કોલર, વુલ્ફગૅંગ (જ. 21 જાન્યુઆરી 1887, રેવેલ, એસ્ટોનીઆ, જર્મની; અ. 1967, ન્યૂ હૅમ્પશાયર, યુ.એસ.) : પ્રસિદ્ધ જર્મન મનોવૈજ્ઞાનિક. પ્રારંભિક શિક્ષણ જિમ્નાશ્યમમાં થયું. કોલરનું લગભગ આખું કુટુંબ વિદ્યાવ્યાસંગી હતું. એમને પિયાનોનો પણ શોખ હતો. એમણે શાળા અને કૉલેજનો અભ્યાસ ટ્યુબિગન બોન અને બર્લિનમાં કર્યો. એમણે 1909માં યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાંથી મનોવિજ્ઞાનમાં પીએચ.ડી.ની પદવી મેળવી. એમણે ભૌતિકશાસ્ત્રનો પણ ઠીક ઠીક અભ્યાસ કર્યો હતો. એની અસર એમના કેટલાક સિદ્ધાંતો પર જોવા મળે છે. 1910માં કોલરની નિમણૂક મનોવિજ્ઞાનમાં મદદનીશ અધ્યાપક તરીકે ફ્રેન્કફર્ટમાં થઈ, જ્યાં મેક્સ વર્ધીમર (1880-1943) પણ કામ કરતા હતા. કુર્ત કોફકા (1886-1941) પણ ફ્રેન્કફર્ટમાં સાથે થઈ જતાં આ ત્રણેય જર્મન મનોવૈજ્ઞાનિકોને સાથે કામ કરી સહિયારો સિદ્ધાંત વિકસાવવાની તક મળી. એમના કાર્યની નિષ્પત્તિરૂપે મનોવિજ્ઞાનમાં ગેસ્ટાલ્ટ સંપ્રદાયનો જન્મ થયો. તેઓ 1920થી 1935 સુધી ફ્રેન્કફર્ટમાં જ પ્રાધ્યાપકપદે રહ્યા.

વુલ્ફગૅંગ કોલર

‘ગૅસ્ટાલ્ટ’ જર્મન શબ્દ છે. એનું બહુવચન ‘ગૅસ્ટાલ્ટન’ થાય છે. અંગ્રેજીમાં ગૅસ્ટાલ્ટના pattern એટલે તરાહ; configuration એટલે સમાકૃતિ; shape એટલે આકાર; whole એટલે સમગ્ર; totality એટલે સમગ્રતા; co-ordination અથવા organization એટલે વિશિષ્ટ સંયોજન વગેરે અર્થો મળે. આના આધારે ગૅસ્ટાલ્ટ સંપ્રદાયને ગુજરાતીમાં સંયોજનાવાદ અથવા સમષ્ટિવાદ કહેવામાં આવે છે. આમાં મુખ્યત્વે વર્ધીમરે ફાઇ-ઘટના (phi-phenomenon) પર કામ કર્યું, કોફકાએ પ્રત્યક્ષીકરણ પર કામ કર્યું અને કોલરે insight એટલે કે ‘આંતરસૂઝ’ પર કામ કર્યું. આંતરસૂઝ દ્વારા શિક્ષણસિદ્ધાંતના પ્રાયોગિક અભ્યાસી તરીકે કોલર ઓળખાય છે.

1913માં સ્પૅનિશ ટાપુઓની ટેનેરીફ ટેકરીઓમાં કોલરે ચિમ્પાન્ઝીઓ પર કેટલાક પ્રયોગો કર્યા. થૉર્નડાઇકનો ટ્રાયલ-એરર પદ્ધતિ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત ચકાસી જોવાનો કોલરનો આશય હતો.

ચિમ્પાન્ઝીને તેમણે મોટા પાંજરામાં પૂર્યો. પાંજરાની છત પર કેળાં લટકાવ્યાં. ચિમ્પાન્ઝી કૂદકો મારે તો ન પહોંચી શકે એટલી ઊંચાઈએ કેળાં લટકાવેલાં. પાંજરામાં જ એક ખૂણામાં ખાલી ખોખાં મૂકેલાં હતાં. આ ખોખાંનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે કેળાં લટકાવેલાં હોય એ જગ્યાએ ખોખું મૂકવામાં આવે અને તેના પર ચડીને કેળાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવે તો પહોંચી શકાય. આવો ખ્યાલ ચિમ્પાન્ઝીને આવે છે કે નહિ તે જોવાનું કોલરે વિચારેલું.

