કોરેલી, મેરી (જ. 1855, લંડન; અ. 21 એપ્રિલ 1924) : અંગ્રેજ નવલકથાકાર. મૂળ નામ મેરી મૅકે. કોરેલી તખલ્લુસ. વિક્ટોરિયન યુગના પાછળના ચરણમાં, મધ્યમ વર્ગના અનેક વાચકો ઉપર એમની કલમે કામણ કર્યું હતું. સંગીતનો પાકો અભ્યાસ કર્યા બાદ 30 વર્ષની વયે એમણે પ્રથમ નવલકથા, ‘એ રોમાન્સ ઑવ્ ટુ વર્લ્ડ્ઝ’ (1886) લખી. ત્યાર પછી કેટલીક કૌતુકપ્રિય મેલોડ્રામા પ્રકારની નવલકથાઓનું સર્જન કર્યું. તરંગ તુક્કા અને અણુ રેડિયોઍક્ટિવ તરંગો તેમજ નીતિવિષયક બાબતો અંગે મારીમચડીને ઊભા કરાયેલા સિદ્ધાંતો દ્વારા પોતાના વાચકો ઉપર એમણે એક જાતનું વશીકરણ કર્યું હતું. અશ્લીલ બાબતો અંગે બેધડક લખ્યું અને ઊર્મિપ્રધાન શૈલી દ્વારા પોતાના વાચકોને વાર્તાપ્રવાહમાં જકડી રાખ્યા. ઓગણીસમી સદીના અંતકાળે તેમણે મોટી સફળતા પ્રાપ્ત કરી. ગ્લૅડસ્ટન અને ઑસ્કાર વાઇલ્ડ એમની નવલકથાઓના ચાહક હતા. મૃત્યુ અગાઉ એમની નામનામાં ઓટ આવી તે એટલી હદ સુધી કે લોકોમાં એ હાસ્યાસ્પદ પણ ગણાયાં. 1901માં શેક્સપિયરના જન્મ-સ્થળ ‘સ્ટ્રેટફર્ડ-અપૉન-એવન’માં તે રહેવા ગયેલાં. એમની અન્ય નવલકથાઓ ‘વૅન્ડેટા’ (1886), ‘થેલ્મા’ (1887), ‘ઓર્દર્થ’ (1889), ‘ધ સોલ ઑવ્ લિલિથ’ (1892), ‘બારબાસ’ (1893), ‘ધ સૉરોઝ ઑવ્ સેતાન’ (1895), ‘ધ માઇટી ઍટમ’ (1896), ‘ધ મર્ડર ઑવ્ ડેલિસિયા’ (1896), ‘ધ માસ્ટર ક્રિશ્ચિયન’ (1900), ‘ટેમ્પોરલ પાવર’ (1902), ‘ધ યંગ ડાયેના’ (1918) અને ‘ધ સિક્રેટ પાવર’ (1921). ‘માય લિટલ બિટ’ (1919) એમની આત્મકથા છે.

વિ. પ્ર. ત્રિવેદી