કોલંબિયા : દક્ષિણ અમેરિકાની વાયવ્યે આવેલો પ્રજાસત્તાક દેશ.  ભૌગોલિક સ્થાન 4°. 00′ ઉ. અ. અને 72°.00′ પૂ. રે.ની આજુબાજુનો 11,40,108 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. નૈર્ઋત્યમાં અમેરિકા ખંડની શોધ કરનાર ક્રિસ્તોફર કોલંબસ પરથી આ દેશનું નામ કોલંબિયા પડ્યું છે.

કોલંબિયા

કદની દૃષ્ટિએ લૅટિન અમેરિકામાં તેનો ચોથો ક્રમ છે. તેની અગ્નિ દિશામાં બ્રાઝિલ, ઈશાન દિશામાં વેનેઝુએલા,  ઇક્વેડોર, દક્ષિણમાં દિશામાં પેરૂ તથા વાયવ્ય દિશામાં પનામા આવેલાં છે. તેની પશ્ચિમે પૅસિફિક મહાસાગર છે જેનો 1300 કિમી. જેટલો કાંઠાનો પ્રદેશ કોલંબિયાનો છે. ઉપરાંત 1600 કિમી. જેટલો કૅરિબિયન સમુદ્રના કાંઠાનો પ્રદેશ પણ આ દેશનો છે. વસ્તી : 11,65,821 (2024) છે. બોગોટા તેનું પાટનગર છે. તે 2640 મી. ઊંચાઈ ધરાવતા પઠાર પર વસેલું છે. સંસ્કૃતિ, શિક્ષણ તથા રાજકારણનું તે પ્રમુખ કેન્દ્ર છે. તેની ત્રણ મુખ્ય નદીઓ છે : કાઉકા, મૅગ્દાલેના તથા આત્રાતો – જે ડુંગરાળ પ્રદેશમાંથી ઉત્તર તરફ વહે છે. દેશની દક્ષિણ સરહદ પર ઍમેઝોન નદી છે. ઉપરાંત સાંગહવાન અને પાતિયા એ બે નાની નદીઓ પૅસિફિક મહાસાગરને મળે છે. દેશની પ્રમુખ ભાષા સ્પૅનિશ તથા પ્રમુખ ધર્મ રોમન કૅથલિક છે.

આબોહવાની દૃષ્ટિએ આ દેશમાં ઘણી વિવિધતા છે. એક તરફ હિમાચ્છાદિત ગિરિશિખરો છે તો બીજી તરફ ઉષ્ણ હવામાન ધરાવતા પ્રદેશો પણ છે. દેશમાંથી વિષુવવૃત્ત પસાર થતું હોવાથી આખા વર્ષ દરમિયાન વરસાદ પડે છે. દેશના પશ્ચિમ કાંઠા પર તથા પર્વતીય પ્રદેશમાં ઉષ્ણતાનયનનો ખૂબ વરસાદ થાય છે. ભૌગોલિક ર્દષ્ટિએ દેશના ત્રણ વિભાગ પડે છે : ઉચ્ચ પ્રદેશ, દરિયાકાંઠાનો નીચી ભૂમિવાળો પ્રદેશ તથા પૂર્વ તરફનો મેદાની પ્રદેશ. પશ્ચિમ તરફનો લગભગ 40 ટકા જેટલો ભાગ ઍન્ડીઝ પર્વતમાળાના ઉચ્ચ પ્રદેશનો છે. સર્વોચ્ચ શિખર હુઈલા 5,750 મીટર ઊંચાઈ ધરાવે છે. મધ્યનો પ્રદેશ સરેરાશ 5,000 મીટર ઊંચાઈવાળો છે.

અર્થશાસ્ત્ર : 1998માં દેશની એકંદર આંતરિક પેદાશ (Gross Domestic Product) 103 અબજ ડૉલર તથા માથાદીઠ આંતરિક પેદાશ 6006 ડૉલર હતી. દેશનું અર્થતંત્ર મહદંશે કૃષિ પર આધારિત છે. રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 30 ટકા છે. કુલ શ્રમદળના 50% લોકો ખેતીમાંથી આજીવિકા મેળવે છે. દેશના ઠંડા પ્રદેશોમાં ઘઉં, જવ તથા બટાકાની ખેતી થાય છે. દરિયાકાંઠાના વિસ્તારમાં કેળાંની પેદાશ નોંધપાત્ર છે. અન્યત્ર કપાસ, ડાંગર તથા ખાંડનું ઉત્પાદન થાય છે. વિશ્વમાં કૉફીના ઉત્પાદનની બાબતમાં બ્રાઝિલ પછી કોલંબિયાનો ક્રમ આવે છે. નિકાસમાંથી થતી કુલ આવકમાં અડધોઅડધ આવક કૉફીની નિકાસમાંથી થાય છે. ઔદ્યોગિક ચીજવસ્તુઓની નિકાસમાં કાપડની નિકાસ અગ્રસ્થાન ધરાવે છે. બોગોટા, મૅગ્દાલેના તથા કૅલી એ ત્રણ મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો છે. સોનું, ચાંદી, સીસું, પારો, મૅંગેનીઝ, કોલસા, લોખંડ, ગંધક તથા પ્લૅટિનમ મુખ્ય ખનિજો છે. ખનિજ તેલ પણ ઓછાવત્તા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. દેશના કુલ વિસ્તારના 60 ટકા જેટલો વિસ્તાર જંગલોથી આચ્છાદિત છે. વિશ્વના 95 ટકા જેટલા નીલમણિનું ઉત્પાદન આ દેશમાં થાય છે. લૅટિન અમેરિકાના દેશોમાં સોનાના ઉત્પાદનમાં આ દેશ અગ્રસ્થાન ધરાવે છે. પ્રવાસનનો વ્યવસાય સારા પ્રમાણમાં વિકાસ પામ્યો છે.

રાજ્યશાસ્ત્ર : સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશની રૂએ કોરિયાના યુદ્ધમાં તથા સુએઝ નહેર પ્રશ્ને થયેલા સંઘર્ષમાં રાષ્ટ્રસંઘ વતી ભાગ લેનારો લૅટિન અમેરિકાનો આ એકમાત્ર દેશ હતો.

1509માં સર્વપ્રથમ સ્પૅનિશ વસાહત ઊભી થઈ તે પહેલાં ત્યાં આદિવાસી પ્રજા રહેતી હતી. હિમેનેસ દ કેસાદી નામના સ્પૅનિશ સંશોધકે 1538માં બોગોટાની સ્થાપના કરી. ત્યારથી આ પ્રદેશ પર સ્પેનનું રાજકીય વર્ચસ્ પ્રસ્થાપિત થયું હતું. 1810માં દેશની સ્વાધીનતા માટે બળવો થયો. 1819માં કોલંબિયા, ઇક્વેડોર, પનામા તથા વેનેઝુએલા એ ચાર દેશોના સ્વતંત્ર સંયુક્ત પ્રજાસત્તાકની ઘોષણા કરવામાં આવી. 1830માં કોલંબિયા તથા પનામાના સ્વતંત્ર પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી. 1886માં પ્રજાસત્તાકનું બંધારણ ઘડવામાં આવ્યું. 1899-1903 દરમિયાન આંતરવિગ્રહ થયો જેના પરિણામે પનામા છૂટું પડતાં તેનું સ્વતંત્ર રાજ્ય સ્થાપવામાં આવ્યું. ત્યારથી કોલંબિયા સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વ ધરાવે છે.

માદક પદાર્થોની વિશ્વવ્યાપી હેરફેરમાં કોલંબિયા અગ્રણી ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે