કોપનહેગન

January, 2008

કોપનહેગન (Copenhagen) : ડેનમાર્કનું સૌથી મોટું નગર. ભૌગોલિક સ્થાન : 55o 40′ ઉ.અ. અને 72o 35′ પૂ.રે. (સ્થાપના 1167). 1445થી દેશનું પાટનગર તથા તેનું રાજકીય, વહીવટી, વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર. તે ઝીલૅન્ડ અને અમાગરના બે દ્વીપો પર, ડેનમાર્કને સ્વીડનથી જુદા પાડતા તથા બાલ્ટિક સમુદ્રને ઉત્તર સમુદ્ર સાથે જોડતા જળમાર્ગના દક્ષિણ છેડા પર વસેલું છે.

ઑપેરા હાઉસ, કોપનહેગન

નગરની આબોહવા સામાન્ય રીતે શીતળ અને સહેજ ભેજવાળી  છે. જાન્યુઆરીમાં ઠંડીનું પ્રમાણ સૌથી વધારે (સરેરાશ તાપમાન 0.5o સે.) તથા જુલાઈમાં સૌથી વધારે ગરમી (સરેરાશ તાપમાન 17o સે.) હોય છે. સરેરાશ વાર્ષિક વરસાદ 800 મિમી. થાય છે. તે પૈકી 10 % જેટલી હિમવર્ષા થાય છે.

ડેનમાર્કના કુલ ઉદ્યોગો તથા તેમાં કામ કરતા કામદારોમાંથી  જેટલાં કારખાનાં અને કામદારો આ નગરમાં કેન્દ્રિત થયેલાં છે. તેમાં ધાતુકામ, ઇજનેરી ઉદ્યોગો, ખાદ્ય ચીજોનું પ્રક્રમણ, તૈયાર કપડાં, શરાબ, ચિનાઈ માટીની ચીજવસ્તુઓ, વહાણવટા અને ગ્રંથપ્રકાશન સાથે સંકળાયેલા ઔદ્યોગિક એકમો વિશેષ ઉલ્લેખનીય છે. વહાણવટું અને વાણિજ્ય વ્યાપાર એ આ નગરના અર્થતંત્રની કરોડરજ્જુ છે અને ખરેખર આ નગરના નામનો શબ્દશ: અર્થ વેપારીઓનું આશ્રયસ્થાન (merchants’ haven) થાય છે. ઓગણીસમી સદીમાં યુરોપનાં અન્ય વ્યાપારી કેન્દ્રો સાથેના વ્યાપારથી આ નગરના વ્યવહારમાં ધરખમ વધારો થતાં 1894માં તેને મુક્ત બંદર જાહેર કરવામાં આવ્યું. ત્યારથી તે માત્ર ડેનમાર્કનું જ નહિ પરંતુ ઉત્તર યુરોપનું સૌથી મહત્વનું બંદર ગણાય છે. દર વર્ષે ત્યાં આશરે 35,000 વ્યાપારી જહાજો માલની હેરફેર કરે છે. ડેનમાર્કની બધી જ બૅંકો તથા વીમા કંપનીઓનાં મુખ્ય કાર્યાલયો આ નગરમાં છે. શહેરની અગ્નિ દિશામાં અમાગર દ્વીપ પર આવેલા તેના વિમાની મથકની યુરોપનાં મોટાં વિમાની મથકોમાં ગણના થાય છે.

શહેરનાં જોવાલાયક સ્થળોમાં ટ્રિનિટી ચર્ચ, હોલ્મેન્સ ચર્ચ, રાઉન્ડ ટાવર, શાહી કુટુંબનું સંગ્રહાલય, રૉયલ એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સ, ટાઉનહૉલ સ્ક્વેર, સંગીત-નૃત્ય-નાટ્યશાળાનું ભવ્ય મકાન, ક્રિશ્ચિયન બોર્જ પ્રાસાદ વગેરે ઉલ્લેખનીય છે. ત્યાંના રહેવાસીઓ જાઝ સંગીતના ખૂબ શોખીન છે. નગરમાં દર વર્ષે જાઝ સંગીતનો મહોત્સવ ઊજવાય છે. તેમાં વિશ્વના ખ્યાતનામ સંગીતજ્ઞો ભાગ લે છે.

ઇતિહાસ : 1600 સુધી તેનો કોઈ ખાસ વિકાસ થયો ન હતો. 1445થી તે દેશના સમ્રાટોનું નિવાસસ્થાન રહ્યું છે. તેની સ્થાપનાના પ્રારંભકાળથી જ તેની મોટાભાગની ઇમારતો મહદંશે લાકડાની બનેલી હોવાથી આ નગર અવારનવાર આગની લપેટમાં આવતું રહ્યું છે. 1728 અને 1795માં લાગેલી આગ આ શહેર માટે ભયંકર વિનાશકારી સાબિત થઈ હતી. પરિણામે આ નગરના પ્રારંભના વિકાસના તબક્કા અંગે આધારભૂત ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ નથી. 1800માં બ્રિટિશ લશ્કરે આ નગર પર ભયંકર બૉમ્બમારો કર્યો હતો. તેને લીધે પણ તેનો મોટા પાયા પર વિનાશ થયો હતો. તેમ છતાં આવી આપત્તિઓને કારણે નગરના આયોજકોને તેની પુનર્રચના કરવાની તક વારંવાર મળતી રહી, જેને લીધે આધુનિક કોપનહેગન એ સૌંદર્યધામ ઉપરાંત સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના ધરાવતાં નાટ્યગૃહો, પ્રાસાદો, સંગ્રહાલયો, ઉદ્યાનો અને બગીચાઓથી સુશોભિત નગર તરીકે ખ્યાતિ પામ્યું છે. તેની વસ્તી ડેનમાર્કની કુલ વસ્તીના 28 % જેટલી છે. નગરમાં મહદંશે શ્વેત વસ્તી હોવાથી તેને એકરૂપતાના લાભ મળ્યા છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ નગર પાંચ વર્ષ સુધી નાઝી લશ્કરના નિયંત્રણમાં હતું અને નગરવાસીઓએ તેનો જોરદાર પ્રતિકાર કર્યો હતો. 2021 મુજબ શહેરની વસ્તી 7,99,033 જ્યારે બૃહદ શહેરની વસ્તી 13,36,982 જેટલી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે