કોથમીર (ધાણા)

January, 2008

કોથમીર (ધાણા) : દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી (અંબેલીફેરી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Coriandrum sativam Linn. (સં. ધાન્યક, કુસ્તુંબરી; હિં. ધનિયા; બં. ધને; મ. કોથીંબર, ધણે; ક. હવ્વીજ, કોતંબરીકાળું; તે. કોથમીલું, ધણિયાલું; તા. ઉત્તંબરી; મલા. કોત્તમપાલરી; અં. કોરીએન્ડર) છે. તે એકવર્ષાયુ શાકીય, 30 સેમી. – 90 સેમી. ઊંચી વનસ્પતિ છે. તેનાં નીચેનાં પર્ણો પહોળાં હોય છે અને કુંઠદંતી (crenate) ખંડિત પર્ણકિનારી ધરાવે છે; જ્યારે ઉપરનાં પર્ણો સાંકડાં, સૂક્ષ્મત: વિચ્છેદિત અને પુનર્વિભાજિત (decompound) હોય છે અને રેખીય ખંડો ધરાવે છે. પુષ્પો નાનાં, સફેદ કે ગુલાબી-જાંબલી હોય છે. તેઓ અગ્રસ્થ સંયુક્ત છત્રક (umbel) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પરિઘવર્તી પુષ્પો અનિયમિત હોય છે. ફળ યુગ્મવેશ્મફળ (cremocarp) પ્રકારનું, ગોળાકાર અને ખાંચોવાળું, રંગે પીળું-બદામી, 2.0 મિમી.-3.5 મિમી. કદ ધરાવતું હોય છે. તેને દબાવતાં તે બે અર્ધ ભાગો[જેને ફલાંશકો (mericarps) કહે છે]માં વિભાજિત થાય છે. પ્રત્યેક ફલાંશક એક બીજ ધરાવે છે.

કોથમીર ભૂમધ્ય પ્રદેશની મૂલનિવાસી છે. તે ભારત, રશિયા, મધ્યયુરોપ, એશિયા માઇનોર અને મોરોક્કોમાં પુષ્કળ પ્રમાણમાં વાવવામાં આવે છે. ભારતમાં તે બધાં રાજ્યોમાં ઉગાડાય છે અને દક્ષિણ ભારતમાં કાળી કપાસની મૃદામાં અને ઉત્તર ભારતમાં ફળદ્રૂપ કાંપવાળી ગોરાડુ મૃદામાં ગૌણ પાક તરીકે વવાય છે. ચેન્નાઈમાં ગુંટુર, બેલરી, અનંતપુર, ત્રિચિનાપલ્લી અને તિન્નેવેલી જિલ્લાઓમાં અને મહારાષ્ટ્રમાં પૂર્વ ખાનદેશ અને સતારામાં, અને પંજાબમાં બધે વાવેતર થાય છે.

કોથમીર શુદ્ધ કે મિશ્ર પાક સ્વરૂપે વરસાદ-આધારિત પાક તરીકે સામાન્યત: ઉગાડાય છે. કેટલાક વિસ્તારોમાં તે પિયત પાક તરીકે પણ વવાય છે. વાવેતરનો સમય જુદા જુદા સ્થળે જુદો જુદો હોય છે. પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશમાં શિયાળામાં, મહારાષ્ટ્રમાં ચોમાસામાં અને ચેન્નાઈમાં પાનખરમાં ઉગાડવામાં આવે છે. મૈસૂર અને ચેન્નાઈના કેટલાક ભાગોમાં મેથી ઑગસ્ટ અને ઑક્ટોબરથી જાન્યુઆરીમાં – એમ બે ઋતુમાં વાવવામાં આવે છે.

કોથમીર(Coriandrum sativam)ની પુષ્પવિન્યાસ સહિતની શાખા.

પંજાબમાં ધાણાનાં ફાડિયાં એક હેક્ટરે 40થી 50 કિગ્રા. પ્રમાણે ક્યારામાં પૂંખીને કે 20 સેમી.ના અંતરે વાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ધાણા પ્રતિ હેક્ટરે 14-16 કિગ્રા. ઉગાડવામાં આવે છે. બીજ 10-25 દિવસમાં અંકુરણ પામે છે. પાકને 2 કે 3 વાર નીંદણની જરૂરિયાત રહે છે અને જરૂર પડ્યે પિયત આપવામાં આવે છે.

