કોલાજન : સ્ક્લેરોપ્રોટીન વિભાગમાંનું એક રેસાદાર પ્રોટીન. પ્રોટીનના સાદા પ્રોટીન, સંયુગ્મી, લાઇપોપ્રોટીન, ન્યુક્લિયૉપ્રોટીન, ફૉસ્ફોપ્રોટીન એવા વિભાગ પાડવામાં આવે છે. સાદા પ્રોટીનનું જળવિભાજન કરતાં માત્ર
α-એમિનો ઍસિડ્ઝ મળે છે. સાદા પ્રોટીનને દ્રાવકતાના આધારે જુદા જુદા ઘટકો – ઍલ્બ્યુમિન્સ, ગ્લૉબ્યુલિન્સ, ગ્લુટેલિન્સ, પ્રૉલામાઇન્સ, ઍલ્બ્યુમિનોઇડ્ઝ (સ્ક્લેરોપ્રોટીન્સ), હિસ્ટોન્સ તથા પ્રૉટામાઇન્સમાં વહેંચવામાં આવ્યાં છે. સ્ક્લેરોપ્રોટીન્સ પ્રૉટોઝોઆ વર્ગ સિવાયનાં બધાં જ પ્રાણીઓની ત્વચામાંનાં મુખ્ય કાર્બનિક સંયોજનો છે. તેના વિવિધ પ્રકારો (1) કોલાજન અને જિલેટીન, (2) ઇલાસ્ટિન, (3) ફાઇબ્રૉઇન અને (4) કેરાટિન્સ છે.

કોલાજન સ્નાયુઓને જોડતી પેશીઓનો મુખ્ય પ્રોટીન ઘટક છે. તે રેસાદાર પ્રોટીન પણ કહેવાય છે. કોલાજન તથા તેવાં બીજાં રેસાદાર પ્રોટીનનાં બંધારણ જટિલ હોય છે. ચામડી ઉપરાંત લિગામેન્ટ્સ ટેન્ડન્સ, કાર્ટિલેજ અને હાડકાંમાં પણ કોલાજન હોય છે. લાંબા સમય સુધીના ઍસિડ બેઇઝ યા પાણીના સંસર્ગ દ્વારા કોલાજનનું વિઘટન શરૂ થાય છે. પાણી સાથે ગરમ કરવાથી અથવા હાઇડ્રોજન-બંધ તોડે તેવા પ્રક્રિયકો (6M યૂરિયા) દ્વારા વિઘટન ઝડપી બનાવી શકાય. આમ યોગ્ય પ્રક્રિયકો દ્વારા કોલાજનનું વિઘટન કરીને જિલેટીન, ગ્લૂ, વિવિધ લંબાઈની પૉલિપેપ્ટાઇડ શૃંખલા તથા એમિનો ઍસિડ નીપજો તરીકે મેળવવામાં આવે છે. એક પ્રકારનાં કોલાજન બીજા પ્રકાર કરતાં દ્રાવ્યતામાં જુદાં હોઈ શકે. આનું કારણ કોલાજનની વિવિધ જાતોમાંનાં અંતર તથા આંતર આણ્વીય રચના છે.

કોલાજનનું પ્રાથમિક કાર્ય શરીર-બંધારણને ટેકો (mechanical support) આપવાનું તથા પસંદગી મુજબના પારગમ્ય પટલ બનાવવાનું છે. શરીરમાંના પાણીનું સમતોલન (balance) જાળવી રાખવા તથા ધાતુઓને ચિટકાવી (binding) રાખવામાં પણ તે ભાગ લે છે. કેટલાંક કોલાજન રોગો માટે તથા ઘડપણની પ્રક્રિયા માટે પણ જવાબદાર હોય છે. ચામડાં, જિલેટીન અને ગ્લૂ ઉદ્યોગ માટે તે કાચો માલ ગણાય છે તેમજ ઑપરેશનના ટાંકા લેવાની દોરી બનાવવા અને સૉસેજ ઉપરનું પડ બનાવવા માટે પણ તે વપરાય છે. કોલાજનયુક્ત પેશીઓના રેસા પાણીમાં ગરમ કરતાં સંકોચાય છે તે તાપમાનને સંકોચ-તાપમાન (shrinkage temperature) કહે છે. બળદ, શાર્ક વગેરેમાંથી મળતા કોલાજનનાં સંકોચ-તાપમાન જુદાં જુદાં હોય છે. દા. ત., શાર્કની ચામડી 42°થી 45° સે. તાપમાને તથા ગાયનું ચામડું 63°થી 65° સે. તાપમાને સંકોચાય છે.

કોલાજનના બધા જ પ્રકારોમાં એમિનો ઍસિડ્ઝમાં ગ્લાયસીન ત્રીજો ભાગ  ધરાવે છે. વિવિધ એમીનો ઍસિડ્ઝ (પ્રૉલીન હાઇડ્રૉક્સિ પ્રૉલીન) જુદી જુદી સંરચના તથા ક્રમ દ્વારા વિવિધ પૉલિપેપ્ટાઇડ શૃંખલાઓ બનાવે છે.

કોલાજનના મૅક્રોમોલેક્યુલની લંબાઈ 600 -700 ની રેન્જમાં હોય છે. ટ્રોપોકોલાજન એકમની લંબાઈ 2800 હોય છે.

કોલાજન અંગેના સંશોધનમાં કોવાન, મૅક્ગેવિન, નૉર્થ, ક્રિક તથા મદ્રાસનાં કાર્થા અને રામચંદ્રનનાં પ્રદાન અતિ ઉપયોગી જણાયાં છે.

જ. પો. ત્રિવેદી