કોલંબસ, ક્રિસ્તોફર : (જ. 1451, જિનોઆ, અ. 21 મે 1506, વલ્લદોલિદ, સ્પેન) : ઇટાલિયન નાવિક. અમેરિકાના શોધક. પ્રથમ જિનોઆ અને પછી સવોનામાં વસેલા. વણકર ડોમેનિકો કોલોમ્બો અને સુઝન્ના ફોન્ટેનરોસ્સાના પુત્ર. તે જિનોઆમાં સ્થિર થયેલા સ્પૅનિશ-યહૂદી કુટુંબના હતા. તે સ્પેન આવ્યા તે પહેલાં સ્પૅનિશ ભાષામાં નોંધો લખતા. તે પોતાના દસ્તખત કોલોમ્બો, કોલોમો, કોલોમ અને કોલોન તરીકે કરતા. ચૌદ વર્ષની ઉંમરે તેમણે દરિયાઈ

ક્રિસ્તોફર કોલંબસ

સફર શરૂ કરી હતી. 1472થી ’73 રેને દ’ અન્જોઉના ચાંચિયા વહાણમાં નોકરી કરી. 1473થી ’74માં તે કિઓસ નામના ગ્રીક ટાપુ પહોંચ્યા. 13 ઑગસ્ટ 1476ના રોજ સેં. વિન્સેન્ટની ભૂશિરથી થોડે દૂર થયેલા યુદ્ધમાં તેમણે ભાગ લીધો હતો. ત્યાં તેમના વહાણને આગ લાગી ત્યારે તે તરાપાથી તરીને પોર્ટુગીઝ કિનારે પહોંચ્યા. તે તરીને પોર્ટુગલ આવ્યા તે સ્થળ પ્રિન્સ હેન્રી ધ નૅવિગેટરે ખલાસીઓ માટે સ્થાપેલી એકૅડેમીની નજીક હતું. પોર્ટુગલમાં આવ્યા પછી તે આઇસલૅન્ડની સફરે ગયા. આ સમયે પશ્ચિમ દ્વારા ‘કોથે’ની સફરનો વિચાર તેમના મનમાં ઉદભવ્યો હતો. 1478માં તેમણે ફિલિયા મોનિઝ પેરેસ્ટ્રેલ્લા સાથે લગ્ન કર્યાં. તેમને એક પુત્ર ડિએગોના હતો. પછી તે પોર્ટો સન્ટો ટાપુમાં થોડો સમય વસ્યા જ્યાં તેમના સાળાને કૅપ્ટનપદ વારસામાં મળ્યું હતું. આ સ્થળેથી તેમને દક્ષિણ આટલાન્ટિક અને પશ્ચિમના વિસ્તારમાં આવેલાં સ્થળોના સંકેતો પ્રાપ્ત થયા હતા. તે પાછા લિસ્બન આવ્યા. ત્યાં તેમણે કાર્ડિનલ પિએર્ર દ ઐલ્લીની ‘ઇમેજ ઑવ્ ધ વર્લ્ડ’ અને માર્કો પોલોની પૂર્વની સફરોના અહેવાલ ધ્યાનપૂર્વક વાંચ્યા. જોકે તેમણે ટૉલેમીનો અભ્યાસ કર્યો હતો અને તે ટોસ્કાનેલ્લિનો અભિપ્રાય જાણતા હતા. ‘પ્રોફેટ’ ઇસ્ડ્રોસસની પદ્ધતિના વિસ્તૃત કરેલા વિચારોનો તેમને ખ્યાલ હતો. આ વિચારો હતા : પૃથ્વી ગોળ છે, પશ્ચિમના છેડા(સ્પેન)થી પૂર્વના છેડા (ઇન્ડિયા, એટલે એશિયા) વચ્ચેનું જમીનનું અંતર ખૂબ લાંબું છે. તેથી સ્પેન અને ઇન્ડિયા વચ્ચેનું સમુદ્રનું અંતર ઘણું ઓછું છે વગેરે. હવે તેમણે પશ્ચિમ તરફ સફર કરવાની યોજના કરી. ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સના રાજાઓએ તેમની આ યોજનામાં મદદ કરવાની ના પાડી, પરંતુ સ્પેનના ફર્ડિનાન્ડ અને ઇઝાબેલાએ તે સફરમાં મદદ કરી. ફક્ત 88 માણસોને ‘સાન્તા મેરિયા’, ‘નીના’ અને ‘પેન્ટા’ નામનાં ત્રણ વહાણોમાં લઈને તેમણે 3 ઑગસ્ટ 1492ના રોજ પાલોલ બંદર છોડ્યું અને 12 ઑક્ટોબરના રોજ તે બહમલના કિનારે ઊતર્યા. ત્યાંથી તે ક્યૂબા અને હાયટી ગયા અને પોતાનાં ત્રણ વહાણોમાંથી એક ગુમાવીને તે સ્પેન પાછા ફર્યા. 1493માં પોતાની સાથે 1500 માણસો લઈ વેસ્ટ ઇન્ડીઝ ગયા અને પોર્ટો રિકો, જમૈકા અને બીજા ટાપુઓ શોધ્યા (1496). ત્રીજી સફર વખતે તે દક્ષિણ અમેરિકામાં ત્રિનિદાદ અને ઓરિનિકોના મુખ સુધી પહોંચ્યા. નવી દુનિયામાં સંસ્થાનો સ્થાપ્યાં પરંતુ તેમના ઉપર ગેરવહીવટ કરવાનો આરોપ મૂકી તેમને કેદ કરી સ્પેન લાવવામાં આવ્યા (1500). ચોથી સફર(1502-04)માં તે હોન્ડુરસ, કોસ્ટારિકા અને પનામા પહોંચ્યા. યુ.એસ.માં તેમનો જન્મદિવસ ઊજવવામાં આવે છે.

1992માં તેમની દરિયાઈ સફરની પાંચસોમી જયંતી ઊજવાઈ હતી.

યતીન્દ્ર દીક્ષિત