વાવણી પછી 35થી 40 દિવસે પ્રથમ વાર કાપીને કે ચૂંટીને કોથમીર લઈ શકાય છે. કોથમીર માટે પાનનું પ્રમાણ વધારે હોય એવી, મોટાં પાનવાળી અને પથરાય તેવી કેટલીક જાતિઓ પણ વિકસાવવામાં આવી છે. આવી એક શીતલ જાત પ્રચલિત છે. કોથમીર બંગલાના આંગણામાં, નદીપટમાં તેમજ ધાબા કે છત ઉપર માટીના કૂંડામાં પણ વાવી શકાય છે. કોથમીરના વાવેતર પહેલાં જમીનમાં કોહવાયેલ છાણિયું કે કમ્પોસ્ટનું ખાતર ભેળવાય છે. 20 દિવસના ઉગાવા પછી 1.0 % યૂરિયાના દ્રાવણનો છંટકાવ કરવાથી ઘેરા લીલા રંગના પાનવાળી કોથમીર વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરી શકાય છે. ધાણા ઊગ્યા પછી 45 દિવસે અને ત્યાર બાદ ફરીથી જે ફૂટ આવે તેની 60 દિવસે કાપણી કરવાથી બેવાર કોથમીર લઈ શકાય છે. આ પ્રમાણે એક હેક્ટરે બે વાર કાપણી કરવાથી સરેરાશ બે ટન જેટલી કોથમીર મળે છે.

વાવણી પછી 3-3.5 મહિને પાક પરિપક્વ બને છે. મૂળ દ્વારા છોડ ખેંચી લઈ, સુકવણી બાદ ફળોનું નિષ્તુષન (thresting) કરવામાં આવે છે. તેમને ફરીથી સૂર્યના તડકામાં સૂકવી, ઊપણી અને કોથળાઓમાં સંગૃહીત કરવામાં આવે છે. ઉત્પાદનનો આધાર સ્થળ, ઋતુનિષ્ઠ પરિસ્થિતિ અને પાકના પ્રકાર (શુદ્ધ કે મિશ્ર, પિયત કે બિનપિયત) પર રહેલો છે. પંજાબમાં પ્રતિહેક્ટરે 800 કિગ્રા. – 1100 કિગ્રા અને મૈસૂરમાં 2050 કિગ્રા. – 1200 કિગ્રા. ઉત્પાદન શુદ્ધ પાક તરીકે અને મિશ્ર પાક તરીકે 900 કિગ્રા. ઉત્પાદન થાય છે.

ખાતરના ઉપયોગથી ફળોમાં તૈલી દ્રવ્યનું પ્રમાણ વધે છે. નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટૅશિયમનાં ખાતરો વિકાસના શરૂઆતના તબક્કાઓમાં આપતાં ખૂબ સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે.

કોથમીરને ‘છારો’ (mildew) અને ‘સુકારો’ (wilt) નામના રોગો થાય છે. છારો ભેજવાળી આબોહવામાં પુષ્પનિર્માણ સમય દરમિયાન થાય છે. સલ્ફર ડસ્ટિંગ અને બોર્ડો-મિશ્રણનો છંટકાવ રોગનિયંત્રણના અસરકારક ઉપાયો છે. સુકારા માટે રક્ષણાત્મક ઉપાયો શોધાયા નથી. Protomyces macrosporus નામની ફૂગ ગાંઠો ઉત્પન્ન કરે છે. તે બીજનિર્માણની ક્રિયાને અટકાવે છે.

પાકને કોઈ ગંભીર જીવાત લાગુ પડતી નથી. કેટલીક વાર પાન ખાતી ઈયળો, વેધક કીટકો અને લાકડી માંકડ છોડ ઉપર જોવા મળે છે.

પ્રકાંડ, પર્ણો અને ફળોમાં રહેલું ‘કોરિયેન્ડ્રિયૉલ’ નામનું તત્વ  આનંદદાયી સુગંધ અને સ્વાદ આપે છે. સમગ્ર છોડ નાનો હોય ત્યારે તેનો (લીલા ધાણાનો) ચટણી, સોસ, શાકભાજી, દાળ, કઢી, સૂપ, ભાજી-પાંઉ વગેરે ખાણીપીણીની બનાવટોમાં ઉપયોગ થાય છે. ચાઇના ડિશમાં પણ લીલા ધાણાનાં તાજાં કે સુકવણી કરેલાં પાનનો છૂટથી ઉપયોગ થાય છે.

