કોલધા : ગુજરાત રાજ્યમાં સૌથી વધુ આદિમ અને આર્થિક રીતે પછાત અને અસ્પૃશ્ય ગણાતી આદિવાસી જાતિ.
તેમની વસ્તી વલસાડ જિલ્લાના ધરમપુર, વાંસદા અને ચીખલી તાલુકાઓમાં તથા સુરત જિલ્લાના મહુવા તાલુકામાં છે. ભરૂચ તથા ડાંગ જિલ્લાઓમાં તેમની છૂટીછવાઈ વસ્તી છે. ચીખલી તાલુકાના ખેરગામમાં તેમની વસ્તી વિશેષ છે. 1981માં ગુજરાત રાજ્યમાં તેમની વસ્તી 30,000 જેટલી હતી.
તેઓ ખૂબ જ ગરીબ છે. મોટાભાગના લોકો અલ્પ સમય માટે ખેતમજૂરી કરે છે. પૂરતા પોષણને અભાવે તેઓ નબળું આરોગ્ય ધરાવે છે અને ખૂબ જ નિમ્ન કોટિનું જીવન ગાળે છે. માત્ર 7.6 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. જ્યારે સ્ત્રીઓમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ સાવ ઓછું – 2.5 % જેટલું છે. તેઓ નાગલી, જુવાર અને વારીનો ખોરાકમાં ઉપયોગ કરે છે. ક્યારેક સસલાં, તેતર, ખિસકોલી, ઉંદર અને અન્ય વન્ય પશુ-પંખીનાં માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેમની પાસે જમીન નથી એટલે ખેતમજૂરી ઉપરાંત ઈંટો પાડવાની, કૂવો ખોદવાની મજૂરી કરે છે. દેડકાં પકડવા સિવાય તેમનામાં અન્ય પરંપરાગત કૌશલ નથી. તેમનાં બાળકો અન્ય લોકોનાં ઢોર ચરાવે છે. ઢોર ચરાવવા બદલ તેમને અનાજરૂપે વેતન ચૂકવાય છે. ક્યારેક તેઓ નાની ચોરી પણ કરે છે. બીજા આદિવાસીઓ તેમને અસ્પૃશ્ય ગણે છે.
તે હનુમાન, ભિલ્લદેવ, કાકાબળિયા વગેરેને પૂજે છે તથા ભૂતપ્રેત, ડાકણ વગેરેમાં માને છે, તેમનામાં બહુપત્ની તથા બાળલગ્નના રિવાજો પ્રચલિત છે.
શિવપ્રસાદ રાજગોર