કોત્તાગુડમ : આંધ્રપ્રદેશના ખમ્મામ જિલ્લામાં ગોદાવરી નદીના જમણા કાંઠે આવેલું નગર. તે હૈદરાબાદથી 187 કિમી., વારંગલથી અગ્નિખૂણે 120 કિમી. દોણકિલ સ્ટેશનથી 55 કિમી. દૂર ભદ્રાચલ રોડ નજીકનું સ્ટેશન છે. વિજયવાડા તથા અન્ય શહેરો સાથે તે ધોરી માર્ગો દ્વારા જોડાયેલું છે. અહીં વીજળી ઉત્પન્ન કરતું વિદ્યુતમથક છે. ગોદાવરીની ખીણમાં આવેલ સિંગરેણીની કોલસાની ખાણોને તે વીજળી પૂરી પાડે છે. કોલસાના આ ખાણક્ષેત્રની મુખ્ય ઑફિસ અહીં છે. અહીં ખાતરનું કારખાનું, યંત્રસામગ્રીનું કારખાનું, ચોખા અને તેલની મિલો વગેરે છે. તે વેપારી અને શૈક્ષણિક કેન્દ્ર છે. તેમાં ‘માઇનિંગ સ્કૂલ’ ઉપરાંત અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓ, પુસ્તકાલય વગેરે આવેલાં છે.
શિવપ્રસાદ રાજગોર