ફળોનો ઉપયોગ ‘મસાલા’ તરીકે, અથાણાં અને સોસ બનાવવા અને પરિપક્વન(seasoning)માં થાય છે. તેનો પેસ્ટ્રી, બન, કેક અને તમાકુની બનાવટોને સુગંધિત કરવામાં ઉપયોગ થાય છે. અમેરિકા અને યુરોપમાં મદ્યાર્કોને સુગંધિત કરવામાં ધાણા વાપરવામાં આવે છે.

કોથમીરની સુકવણી પણ કરવામાં આવે છે. સૂકી કોથમીરની નિકાસ દ્વારા સારા પ્રમાણમાં હૂંડિયામણ મેળવી શકાય તેમ છે.

ફળ વાતાનુલોમક (carminative), મૂત્રલ (diuretic), બલ્ય, ક્ષુધાવર્ધક (stomachic), પ્રતિ-પૈત્તિક (antibilious), શીતક (refrigerant) અને વાજીકર (aphrodisiac) હોય છે. તેનો ઉપયોગ અન્ય ઔષધોની ગંધ નિવારવા અને રેવંચી અને સોનામુખીના આંત્રશૂલના ગુણધર્મને સુધારવા માટે થાય છે. શ્વાસની ગંધ સુધારવા બીજ ચૂસવામાં આવે છે. તેઓ સ્પિરિટયુક્ત મદ્યાર્કની વિષાળુ અસર ઘટાડે છે.

ફળનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 11.2 %, પ્રોટીન 14.1 %, લિપિડ (ઈથર-નિષ્કર્ષ) 16.1 %, કાર્બોદિતો 21.6 %, રેસો 32.6 %, ખનિજદ્રવ્ય 4.4 %, કૅલ્શિયમ 0.63 %, અને ફૉસ્ફરસ 0.37 %, લોહ 17.9 મિગ્રા./100 ગ્રા.. પર્ણો વિટામિન ‘સી’ (250 મિગ્રા./100 ગ્રા.) અને કૅરોટિન(5200 માઇક્રોગ્રામ/100 ગ્રા.)નો વિપુલ સ્રોત ગણાય છે.

ધાણાની સુગંધિત વાસ અને સ્વાદ તેમાં રહેલા બાષ્પશીલ તેલને આભારી છે. ભારતીય ધાણામાં તેલનું પ્રમાણ ઓછું હોય છે (સારણી 1). યુરોપના દેશોમાં ફળોમાં તેલ વધારે હોય છે. નૉર્વેના ફળના એક નમૂનામાં તેલનું પ્રમાણ 1.4 % – 1.7 % જેટલું માલૂમ પડ્યું હતું.

ભારતીય ધાણામાં ફળની સુકવણી દરમિયાન બાષ્પશીલ તેલમાં ઘડાડો થતો હોવાથી તૈલી દ્રવ્ય ઘટે છે. જોકે ભારતીય તેલની સુગંધ વધારે સારી હોય છે અને એસ્ટરની ટકાવારી પણ યુરોપના તેલ કરતાં ઊંચી હોય છે.

સારણી : જુદા જુદા પ્રદેશોમાંથી પ્રાપ્ત થતા બાષ્પશીલ તેલનું પ્રમાણ

સ્રોત

બાષ્પશીલ તેલ %

(ઓવનશુષ્ક આધારે)

મોરોક્કો

રશિયા

ભારત : તુતીકોરીન

કોઇમ્બતૂર

0.470-0.482

0.892-1.117

0.503-0.592

0.405-0.432

ધાણાનું તેલ રંગહીન કે આછા પીળા રંગનું પ્રવાહી છે. તેમાં ધાણાની વિશિષ્ટ સુગંધ અને સ્વાદ હોય છે. ભારતીય ધાણાના તેલના વિશ્લેષણાત્મક અચળાંકો આ પ્રમાણે છે :  0.8715-0.876, વક્રીભવનાંક 1.4569-1.4612, વિશિષ્ટ પ્રકાશિત ધૂર્ણન + 10oથી + 13o, સાબુકરણ આંક 30.0-54.3. તેલનું મુખ્ય ઘટક કોરિયેન્ડ્રોલ (C10H17OH), જે ટર્પિન ટર્શિયરી આલ્કોહૉલ છે અને d-લિનેલૂલ સાથે સામ્ય ધરાવે છે. તેલમાં તેની સાંદ્રતા 45 % થી 70 % જેટલી હોય છે. તેલમાં રહેલાં અન્ય ગૌણ ઘટકોમાં α – અને β-પિનેનિન p-સાયમિન, ડાઇપેન્ટિન, γ-ટર્પિનિન, ફેલેન્ડ્રિન, ટર્પિનોલિન અને અત્યંત અલ્પપ્રમાણમાં જિરાનિયોલ, બોર્નિયોલ, α-ડિસાયક્લિક આલ્ડીહાઇડ અને એસેટિક ઍસિડ તેમજ ડિસાયક્લિક ઍસિડોનો સમાવેશ થાય છે.

