કોલક : વલસાડ જિલ્લાનું અરબી સમુદ્ર ઉપર આવેલું મત્સ્ય બંદર અને તે જ નામની નદી. ભૌગોલિક સ્થાન 20° 30′ ઉ. અ. અને 72° 55′ પૂ. રે. કોલક પારડીથી પશ્ચિમે 10 કિમી., ઉદવાડાથી 6.4 કિમી. અને પાર નદીના દરિયા સાથેના સંગમથી 8.5 કિમી. દૂર છે. તે વાપીથી ધરમપુર જતા માર્ગ સાથે અને વલસાડથી ઉમરગામ સુધી જવાના કાંઠાના ધોરી માર્ગ સાથે જોડાયેલું છે. કોલકની ખાડી 175 મી. પહોળી છે અને ચોમાસા સિવાય મચ્છીમારીની હોડીઓ અને નાનાં વહાણો ત્યાં આવે છે. વિલાયતી નળિયાં, અનાજ અને પરચૂરણ વસ્તુઓની આયાત થતી હતી, જ્યારે ઇમારતી લાકડું અહીંથી નિકાસ થતું હતું. હાલ મત્સ્ય બંદર વિકસતાં 370 જેટલી નાનીમોટી હોડીઓ આ ઉદ્યોગમાં રોકાયેલી છે. મત્સ્ય ઉદ્યોગની સગવડ ખાતર જેટી બંધાઈ છે.
કોલક નદીનું ઉદભવસ્થાન ધરમપુર તાલુકાના કરજણ ગામ પાસેની ટેકરી છે અને પારડી તાલુકામાં વહીને તે ભીમપોર પાસે સમુદ્રને મળે છે. આ નદીના ડાબા કાંઠે દમણની હદ આવેલી છે, જ્યારે જમણો કાંઠો વલસાડ જિલ્લામાં છે.
નદીનો શરૂઆતનો પટ પથરાળ છે. નદીના પટમાંથી ઑઇસ્ટરની છીપો મળે છે. મુખથી 12.88 કિમી. સુધી ભરતીની અસર જણાય છે. કોલક પાસે નદી ઓળંગવા હોડીનો ઉપયોગ થાય છે. કોલક નદી ઉપર પંડોર, મોટાફોંડા, સુખલાવ, મનાળા, કોપરલી, જીરવલ, બિલોનિયા, વરવઠ વગેરે ગામો છે. તે ધરમપુર અને પારડી તાલુકામાં થઈને વહે છે અને તેની લંબાઈ 38 કિમી. છે.
શિવપ્રસાદ રાજગોર