કોલ, થૉમસ (Cole, Thomas) (જ. 1 ફેબ્રુઆરી 1801, બૉલ્ટોન-લે-મૂર્સ, લૅન્કેન્શાયર, ઇંગ્લૅન્ડ; અ. 11 ફેબ્રુઆરી 1848, કેટ્સ્કીલ, ન્યૂયૉર્ક, અમેરિકા) : અગ્રણી અમેરિકન રંગદર્શી ચિત્રકાર. પ્રભાવવાદી ઢબે અમેરિકન નિસર્ગર્દશ્યોનાં ચિત્રો ચીતરવાની નેમ ધરાવનાર અમેરિકન ચિત્રકારોના જાણીતા કલાજૂથ ‘હડ્સન રિવર સ્કૂલ’ના સ્થાપક અને નેતા.

થૉમસ કોલ

કોલનો પરિવાર ઇંગ્લૅન્ડથી અમેરિકા આવી ઓહાયો ખાતે સ્થિર થયો હતો. ત્યાં વ્યક્તિચિત્રકાર સ્ટાઇન (Stein) પાસે અને પછી પેન્સિલ્વેનિયા એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં બે વરસ સુધી કોલે કલાનો અભ્યાસ કર્યો. 1825માં ન્યૂયૉર્ક નગરના એક પ્રદર્શનમાં પ્રદર્શિત કોલનાં બે નિસર્ગચિત્રો ચિત્રકાર એશર ડુરાન્ડ અને કર્નલ જોન થ્રમ્બુલને આકર્ષી ગયાં. એ બંનેએ એ બંને ચિત્રો ખરીદી લીધાં અને કોલને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું.

કોલ થૉમસે દોરેલું ચિત્ર

1826માં ન્યૂયૉર્ક રાજ્યમાં હડસન નદીના પશ્ચિમ કાંઠે કેટ્સ્કીલ ખાતે નિવાસ શરૂ કર્યો અને ત્યાંથી તેઓ પગપાળા ઈશાન દિશામાં અક્ષુણ્ણ જંગલોમાં નિસર્ગચિત્રો ચીતરવા માટે નીકળી પડતા. અમેરિકાનાં અણખૂંદ્યાં જંગલોની એકલતા અને રહસ્યમયતાને કોલે પોતાનાં નિસર્ગચિત્રોમાં આબાદ પકડી. ‘ધી ઑક્સ-બો’ તેમનું આ આરંભિક તબક્કાનું શ્રેષ્ઠ ચિત્ર ગણાયું છે. ક્વચિત જ કોલનાં નિસર્ગચિત્રોમાં માનવી નજરે પડે છે અને તે નજરે પડે છે ત્યારે વિરાટ નિસર્ગના ખોળામાં તુચ્છ મામૂલી મગતરા કે કીડી જેવો ટીણકુડોક દેખાય છે. આમ વિરાટ નિસર્ગની સહોપસ્થિતિમાં માનવીને ઝીણો ચીતરીને પ્રકૃતિની વિરાટતા અને માનવીની તુચ્છતા સ્પષ્ટ કરી છે.

1829થી 1832 સુધી અને પછી ફરીથી 1841થી 1842 સુધી કોલે યુરોપનો પ્રવાસ કર્યો અને તે મુખ્યત્વે ઇટાલીમાં રહ્યો. ઇટાલીમાં ફ્લૉરેન્સ ખાતે અમેરિકન શિલ્પી હોરેશિયો ગ્રીનોફ (Horatio Greenough) સાથે મિત્રતા કેળવી. અમેરિકા પાછા ફરીને તેણે અમેરિકન નિસર્ગર્દશ્યો ચિત્રિત કરવા ઉપરાંત સ્થાપત્યર્દશ્યો પણ ચીતર્યાં; જેમાંથી ‘ધી આર્કિટેક્ટ્સ વર્લ્ડ’ ઘણું જાણીતું થયું. આ ચિત્રમાં પ્રાચીન ઇજિપ્શિયન, પ્રાચીન ગ્રીક, પ્રાચીન રોમન અને મધ્યયુગીન ગૉથિક સ્થાપત્યોને એક જ ર્દશ્યમાં સાથે ચીતરીને તેમનો તેમણે અજબ સંયોગ કર્યો છે. એ પછી બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને મૃત્યુને આલેખતાં ચાર ચિત્રોની શ્રેણી ‘ધ વૉયેજ ઑવ્ લાઇફ’ ચીતરી. ત્યારબાદ પ્રાગૈતિહાસિક પથ્થરયુગથી માંડીને આધુનિક યુગ સુધીના માનવીના વિકાસને આલેખતી ચિત્રશ્રેણી ‘ધ વૉયેજ ઑવ્ લાઇફ’ ચીતરી. ખ્રિસ્તી ધાર્મિક ચિત્રશ્રેણી ‘ધ ક્રૉસ ઑવ્ ધ વર્લ્ડ’ તેમનું અચાનક અકાળ અવસાન થતાં અધૂરી રહી.

અમિતાભ મડિયા