારવામાં અને વાળની સજાવટમાં થાય છે.
C. blumei Benth. પાતળું પ્રકાંડ ધરાવતી શાકીય જાતિ છે. તેનાં બહુવર્ણી સુંદર પર્ણો માટે તે ઉદ્યાનોમાં ઉગાડાય છે. પર્ણોનો ક્વાથ અર્જીણમાં ઉપયોગી છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