કોપન (Copan) : માયા સંસ્કૃતિનું હોન્ડુરસના અખાતમાં આવેલું બીજા નંબરનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 14o 50′ ઉ. અ. અને 89o 09′ પ.રે. તે 3203 ચોકિમી. વિસ્તારમાં કોપન નદીના કાંઠે પથરાયેલું છે. પાંચ મુખ્ય ચોગાન અને સોળ ગૌણ ચોકઠામાં વિભાજિત આ શહેર મંદિરોનું અજાયબ સંકુલ છે. 460માં બંધાયેલા કોપનમાં માયા સંસ્કૃતિના પંચાંગની ફેરવિચારણા માટે ખગોળશાસ્ત્રીઓનું અધિવેશન 765માં મળેલું. ડિયેગો ગ્રેસિ કે પાલસિયોએ 1576માં અહીંથી અવશેષો પ્રાપ્ત કરેલા. અન્નદેવ(યુમ કેકસ)નું ઉત્તમ શિલ્પ કોપનનું ગૌરવ ગણાય છે. 1842માં અમેરિકી શોધક સ્ટીફન્સનને ઉત્કીર્ણ અને સલેખ સ્તંભ મળેલો. 2023 મુજબ શહેરની વસ્તી 4,30,958 છે.
રસેશ જમીનદાર