આ જ પ્રકારનો બીજો એક પ્રયોગ કોલરે પોતાના માનીતા ચિમ્પાન્ઝી ‘સુલતાન’ પર કર્યો. આ વખતે કેળાં પાંજરાની બહાર એ રીતે લટકાવ્યાં કે સુલતાન હાથ વડે કેળાં સુધી પહોંચી શકે નહિ. પાંજરામાં બે પોલી લાકડીઓ રાખેલી, જેમાં એક લાકડી બીજી લાકડી સાથે જોડી શકાય એવી વ્યવસ્થા હતી. કેળાં એટલા અંતરે હતાં કે લાકડીઓ વારાફરતી ઉપયોગમાં લેવાય તોપણ કેળાં સુધી પહોંચી ન શકાય. લાકડીઓને જોડીને મોટી લાકડી બનાવી શકાય અને એમ થાય તો કેળાં સુધી પહોંચી શકાય. એનો ખ્યાલ સુલતાનને આવે છે કે નહિ એ જોવાનો કોલરનો આશય હતો.

બંને પરિસ્થિતિઓમાં ચિમ્પાન્ઝીઓનું વર્તન જોઈને કોલરે પોતાની આંતરસૂઝ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત રજૂ કર્યો. કોલરના મતે આંતરસૂઝ એટલે સાધન અને સાધ્ય વચ્ચેના સંબંધનું ભાન. કોઈ પણ સમસ્યાવાળી પરિસ્થિતિમાં સાધન અને સાધ્ય વચ્ચે ગાળો હોય છે. આંતરસૂઝ વડે પ્રાણીને છૂટી છૂટી બાબતો વચ્ચેનો સંબંધ સમજાય છે અને સમસ્યા ઊકલે છે. આમ આંતરસૂઝ એટલે માનસિક ઝબકારો. આવા ઝબકારામાં પ્રાણી પૂર્વાનુભવોના પ્રકાશમાં નવી પરિસ્થિતિને સમજે છે. પ્રાણી આવા માનસિક ઝબકારામાં પોતાની જ્ઞાનાત્મક તરાહનું પુન:સંયોજન કરે છે. પ્રાણી પરિસ્થિતિને એક સમગ્ર સંગઠિત (organized whole) સ્વરૂપે જુએ છે. કોલરે પોતાના પ્રયોગોનો અહેવાલ રજૂ કરતું પુસ્તક 1917માં જર્મન ભાષામાં પ્રગટ કર્યું. 1924માં તેનો અંગ્રેજી અનુવાદ ‘ધ મેન્ટાલિટી ઑવ્ એપ્સ’ નામે પ્રકાશિત થયો.

આંતરસૂઝ દ્વારા શિક્ષણમાં નીચેની બાબતોનો સમાવેશ કરી શકાય- (1) આંતરસૂઝ દ્વારા શિક્ષણમાં નિ:સહાયતાની સ્થિતિ એકાએક આવડી ગયાની સ્થિતિમાં પલટાઈ જાય છે. (2) આંતરસૂઝ પૂર્વાનુભવ પર આધાર રાખે છે. (3) પ્રાણી જેમ બુદ્ધિશાળી તેમ તેની આંતરસૂઝ પ્રાપ્ત કરવાની શક્તિ વધારે. (4) આંતરસૂઝ દ્વારા ઉકેલ મેળવવામાં કેટલીક પ્રાયોગિક ગોઠવણો બીજી ગોઠવણો કરતાં વધારે અનુકૂળ રહે છે અને આવી ગોઠવણો વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ સાથે બંધબેસતી હોય છે. (5) આંતરસૂઝ દ્વારા થતા શિક્ષણમાં ધારણ(retention)ની માત્રા વધુ સારી હોય છે. (6) મનોવૈજ્ઞાનિકો આને જ સંક્રમણ (transfer) તરીકે ઓળખે છે.

આ બધાનો અર્થ એવો થાય કે સમસ્યાનાં છૂટાં છૂટાં અંગો નહિ પણ આખી પરિસ્થિતિ અને તેમાં સમાવિષ્ટ સંકેતો વચ્ચેનો સંબંધ સમજાઈ જાય તો સમસ્યા તરત જ ઊકલે છે.

જર્મનીમાં નાઝી ચળવળની જાહેરમાં ટીકા કરવા ‘બદલ તેમને હેરાન કરવામાં આવ્યા હોવાથી તેઓ 1935માં યુ.એસ. ગયા, અને ત્યાં સ્થાયી થયા. તેમણે ડાર્ટમાઉથ કૉલેજમાં સંશોધક પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું.

કોલરનાં પ્રકાશનો નીચે મુજબ છે : (1) મેન્ટાલિટી ઑવ્ એપ્સ (1921), (2) ઇન્ટેલિજન્સ ઇન એપ્સ (1925), (3) ગેસ્ટોસ્ટ સાઇકૉલૉજી (1929), (4) ધ પ્લેસ ઑવ વૅલ્યૂ ઇન એ વર્લ્ડ ઑવ્ ફૅક્ટ (1938), (5) ડાયનેમિક્સ ઑવ્ સાઇકૉલૉજી (1940), (6) ઑન ધ નેચર ઑવ્ ઍસોસિએશન્સ, (7) ફિગરલ આફટરઇફૅક્ટસ (1944), (8) ગેસ્ટોલ્ટ સાઇકૉલૉજી ટુડે (1959), (9) ધ રાસ્ક ઑવ્ ગેસ્ટોલ્ટ સાઇકૉલૉજી (1969). તેઓ સમષ્ટિવાદી મનોવિજ્ઞાનના સંશોધનપત્ર(જર્નલ)ના સહસ્થાપક (1920) હતા. તેમને મળેલા હોદ્દા, બહુમાન-સન્માન નીચે પ્રમાણે છે :

(1) તેઓ અમેરિકાની નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝમાં ચૂંટાયા. (1947).