તેલનો ઉપયોગ મુખ્યત્વે સ્પિરિટયુક્ત મદ્યાર્ક અને કોકો અને ચૉકલેટ-ઉદ્યોગોમાં સુગંધિત પ્રક્રિયક તરીકે થાય છે. તેનો ઔષધોમાં વાતાનુલોમક તરીકે અને સ્વાદ સુધારવા તેમજ વમનકારી કે આંત્રશૂલના ગુણધર્મોવાળાં અન્ય ઔષધોને સુધારવા ઉપયોગ થાય છે. તેના વર્ગના અન્ય તેલ કરતાં વધારે સ્થાયી છે અને લાંબા સમય સુધી પોતાની સુગંધ જાળવી રાખી શકે છે. ડિસાયક્લિક આલ્ડીહાઇડ (1 % ઉત્પાદન) તેલ સાથે બાઇસલ્ફાઇટને મિશ્ર કરી તેનો અત્તર-ઉદ્યોગમાં ઉપયોગ થાય છે.

વ્યાપારિક તેલનું ઘણી વાર મીઠી નારંગીના તેલ, દેવદારના કાષ્ઠના તેલ વગેરે સાથે અપમિશ્રણ થાય છે.

બીજમાં બાષ્પશીલ તેલ ઉપરાંત 19 %થી 21 % જેટલું મેદીય તેલ ધરાવે છે. તે ઘેરું, બદામી-લીલું હોય છે અને બાષ્પશીલ તેલ જેવી સુગંધ ધરાવે છે. તેલની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : વિ.ગુ. 15o 0.9262 – 0.9284, વક્રીભવનાંક 1.4704, સાબુકરણ-આંક 182-190, આયોડિન-આંક 93-100, અને અસાબુનીકૃત દ્રવ્ય 2.3 % અદ્રાવ્ય ફૅટીઍસિડોમાં પામિડિક %, પેટ્રોસેલિનિક 53 %, ઓલિક 32 % અને લિનોલેઇક ઍસિડ 7 %નો સમાવેશ થાય છે. આ તેલમાંથી બનાવેલ સોડિયમ સાબુ સારી સુગંધ અને ફીણ આપે છે. તે ઘટ્ટતાની ર્દષ્ટિએ મૃદુ અને લીલા રંગનો હોય છે.

બાષ્પશીલ તેલના નિષ્કર્ષણ પછી વધતો અવશેષ પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. અવશેષના એક વિશ્લેષણ પ્રમાણે, તે 11 % – 17 % પ્રોટીન અને 11 % – 20 % લિપિડ ધરાવે છે.

આયુર્વેદ અનુસાર ધાણા મધુર, હૃદ્ય, તૂરા, દીપન, સ્નિગ્ધ, કડવા, ઉષ્ણ, અવૃષ્ય, મૂત્રલ, લઘુ, પાચક, ગ્રાહક તેમજ રુચિકર હોય છે. તે તૃષા, દાહ, અતિસાર, ઉધરસ, પિત્તજ્વર, ઊલટી, કફ, દમ, ત્રિદોષ, અર્શ, કૃમિ અને પિત્તનો નાશ કરે છે. તેનો ઉપયોગ ભિલામો ઊઠી નીકળ્યો હોય તો; શરીરમાં શીતળાની જામેલી ગરમી નીકળી જવા માટે; આમ થાય તે ઉપર; અગ્નિમાંદ્ય, શ્વાસ, વિષમ જ્વર, અર્જીણ; મૂત્રાઘાત, ગર્ભિણીની ઊલટી, રક્તપિત્ત, શૂળ, આમ, અર્જીણ, ઉધરસ અને નેપાળાના વિષ ઉપર થાય છે.

કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા

પ્રાગજી મો. રાઠોડ

બળદેવભાઈ પટેલ