કોદરા : એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમિની) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Paspalum scrobiculatum Linn. syn. P. commersonii Lam; P. scrobiculatum var. commersonii Staff; P. scrobiculatum var. frumentaceum Stapf (સં. કોદ્રવ; હિ. કોદો, કોદવ; બં. કોદોવા ધાન; મ. કોદ્રા, હરિક; ગુ. કોદરા; તે. અરીકાળુ, આરુગુ; તા. અને મલા. વારાગુ; ક. હરકા; અં. કોડો મિલેટ) છે. તે ભારતની મૂલનિવાસી છે. હાલમાં તેનું વાવેતર આફ્રિકાના દેશોમાં પણ થાય છે. તે દક્ષિણ ભારત (તમિલનાડુ 2,48,800 હે., આંધ્રપ્રદેશ 2,22,120 હે., ગુજરાત અને મહારાષ્ટ્ર 1,57,800 હે.)માં ઉત્તર ભારત કરતાં વધારે પ્રમાણમાં વવાય છે. આંધ્ર પ્રદેશમાં નેલ્લોર, કુર્નૂલ, અનંતપુર અને મેહબૂબનગર જિલ્લાઓમાં; તમિલનાડુમાં તિરુચ્ચિરાપલ્લી, એસ. આરકૉટ અને રામનાથપુરમ્ જિલ્લાઓમાં; ગુજરાતમાં ખેડા જિલ્લાની ગોરાડુ અને પંચમહાલ જિલ્લાની કાંપમય મૃદામાં; ડાંગ, ભરૂચ અને વડોદરામાં; અને મહારાષ્ટ્રમાં રત્નાગિરિ જિલ્લામાં તેનું સવિશેષ વાવેતર કરવામાં આવે છે.
તેનો છોડ ખૂબ ટૂંકી ગાંઠામૂળી ધરાવે છે. તેના પરથી ગુચ્છમાં શાખાઓ ઉત્પન્ન થાય છે. તેના સાંઠા 90 સેમી. જેટલી ઊંચાઈ ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિક, દ્વિપંક્તિક (distichous), ટટ્ટાર, રેખીય, 15-45 સેમી. × 2-8 મિમી. અને ર્દઢ હોય છે. પુષ્પવિન્યાસ બે કે તેથી વધારે, એકાંતરિક રીતે ગોઠવાયેલ અદંડી શૂકી (spike) પ્રકારનો હોય છે.
કેટલાક વૈજ્ઞાનિકો P. scrobiculatum var. commersoniiનાં વન્ય સ્વરૂપોને અલગ જાતિ ગણે છે. વન્ય સ્વરૂપો અલ્પજીવી બહુવર્ષાયુ જ્યારે સંવર્ધિત સ્વરૂપો એકવર્ષાયુ હોય છે. વન્ય સ્વરૂપો કરતાં સંવર્ધિત સ્વરૂપોના છોડ અને શૂકીકાઓ કદમાં વધારે મોટાં હોય છે. વન્ય સ્વરૂપો સમગ્ર ભારતમાં 1600 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે દક્ષિણ આફ્રિકાની સ્થાનિક જાત છે. તે ભેજવાળી જગાઓએ થાય છે અને ઢોર અને તેમાંયે ખાસ કરીને ભેંસો તેનો ચારો ચરે છે.
વાવેતર હેઠળ કોદરાની જુદી જુદી જાતો જોવા મળે છે. તેનો આધાર પાકનો સમયગાળો (વહેલી, મધ્યમ અને મોડી પાકતી), વૃદ્ધિનું સ્વરૂપ (ઊંચી કે નીચી), પુષ્પવિન્યાસનાં લક્ષણો, દાણાની ગોઠવણી (બેથી ચાર કે પાંચ હરોળો) અને તેનાં લક્ષણો (આછા લાલ રંગના મીઠા દાણા કે ઘેરા ભૂખરા અને કડવા દાણા) પર રહેલો છે. ગુજરાતમાં પુષ્પવિન્યાસના આકાર ઉપર આધારિત પ્રકારો આ પ્રમાણે છે : (1) હરિયા, (2 હરોળ), (2) ચોધારિયા (3-4 હરોળ), (3) કોદરા (4-5 હરોળો), અને (4) હરિયા ચોધારિયા. સ્થાનિક વસ્તીમાંથી સીધા વંશક્રમ પસંદગી દ્વારા અલગ કરવામાં આવેલી બે જાતો 494-1 અને 80-2 12 %થી 16 % જેટલું ઊંચું ઉત્પાદન આપે છે. ચેન્નાઈ, મૈસૂર, મધ્ય પ્રદેશમાં કેટલીક વધુ ઉત્પાદન આપતી જાતો શોધાઈ છે. તેની આશરે 526 જેટલી જાતિઓ નોંધવામાં આવી છે. તેમાંની ગુજરાત કોદરા-1, રત્નાગિરિ S-18.4, PSC-9, 10 અને 12 તેમજ KPS-40 પાકની ર્દષ્ટિએ સારી જાતો ગણાય છે.
કોદરા સહિષ્ણુ અને શુષ્કતારોથી પાક છે, જે મધ્યમસરના વરસાદ (25 સેમી.થી 75 સેમી.)માં અને ગોરાડુ જમીનમાં સારી રીતે થાય છે. જોકે દક્ષિણ ભારતમાં હલકી કાંકરાવાળી કે પથરાળ મૃદામાં પણ થાય છે. ગુજરાતમાં તે કાંપયુક્ત મૃદામાં થાય છે. તે આલ્કલીયતાનો સારા પ્રમાણમાં અવરોધ કરે છે.
જૂન-જુલાઈમાં 12.5 કિગ્રા.થી 25.0 કિગ્રા./હે. બીજ છૂટાં વેરીને કે ઓરણી દ્વારા કાં તો શુદ્ધ પાક કે મિશ્ર પાક (તુવર કે તલ સાથે) તરીકે વાવવામાં આવે છે. સીધી વાવણી કરતાં ત્રણ અઠવાડિયાંના રોપાઓ વાવવાથી સારાં પરિણામો (સામાન્ય ઉત્પાદન કરતાં 63 % વધારે) સાંપડ્યાં છે. મોટાભાગના સંવર્ધિત પ્રકારો ઘેરો જાંબલી રંગ ધરાવે છે. ખેતરનો દેખાવ લાક્ષણિક જાંબલી રંગનો બને છે. પુષ્પગુચ્છો પૂરેપૂરા ખૂલતા નથી અને પાક સ્વયંપરાગિત (cleistogamous) હોય છે. બીજનો બેસારો સંપૂર્ણપણે હવામાન પર આધાર રાખે છે.
કોદરાનો રોગ
કોદરાને ત્રણ પ્રકારના રોગ થાય છે : આંજિયો કે અંગારિયો (smut), ગેરુ (rust) અને ગુંદરિયો (ergot). આંજિયો sorosporium paspali નામની રોગજન ફૂગ દ્વારા થાય છે. દાણાની આખી ડૂંડી ફૂગના કણોથી ભરાઈ જાય છે. દરેક દાણામાં ફૂગના કણોનો કાળો ભૂકો હોય છે. રોગિષ્ઠ દાણા ગોળ અને ઘેરા બદામી રંગના હોય છે. રોગનો ફેલાવો બીજ દ્વારા થાય છે. બીજને ફૂગનાશક દવાનો પટ આપવાથી લાભ થાય છે.
ગેરુ રોગ Uredo paspali – scrobiculati દ્વારા થાય છે. રોગિષ્ઠ છોડના પાન ઉપર કથ્થાઈ રંગનાં ભૂકીવાળાં ચાઠાં હોય છે. રોગસંવેદી જાતોનું વાવેતર અને એક જ પ્રકારની ખેતપદ્ધતિ રોગ વધારે છે. રોગપ્રતિકારક જાતોનું વાવેતર અને ભલામણ મુજબ ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવાથી રોગ કાબૂમાં આવે છે.
ગુંદરિયો કે મધિયો Claviceps paspali નામની ફૂગથી થાય છે. આ રોગમાં દાણા બેસતા નથી અને તેની જગાએથી માત્ર ગુંદર જેવું ચીકણું પ્રવાહી ઝરે છે. પાકની ફેરબદલી અને વાવણીના સમયમાં ફેરફાર કરવાથી રોગ થતો અટકે છે.
આગિયો (Striga spp.) કોદરાના પાકને ગંભીર નુકસાન પહોંચાડે છે.
વાવણી પછી 4-6 માસમાં પાક પરિપક્વ બને છે. સરેરાશ ઉત્પાદન વિવિધ સ્થળોએ જુદું જુદું હોય છે : આંધ્ર પ્રદેશ 8.25 કિગ્રા./ હે., ચેન્નાઈ 1030 કિગ્રા. / હે., મૈસૂર 250 કિગ્રા./500 કિગ્રા./હે. કાળી મૃદામાં વધારે ઉત્પાદન થાય છે. વડોદરા, મુંબઈ અને મધ્યપ્રદેશની કેટલીક જાતો 1250 કિગ્રા./હે. જેટલું ઉત્પાદન આપે છે. આરાનું ઉત્પાદન 1250 કિગ્રા.થી 2500 કિગ્રા./હે. જેટલું થાય છે.
દાણાને સખત, શૃંગી અને દીર્ઘસ્થાયી છોતરું (દાણાનું 40 % વજન) હોય છે. તેને લાલ જમીન સાથે ઘસી અને સૂર્યના તાપમાં સૂકવી છોતરું કાઢી લેવામાં આવે છે, જેથી ખાદ્ય સફેદ ભાગ પ્રાપ્ત કરી શકાય. દાણા સંપૂર્ણ પાકટ હોવા જરૂરી છે અને તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરતાં પહેલાં છ માસ સુધી સંગ્રહ કરવામાં આવે છે; કારણ કે અપરિપક્વ અને નવા એકત્રિત કરેલા દાણા ઝેરી હોય છે. તેને ભાતની જેમ રાંધવામાં આવે છે અને રોટલા પણ બનાવી શકાય છે. ચોખાની અવેજીમાં તેની મધુપ્રમેહના દર્દીઓ માટે ભલામણ કરવામાં આવે છે.
છોતરા સહિતના અને છોતરા વિનાના દાણાઓનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : છોતરાવાલો દાણો-પાણી 11.6 %, પ્રોટીન 10.6 %, લિપિડ (ઈથર-નિષ્કર્ષ) 4.2 %, કાર્બોદિત 59.2 %, રેસો 10 % અને ખનિજ દ્રવ્ય 4.4 %; કૅલ્શિયમ 49.5 મિગ્રા., ફૉસ્ફરસ 284.0 મિગ્રા., લોહ 6.0 મિગ્રા. અને થાયેમિન 400 માઇક્રોગ્રામ/100 ગ્રા.; છોતરા વિનાનો દાણો – 11.7 %, પ્રોટીન 11.6 % લિપિડ (ઈથર-નિષ્કર્ષ) 1.3 %, કાર્બોદિતો 74.0 %, રેસો 0.4 % અને ખનિજદ્રવ્ય 1.0 %, કૅલ્શિયમ 35 મિગ્રા., ફૉસ્ફરસ 121 મિગ્રા., લોહ 1.7 મિગ્રા. અને થાયેમિન 150 માઇક્રોગ્રામ/100 ગ્રા.. દાણામાં રાઇબોફ્લેવિન (27 માઇક્રોગ્રામ/100 ગ્રા.) અને નિકોટિનિક ઍસિડ (0.4 મિગ્રા./100 ગ્રા.) હોય છે. દાણાનો સ્ટાર્ચ 32.1 % ઍમાયલોઝ અને 67.9 % ઍમિલોપૅક્ટિનનો બનેલો હોય છે.
કોદરાના પ્રોટીનનું જૈવિક મૂલ્ય 57 % હોય છે. પ્રોટીનમાં રહેલા આવશ્યક એમિનોઍસિડમાં આર્જિનિન 4.8 ગ્રા., રિસ્ટિડિન 2.01 ગ્રા./ આઇસોલ્યુસિન 7.73 ગ્રા., લ્યુસિન 10.66 ગ્રા., લાયસિન 3.31 ગ્રા., મિથિયોનિન 3.16 ગ્રા., ફિનિલ ઍલોનિન 9.13 ગ્રા., થ્રિયોનિન 3.75 ગ્રા., ટ્રિપ્ટોફેન 0.73 ગ્રા. અને વેલાઇન 7.25 ગ્રા./ 16 ગ્રા. N., કોદરાનો પોષણ-આંક ઘઉં કરતાં ઓછો હોય છે.
દાણાઓના લીધે ઘણી વાર માણસો અને પ્રાણીઓને ઝેર ચઢે છે. વરસાદમાં અને ભેજવાળી સ્થિતિમાં ખેતરમાં લણેલો પાક જો થપ્પીબંધ મૂક્યો ન હોય તો દાણો અને ચારો બંને ઝેરી બને છે. તાજો લણેલો દાણો પણ સ્વાપક (narcotic) હોય છે, પરંતુ ગરીબ લોકો તેને વારંવાર ખાતાં દાણાની અસર સામે પ્રતિરક્ષા મેળવે છે. દાણાઓનું ગાયના છાણ અને પાણી સાથે સંમર્દન (maceration) થયા પછી જે હલકા અને પોલા અપરિપક્વ દાણાઓ રહે છે તે વધારે નુકસાન પહોંચાડે છે. આવા દાણાઓ પાણીમાં ઉપર તરતા હોવાથી તેમને અલગ તારવી લેવામાં આવે છે. વર્ષો સુધી દાણાઓનો સંગ્રહ કરવાથી તેમનો વિષાળુ ગુણધર્મ લુપ્ત થાય છે. આ દાણાઓ છાશ સાથે લેવાથી વિષનું નિવર્તન થાય છે.
દાણાની વિષાળુતા મોટે ભાગે બહારના આવરણમાં સમાયેલી છે અને આ આવરણમાં એક ફૂગ લગભગ હંમેશાં હાજર હોય છે. કોદરાની વિષાળુતાનાં મુખ્ય લક્ષણોમાં –બેભાન-અવસ્થા, ઐચ્છિક સ્નાયુઓના તીવ્ર કંપનોયુક્ત પ્રલાપ(deliriam), ઊલટી અને ખોરાક ગળવામાં મુશ્કેલીનો સમાવેશ થાય છે. વિષઘ્ન (antidote) તરીકે અડદ(phaseolus mungo)નો લોટ, કેળાના થડનો રસ, જામફળનો સ્તંભક રસ અથવા પારિજાતક(Nyctanthes arbortristis)ના પાનનો રસ, આમલીનું પાણી અને છાશની રાબ બનાવી આપવામાં આવે છે.
પેટ્રોલિયમ ઈથર વડે દાણામાં રહેલા મેદીય તેલની સાથે વિષાળુ ઘટકનું પણ નિષ્કર્ષણ થાય છે. મેદવિહીન અવશેષ અવિષાળુ (non-toxic) હોય છે. નિષ્કર્ષિત મેદ (ગ.બિ. 42o સે., વક્રીભવનાંક 1.4650, આયોડિન-આંક 93.6, સાબુનીકરણ-આંક 170.7)નું 1 ગ્રામ માત્રાએ અંત:સ્નાયુ (intramuscular) અંત:ક્ષેપણ કરતાં કૂતરાઓ અને વાંદરા મૃત્યુ પામે છે. દાણાના મેદની આલ્કલી કે ઍસિડ સાથે પ્રક્રિયા કરતાં વિષાળુ ઘટક દૂર થાય છે. વિષાળુ અને અવિષાળુ જાતોને અલગ કરવા વિષાળુ જાતના દાણાનો મેદ સલ્ફ્યુરિક ઍસિડ ઉમેરતાં લાલ રંગ આપે છે; જ્યારે અવિષાળુ દાણાનો મેદ કોઈ રંગ આપતો નથી.
દાણાનું છોતરું દળ્યા પછી કેટલીક વાર ખોરાક તરીકે વપરાય છે. તે પાણી 10.6 %, પ્રોટીન 4.9 %, લિપિડ (ઈથર-નિષ્કર્ષ) 3.3 %, કાર્બોદિતો 71.1 %, રેસો 2.2 % અને કુલ ભસ્મ 8.0 % ધરાવે છે.
કુમળું ઘાસ ઢોર દ્વારા ખવાય છે. P. scrobicuratum var. commersonii વન્ય સ્વરૂપ છે અને ઘાસ-ચારા માટે ક્વિન્સલડમાં ઉગાડવામાં આવે છે; જ્યાં તે અવિષાળુ માલૂમ પડ્યું છે. તે (શુષ્કતાને આધારે) પ્રોટીન 5 %, રેસો 32.5 %, કુલ ભસ્મ 9.8% કૅલ્શિયમ 0.32 % અને ફૉસ્ફરસ 0.23 %; સ્ટાર્ચ તુલ્યાંક (equivalent) 60 ધરાવે છે. તેમાં કૅરોટિન સારા એવા પ્રમાણમાં હોય છે.
ભારતના કેટલાક ભાગોમાં તેનો ચારા તરીકે ઉપયોગ થાય છે, પરંતુ મોટા ભાગના પ્રદેશોમાં તે અયોગ્ય કે નુકસાનકારક ગણાય છે. તેથી તે આલ્કલીય ભૂમિમાં ખાતર તરીકે કે છાપરાં બનાવવામાં વપરાય છે.
મૂળ અને ગાંઠામૂળીનો ક્વાથ બાળકના જન્મ વખતે રૂપાંતરક (alterative) તરીકે આપવામાં આવે છે. પ્રકાંડનો રસ આંખના પારદર્શકપટલની અપારદર્શકતામાં ઉપયોગી છે.
આયુર્વેદ અનુસાર કોદરા મધુર, શીત, ગ્રાહક, ગુરુ, કડવા, વ્રણને હિતકર અને રૂક્ષ હોય છે. તે કફ, પિત્ત, વિષ અને મૂત્રકૃચ્છનો નાશ કરે છે. તે અન્નદ્રવશૂળ પર ઉપયોગી છે. કોદરા ઘણા શીતળ હોવાથી અશક્ત માણસે કદી પણ ખાવા નહિ; કારણ કે તે વીર્યનાશક હોય છે.
રમણભાઈ પટેલ
ભીષ્મદેવ કીશાભાઈ પટેલ
વી. એ. સોલંકી
બળદેવભાઈ પટેલ