(2) કોલરને અમેરિકન મનોવિજ્ઞાન મંડળ(એપીએ)નો, ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક પ્રદાન માટેનો ઍવૉર્ડ મળ્યો. (1956)

(3) તેમને પ્રાયોગિક મનોવિજ્ઞાનીઓના મંડળનો વોરન ચંદ્રક મળ્યો.

(4) તેમને મનોવૈજ્ઞાનિક નોંધપાત્ર સિદ્ધિ માટેનો જર્મન મનોવિજ્ઞાન મંડળનો વુન્ટ ચંદ્રક મળ્યો.

મનોવિજ્ઞાનમાં કોલરનાં નીચેનાં પ્રદાનો ઉલ્લેખનીય છે :

(1) વ્યક્તિને સમજવા માટે તેના વર્તનનું સૂક્ષ્મ ભાગોમાં કે ઉદ્દીપક-પ્રતિક્રિયામાં વિશ્લેષણ કરવું નિરર્થક છે એમ તેમણે બતાવ્યું. તેમણે સમગ્ર વ્યક્તિત્વનો કે સંપૂર્ણ મનોવ્યાપારનો અભ્યાસ કરવાથી પ્રાપ્ત થતી આગવી સમજનું મૂલ્ય દર્શાવ્યું.

(2) પ્રત્યક્ષીકરણ અંગેનો સમષ્ટિવાદી ર્દષ્ટિકોણ વિકસાવવામાં તેમણે કોફકા અને વર્ધીમરને મદદ કરી.

(3) પ્રત્યક્ષીકરણ અંગેના તેમના મૌલિક ખ્યાલો શીખવાની ક્રિયાને, સ્મરણને અને વિચારપ્રક્રિયાને સમજવામાં ઉપયોગી બન્યા છે. આ ખ્યાલોએ આધુનિક બોધાત્મક મનોવિજ્ઞાન, સામાજિક મનોવિજ્ઞાન, સંસ્થાકીય મનોવિજ્ઞાન, અપરાધ મનોવિજ્ઞાન અને અસાધારણ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને કાર્યવાહીઓ ઉપર ખૂબ પ્રભાવ પાડ્યો છે. દા.ત., આ ખ્યાલોને આધારે જ ફ્રીટ્ઝ પર્લ્સે મનોવિકૃતિઓ માટે સમષ્ટિ ઉપચાર પદ્ધતિ વિકસાવી છે.

(4) કોલરે ચિમ્પાન્ઝીઓ અને અન્ય પ્રાણીઓ ઉપર કરેલા પ્રયોગોનાં તારણો, સમસ્યા ઉકેલવાની માનવની પ્રક્રિયાની આંટીઘૂંટી સમજવામાં ઉપયોગી બન્યાં છે. ઘણા દાખલામાં, આડેધડ અવ્યવસ્થિત હલનચલનો કરવાથી ઉકેલ મળતો નથી; પણ સમસ્યાનું માત્ર નવા ર્દષ્ટિકોણથી પ્રત્યક્ષીકરણ કરવાથી ઝડપી અને મૌલિક ઉકેલ મળે છે. હાલમાં વ્યક્તિગત અને સંસ્થાકીય સમસ્યાઓ ઉકેલવા માટે ઉપયોગમાં લેવાતી બ્રેઇન સ્ટૉર્મિંગ અને બીજી અનેક પ્રવિધિઓના મૂળમાં કોલરનો આ ‘પ્રત્યક્ષીકરણ વડે વિચારનો ઝબકારો’નો ખ્યાલ રહેલો છે. આ ખ્યાલની અસર સર્જકતા અંગેનાં ઘણાં આધુનિક સંશોધનો ઉપર પણ થઈ છે.

(5) કોલર અને તેના સાથીઓએ વિકસાવેલા સમષ્ટિવાદી સિદ્ધાંતના આધાર પર કુર્ત લ્યૂઈને ક્ષેત્રસિદ્ધાંત વિકસાવ્યો છે.

કોલરે હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે ‘વિલિયમ જેમ્સ’ પર પ્રવચનો આપેલાં. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓ સાથે સતત ઘર્ષણમાં ઊતરવાનું થતાં તે અમેરિકામાં સ્થાયી થયેલા. સમષ્ટિવાદી મનોવિજ્ઞાનના સિદ્ધાંતો પર પ્રકાશ પાડતાં અનેક પુસ્તકો તેમણે લખ્યાં છે. જીવનના અંતભાગમાં તે ન્યૂ હૅમ્પશાયર લેબેનોનમાં નિવૃત્ત જીવન ગાળતા હતા.

સમીર પટેલ

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે