કોલમ્બાઇટ : કોલમ્બાઇટ-ટૅન્ટેલાઇટ નિયોબેટ શ્રેણીનું ખનિજ. રા.બં. Fe અને Mnના નિયોબેટ અને ટૅન્ટેલેટ (Fe, Mn) (Nb, Ta)2 O6. લગભગ શુદ્ધ નિયોબેટ, ‘કોલમ્બાઇટ’ અને ટૅન્ટેલેટ ‘ટૅન્ટેલાઇટ’ તરીકે ઓળખાય છે. સ્ફ. વ. ઑર્થોરૉમ્બિક; સ્વ. પ્રિઝમ, પિનેકૉઇડ અને પિરામિડથી બનેલા મેજ આકારના સ્ફટિક કે જથ્થામય, બ્રેકિડોમ (201) યુગ્મતલ પર યુગ્મતા, કેટલીક વખતે હૃદય આકારનાં સ્ફટિકયુગ્મ. સં. બ્રેકિપિનેકૉઇડ(010)ને સમાંતર સુવિકસિત અને મેક્રોપિનેકૉઇડ(100)ને સમાંતર અપૂર્ણ વિકસિત. રંગ રાખોડી, કાળો કે કથ્થાઈ; મૅંગેનીઝયુક્ત પ્રકાર લાલાશ પડતો કથ્થાઈ; ક્વચિત્ અનેક-રંગિતા જોવા મળે છે. ચ. ધાતુમય, રાળમય કે કાચમય. ચૂ. ઘેરા લાલથી કથ્થાઈ કે કાળો ભં. સ. વલયાકારથી ખરબચડી, બરડ. ક. 6.00; વિ. ઘ. 5.3થી 7.3, Ta2O5ની માત્રાની વૃદ્ધિ સાથે વધે છે. પ્ર. અચ. (અ) વક્રી. nβ = 2.45 (બ) 2V = મોટો. પ્ર. સં. દ્વિઅક્ષી, કોલમ્બાઇટ ઋણ(-), ટેન્ટેલાઇટ ધન(+). પ્રા. સ્થિ. ગ્રૅનાઇટ બંધારણવાળા પેગ્મેટાઇટમાં કેટલાક નદીજન્ય નિક્ષેપોમાં ટિનસ્ટોન અને વુલ્ફ્રામ સાથે ભૌતિક સંકેન્દ્રણ તરીકે મળી આવે છે. ઉપયોગ : ટૅન્ટેલમ તત્વની અને તેનાં સંયોજનોની પ્રાપ્તિ માટે. ટૅન્ટેલમનો ઉપયોગ ઇલેક્ટ્રિક પ્રકાશ માટે વપરાતા તાપદીપ્ત તંતુની બનાવટ માટે.

વ્રિજવિહારી દીનાનાથ દવે